ઢાળ : અમ દેશની આર્યરમણી

ઢાળ : અમ દેશની આર્યરમણી

Jul 24, 2023 - 12:50
Jul 24, 2023 - 12:52
 0  36

ઢાળ : અમ દેશની આર્યરમણી 

ઓખાધરે મોગલ ઉગીને , ગણકી ગોરવિયાળે માઁ

કડી જઈને કપટીને , ઢોલીયેથી ઢાળે માઁ

પાયે બાદશાને પાડી , એ ભગુડે ચોર અટકાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

સાત સંગે ખોડિયારને , મામડને કરતી મહેરને

અમૃત ઘડો પાતાળથી આણી , ઉતારે વિરના ઝેરને

ત્રણ ધરા એ ગંગા સમા , પારણા સૂના માઁ ઝૂલાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

દલડુ માતા દેવલનુ , ચોટ્યુ નહી સંસારમા

પાણી ગંગાના પાઈને , વેગડની કરતી વાર માઁ

સમરાંગણમા સોલંકીનુ , શીશ છેડામાં સમાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

સાંખડા નરાને સોણલે , હિંગળાજ માઁ હાંકલો કરે

વડલે કાઢી એ વરુડી , સાતમે દાડે શ્વાસો ભરે

નવલખા દળને નવઘણા , પાણી જે પીવડાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

સિંહણ બની સરધારમા , માઁ જીવણી બાકર મારતી

માફી એ શેખલો માંગતો , તુજ માઁ એને તારતી

ઝાંપે તારા દીવડા ઝળે , સરા જાહેરમા સમાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

ચોર્યાસી એ સાંકળાવાળી , હરજોગની દેતી હાકલા

મહેલે કુતુબને પછાડી , દિધા માંડલિક દાખલા

બાર વહાણને બચાવ્યા , ધરા સુરતની ધુણાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

સોયા બાટીને સાત છે, કરમાઇ પીઠડ કાત્રોડ માઁ

સુંદરી શિહોરી ભીંચરી , રખાઇ રમે માત જોડમા

સાત દેતી સોનામહોરને , ઓતરે ટીડ ઉડાવતી 

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

બલદાણે બાળાપણમા , આહિરને પરચા આપ્યા

મચ્છુ કાંઠે બ્રહ્મચારણી , હોલમાએ વ્રત જાપ્યા

ગઢ જૂને બની ગીધ ને , ચાંખડા નરાને બચાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

ત્રાપુ ભરી હાલી તળાજે , નાશ કરવા નાગબાઇ

ઉડી આવી આકાશમા , કચડવાને કાગબાઇ

ધાર પર નઝરુ ધરી , સંગે બેનડીયુ સમાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

હરપાલની દેતી હાંકલા , હિંગળાજે જાત્રા હાલતી

ચાંપલ જોડે સાવજને , જેમ બળદીયો જાલતી

રેખા દોરતી રક્ષણી , એ આણ ખોડાઇમા આપતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

ઉદા વાચાને સૂરજ ઉગ્યો , રાજલનો રાસ ગમ્યો 

અશ્વને સજીવન કર્યો , નિહાળી પૃથ્વી નમ્યો 

દિલ્લી તણા એ દ્વારમા , અકબરને એ થડકાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

કરણી ભેળે મેહા કિનિયા , સાત સુવાપે આવિયૂ

દેવલના ભાંગ્યા દુઃખને , દેશનોકને દીપાવિયૂ

આરતી ટાણે રોજ આવી , આજે પણ ઓળખાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

બાપલ દેથાને બુટને , બહુચરે બપિયો ડામિયો

બલાડ સંગે એ બાલવી , અંગે કરે દૂર ખામિયો

ચોખાને કાઢી ચૂંદડી , અરણેજે વડને સુકાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

થાકને ખાવા થાનકે , ધરા દેવળીયે દેહ ધર્યા

જીભેથી તેં જાનબાઈ , કપટીને આંધળા કર્યા

હતા ઘર હયાતમા , એ શ્રાપ દઈ ઉથલાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

બાબરીયાતે સાંઈ નેહડી , અશ્વ આંખે ભાળતી

વિકટમા એભલ વાળાને , એ હૂંફ દઈ ઉગારતી

કોઢ કાળુને કાઢિયા , બોલથી અણાને બચાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

જાલુ દેવલ ને જીવણી , બાયાં બોઘાને બારણે

તાત કાજે લઇ ટેકને , કેવી રોઝની રક્ષા કરે

પત્થર કરી ભૂપને બાવીસુ , હવનમા હોમાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

ખમ્મા કીધી ખમકારને , કળ્યો નહી કામબાઇને

માંગણી હિણી એ મેલતો , ભાગ્યો થાળ જોઇ આઇને

ઓતર બારીએ ચેતવ્યો , બાર વરસે એ બળાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

શ્વાસથી સમદર સુચે , એને ઓઢણા આ આભના

પૃથ્વી સમા આ પાથરણા , છે સાંકળા શેષનાગના

ભૂપત કહે માઁ ભાણને , થોડી ઘડી જે થંભાવતી

નવલાખુ રમવા નેહડે , ઉજળે ચારણને આવતી !

રચના : આહીર ભૂપત ભાઈ જળુ

ગામ : નવાગામ (સરધાર) તાલુકો રાજકોટ

Mo. 80000 55255 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .