પુરુષોત્તમ માસ વાર્તા કથા Purushottam maas katha in Gujarati

પુરુષોત્તમ માસ વાર્તા કથા, Purushottam maas katha in Gujarati

Jul 25, 2023 - 16:50
Aug 13, 2023 - 19:13
 0  3005
પુરુષોત્તમ માસ વાર્તા કથા Purushottam maas katha in Gujarati

દર ત્રણ વરસે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે ઘડાની સ્થાપના કરવામાં આવે છે. આ સ્થાપન પાસે ઘીનો અખંડ દીવો બાળવામાં આવે છે. સવારે વહેલા ઊઠીને નદીએ સ્નાન કરવા જવામાં આવે છે. પછી આવીને ઘડાનું પૂજન કરવામાં આવે છે. દીવાનાં દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવામાં આવે છે. આખો માસ એકટાણું કરવામાં આવે છે. ભોય પથારી કરવામાં આવે છે અને મહિનો પૂરો થતાં બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દાન કરવામાં આવે છે.

એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. ઘરમાં બે જ જણાં છૈયુંછોકરું કોઈ નહિ પણ ભારે

ધનવાન ઘરના કોઠાર ધનધાન્યથી ભરેલા એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે બ્રાહ્મણ ને બ્રાહ્મણી

તો રોજ નદીએ નાહવાં જાય નાહીધોઈને ઘેર આવે અને પૂજનવિધિ કરે ત્યાં બપોરનો સમય થઈ જાય રસોઈ કરવાનો સમય રહે નહિ.

એમને લાગ્યું કે અરેરેરે ભગવાને એકાદો દીકરો આપ્યો હોત તો એને પરણાવીને વહુ લાવત અને વહુ રસોઈ કરી રાખત પણ દીકરા વગર વહુ લાવવી ક્યાંથી ?

બ્રાહ્મણી કહે ગમે તેમ કરો પણ વહુ લાવો. વહુ વગર કોઈ રસોઈ કરી આપનાર નથી અને આપણને સેવાપૂજા પાછળ રસોઈ કરવાનો સમય મળતો નથી.

બ્રાહ્મણ કહે પણ દીકરા વગર વહુ લાવવી ક્યાંથી ? કોઈ પૂછે તો કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે. થોડા વખતમાં જ કાશીએથી ભણીને અને પંડિત બનીને પાછો આવી જશે.

ભલે કહી બ્રાહ્મણ તો જવા માટે તૈયાર થયો અને બ્રાહ્મણીએ એને ભાથું કરી આપ્યું.

બ્રાહ્મણ તો ભાથું લઈને ચાલી નીકળ્યો. એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ એમ ચાલ્યો જાય છે પણ ક્યાંય એનું મન ઠરતું નથી.

એમ કરતાં કરતાં એક ગામમાં બ્રાહ્મણ આવી પહોંચ્યો. ત્યાં એક બ્રાહ્મણની દીકરી હતી. રૂપવાન અને ગુણવાન. તેવા સમાચાર મળ્યા એટલે એ એને ત્યાં ગયો.

ત્યાં જઈને એણે કન્યાનું માગું નાખ્યું અને કન્યાના બાપને કહ્યું ભાઈ મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ મહિના ઊતર્યા પછી એક મહિને તે કાશીએથી ભણીને પંડિત થઈને આવશે. માટે આપની દીકરીને મારા દીકરા સાથે પરણાવો.'

આપના દીકરાની ગેરહાજરીમાં ફેરા કોની સાથે ફેરવું ?

એમ કરો ત્રણ ફેરા લેખણ સાથે ફેરવો. ચોથો ફેરો બાકી

રાખો. મારો દીકરો કાશીએથી આવે ત્યારે ચોથો ફેરો ફેરવીશું.

ભલે. કહી કન્યાના બાપે માંડવો રોપાવ્યો ચોરી બંધાવી મંગળ વાજાં વગડાવ્યાં અને છોકરીને લેખણની સાથે ત્રણ ફેરા

ફેરવી બ્રાહ્મણની સાથે વિદાય કરી. બ્રાહ્મણ તો વહુને લઈને ઘેર આવ્યો.

બ્રાહ્મણ ને બ્રાહ્મણી રોજ નદીએ નાહવાં જાય છે અને પાછળથી વહુ રાંધીને રસોઈ તૈયાર રાખે છે. સેવાપૂજન કરીને બન્ને પરવારે છે પછી જમવા બેસે છે.

એક દિવસની વાત છે.

બ્રાહ્મણ અને બ્રાહ્મણી નદીએ નાહવાં ગયાં અને વહુ પડોશણને ઘેર દેવતા લેવા ગઈ. ત્યાં જઈને કહે 

અરે કાકી આજે દેવતા બુઝાઈ ગયો છે જરા આપોને ’

પડોશણ કહે વહુ ઊભી રહે દેવતા આપું છું. પણ પહેલાં એ તો કહે તું પરણી છે કોની સાથે ? તું વહુ કોની ?

કેમ આમના દીકરાની 

અરે એમને દીકરો જ ક્યાં છે ? એ તો વાંઝિયા છે. એમના દીકરા તો કાશીએ ભણવા ગયા છે. આવતે મહિને આવશે.''

ખોટી વાત તને છેતરી છે. એમને કોઈ દીકરો નથી અને કાશીએ કોઈ ભણવા ગયું પણ નથી.

પડોશણની વાતથી વહુ તો મૂંઝાણી. એણે તો રસોઈબસોઈ કરી નહિ અને ઉપરથી રડવા બેઠી. એ તો બેઠી બેઠી રડ્યા કરે છે.

એવામાં સાસુ અને સસરા નદીએથી નાહીધોઈને આવ્યાં અને જોયું તો વહુ રડતી હતી. વહુને રડતી જોઈને સાસુએ પૂછ્યું અરે વહુ બેટા રડે છે કેમ ?’ એટલે વહુએ બધી વાત કરી અને છેવટે ઉમેર્યું

તમારો દીકરો બતાવો''

સાસુ કહે વહુ બેટા ધીરજ રાખો જરૂર મારો દીકરો આવશે.

આમ કહી સાતેય કોઠારની ચાવીઓ વહુને આપી અને કહ્યું બધા કોઠાર ઉઘાડજો પણ સાતમો કોઠાર ઉઘાડતા નહિ. બીજે દિવસે સાસુસસરા નદીએ નાહવાં ગયાં અને વહુએ એક પછી એક કોઠાર ઉઘાડવા માંડ્યા.

પહેલો કોઠાર ઉઘાડ્યો તો એ અનાજથી ભરેલો હતો. બીજો કોઠાર ઉઘાડ્યો તો એ વાસણકુસણથી ભરેલો હતો. ત્રીજો કોઠાર જાતજાતનાં વસ્ત્રોથી ભરેલો હતો. ચોથો કોઠાર સોનારૂપાનાં ઘરેણાંથી ભરેલો હતો. પાંચમો કોઠાર સુવર્ણમુદ્રાઓથી ભરેલો હતો અને છઠ્ઠો કોઠાર હીરામોતીથી ભરેલો હતો. અને વહુએ સાતમો કોઠાર ઉઘાડ્યો ત્યાં તો...

દીવાના તેજથી આખો ઓરડો ઝગમગતો હતો અને એક પુરુષ બેઠો બેઠો પોથી વાંચતો હતો. આ પુરુષે પીળું પીતાંબર પહેરેલું હતું રેશમી ઉપરણું ઓઢેલું હતું અને ગળામાં સોનાનો હાર લટકતો હતો.

વહુને જોતાં જ એ પુરુષ બોલી ઊઠ્યો 

ઓરડો જલદી બંધ કરો. મારાં માતાપિતાનું વ્રત ભાંગશે. પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી જ મને બોલાવજો. પછી જ ચોથો ફેરો તમારી સાથે ફરીશ અને પરણીશ.' આ સાંભળી વહુએ તરત જ ઓરડો બંધ કરી દીધો અને એને સાસુસસરાની વાત સાચી લાગી.

વહુ તો રાજી થતી થતી રસોઈ કરવા લાગી. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો આજે ઉજવણું કરવાનું હતું એટલે વધુ જાતે જ રાજી થતી થતી ઘેર ઘેર નોતરા દઈ આવી.

અને સમય થયો એટલે બ્રાહ્મણો આવ્યા મંત્રો બોલવા લાગ્યા લગ્નની વિધિ થવા લાગી.

વહુ કહે સાસુજી આજે તો તમારા દીકરા આવશે અને મારે ચોથો ફેરો ફરવાનો છે બરાબર ?'

આ સાંભળી સાસુ વિચારમાં પડી ગઈ. દીકરો હોય તો વેને

એવામાં મહારાજે કહ્યું હવે વર અને કન્યાને મંડપમાં પધરાવો.

આ સાંભળી સાસુ વધુ મૂંઝાવા માંડ્યાં એટલે વહુ બોલી બા તમે મૂંઝાવ છો કેમ ? તમે તો કહેતા હતા ને કે તમારા દીકરા કાશીએ ભણવા ગયા છે ? પણ એ તો કાશીએથી આવી પણ ગયા અને છેલ્લા સાતમા કોઠારમાં બેઠા બેઠા પોથી વાંચે છે. એમનું નામ પુરુષોત્તમદાસ છે. એમને બોલાવો. એમણે કહ્યું હતું કે સમય થાય એટલે બોલાવજો.

અને વહુની સાસુ તો આનંદમાં આવી ગઈ.

એ તો સાતમા કોઠાર પાસે ગઈ કોઠાર ઉઘાડ્યો અને સાદ દીધો અરે બેટા પુરુષોત્તમ બહાર આવો સમય થઈ ગયોછે.

અને એકદમ પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. એમણે આવીને સીધા મંડપમાં પ્રવેશ કર્યો માબાપને ભેટી પડ્યા અને પરણવા બેસી ગયા.

ચોથો ફેરો બાકી હતો તે પૂરો થયો.

લગ્ન ધામધૂમથી ઉજવાઈ ગયું. આખા નગરમાં ને ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો.

જય પુરુષોત્તમ ભગવાન તમારું વ્રત કરનારને તમારી કથા વાંચનારને અને સાંભળનારને સૌને બ્રાહ્મણબ્રાહ્મણીને ફળ્યા એમ ફળો.

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें