શીતળા સાતમ વર્ત કથા shitla satam ki katha

શીતળા સાતમ વર્ત કથા, shitla satam ki katha

Jul 24, 2023 - 14:48
Jul 24, 2023 - 15:03
 0  195
શીતળા સાતમ વર્ત કથા shitla satam ki katha

શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસ સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે. શીતળા માતાનું પૂજન કરે છે. રાંધણ છઠ્ઠનું રાંધેલું ટાઢું ખાય છે. ચૂલો સળગાવાતો નથી. સવારે પાણિયારામાં શીતળા માનો દીવો કરવામાં આવે છે ને આ કથા કરવામાં આવે છે. આ વ્રત કરવું સારું છે.

એક ગામ હતું.

એ ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતાં હતાં.

દેરાણી અને જેઠાણી બન્નેને એક એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી.

નાની વહુ સીધી, સાદી અને ભલી-ભોળી હતી.

શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠ્ઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતાં રાંધતાં મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું.

એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ - દેરાણી રાંધવાનું પડતું મૂકીનેછોકરા પાસે ગઈ અનેછોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે ઝોકાં ખાવા લાગી અને સૂઈ ગઈ.

એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો. એ જોઈને તેઓ ગુસ્સે થયાં. તેમાં તેઓ આળોટ્યાં અને દાઝ્યાં. આથી શીતળા માએ તેને શાપ આપ્યો કે, “જેવું મારું શરીર બન્યું એવું એનું પેટ બળજો.''

શીતળા મા તો શાપ આપીને ચાલ્યાં ગયાં અને નાની વહુએ સવારે ઊઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો.

હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યાં છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી.

એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી. એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી. આવીને એ બન્નેએ જોયું ને નાની વહુને કહ્યું :

“રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારી ઉપર શીતળા મા કોપાયમાન થયાં છે. તું તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ. મા તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે.”

સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ, ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી. ચાલતાં ચાલતાં રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ, ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો :

“બાઈ ! તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કહે ?’’

એટલે નાની વહુએ કહ્યું : “શીતળા મા મારી ઉપર કોપ્યાં છે. મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે. માટે શીતળા માની માફી માગવા જાઉં છું.''

“તું શીતળા મા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે ?’’

નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બન્ને આખલાના ગળામાં ઘંટીનું એક એક પડ હતું. તેઓ બન્ને એકબીજાને માથાં મારીને લડતા હતા.

નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની વહુને પૂછ્યું :

“બેટા ! તારી આંખમાં આંસુ કેમ છે ?”

“શીતળા મા મારી ઉપર કોપ્યાં છે, એટલે માફી માગવા જાઉં છું. ,,

“તો બાઈ ! શીતળા માને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યા પાપને લીધે અમારા ગળામાં ઘંટીનાં પડ બાંધ્યાં

છે અને અમે શા માટે લડચા કરીએ છીએ ?’’

“સારું” કહી નાની વહુ તો આગળ વધવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલીઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી.

એને જોઈને ડોશીએ કહ્યું : “આવ બેટી ! હું તારી જ રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને ! માથામાં મને બહુ ખંજવાળ આવે છે.''

આ સાંભળી નાની વહુને દયા આવી. એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોશીનું માથું જોવા બેસી ગઈ.

ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું. એમાંથી ઘણી લીખો અને જૂઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતાં ડોશી બોલી :

“બેટી!

! ભગવાન તારું કલ્યાણ કરશે ! અને તારી ભલાઈનો

બદલો ભગવાન તને જરૂર આપશે.” આમ કહી ડોશી તો અદૃશ્ય થઈ ગઈ. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળા મા

ઊભાં રહી ગયાં. છોકરાને શીતળા માએ સજીવન કર્યો અને એ

તો શીતળા માના ખોળામાં રમવા લાગ્યો.

નાની વહુએ શીતળા માનાં દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી.

શીતળા માએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો-રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તળાવનાં પાણી વિશે પૂછ્યું, ત્યારે શીતળા માએ કહ્યું :

“બેટી ! ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહિ અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એનાં પાપનું નિવારણ એ કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુપક્ષીઓ અને तु વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે.”

પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી, ત્યારે શીતળા માએ કહ્યું :

“બેટી ! એ બન્ને આખલા ગયા ભવમાં દેરાણી-જેઠાણી હતાં. એમને ઘેર કોઈ આડોશી-પાડોશી દળવા-ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતાં. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યાં છે. તું જો જઈને એમના ગળામાં રહેલાં ઘંટીનાં પડ કાઢી નાખે, તો તેઓ સંપીને રહેશે.’’

આટલું કહી શીતળા મા તો અંતર્ધ્યાન થઈ ગયાં અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી.

ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીનાં પડ કાઢી નાખ્યાં.

આથી બન્ને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા, અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો.

પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલિ ભરી છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું.

ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા

માંડ્યાં.

પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી.

ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ; પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહિ.

સાસુએ તો નાની વહુને પૂછ્યું : “નાની વહુ ! બેટા ! આ બધું કેવી રીતે બન્યું ?'’

એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી.

આ સાંભળી જેઠાણીને પણ શીતળા માના આશીર્વાદ લેવાનું મન થયું, અને બીજે વરસે રાંધણ છઠ્ઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી.

પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે ? બીજા વરસનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછટ્ટ પણ આવી, એટલે એણે પણ જાણી જોઈને રાંધણ છઠ્ઠની રાતે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ.

એવામાં શીતળા મા ફરવા નીકળ્યાં અને ફરતાં ફરતાં એના ઘરમાં પ્રવેશ્યાં. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયાં અને તેમાં આળોટ્યાં એટલે દાઝ્યાં. એટલે શીતળા માતાએ તો જેઠાણીને શાપ આપ્યો :

“જેણે મને બાળી છે એનું અંતર બળજો.’’

અને સવારે જેઠાણીએ ઊઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો પડ્યો હતો. એણે રડતાં રડતાં શું બન્યું એની બધી વાત સાસુને કરી, એટલે સાસુ એમને લડ્યાં અને પછી કહ્યું : “જા ! તું પણ નાની વહુની જેમ શીતળા માને મનાવવા માટે જા. એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો-નરવો

થઈ જશે.

આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી.

આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો : “પાણી પીશ નહિ, નહિતર મરી જઈશ.’’

આથી એણે પાણી પીધું નહિ, એટલે તળાવે કહ્યું : “તું ક્યાં જાય છે ?’

જેઠાણી કહે : “હું ગમે ત્યાં જાઉં એની તમારે શી પંચાત ?’’ : આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ, ત્યાં ઘંટીનાં પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા, પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયાં અને પૂછ્યું :

“બહેન, તું ક્યાં જાય છે ?' આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી :

,

“હું ગમે ત્યાં જાઉં એની તમારે શી પંચાત ?’’ આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહિ અને બાઈ તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી.

આગળ જતાં પેલી મેલીઘેલી ડોશી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું : “વહુ બેટા ! સારું થયું તું આવી ગઈ તે ! મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે. જરા માથું ખંજવાળી આપને અને જૂઓ અને લીખો કાઢી આપને !''

આ સાંભળી જેઠાણી ખિજાણી અને બોલી : “તમારા જેવી મેલીઘેલી ડોશીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું.'' આમ કહી એ તો ચાલી નીકળી,

એ બહુ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યાં નહિ, એ તો મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે એને સુખ પ્રાપ્ત થયું.

જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળા મા ! તમે જેવા દેરાણીને ફળ્યાં એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .