સાકરિયો સોમવાર વર્ત વાર્તા કથા અને વ્રત વિધિ Sakariyo Somwar Ni Katha gujarati

સાકરિયો સોમવાર વર્ત વાર્તા કથા અને વ્રત વિધિ, Sakariyo Somwar Ni Katha gujarati

Aug 23, 2023 - 00:20
Aug 24, 2023 - 01:10
 0  2405
સાકરિયો સોમવાર વર્ત વાર્તા કથા અને વ્રત વિધિ Sakariyo Somwar Ni Katha gujarati

શ્રાવક માસના જ પ્રથમ સોમવાર આવે તે સોમવાર વ્રત કરવું. એ દિવસે સવારે વહેલાં ઊઠીને નાહી-ધોઈ શંકર ભગવાનના નામનો દીવો કરી ૧૦૦ ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવું. પછી સાકરના ચાર સરખા ભાગ કરવા અને કથા સાંભળવી. આખો દિવસ ઉપવાસ કરવો અને પ્રસાદના સાકરનો એક ભાગ સવારે, એક ભાગ બપોરે અને એક ભાગ સાંજે ખાવો તથા ચોથો ભાગ પ્રસાદમાં વહેંચી દેવો.

એક ગામ હતું.

એ ગામમાં એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો.

એના આખા શરીરે સફેદ કોઢ નીકળેલો હતો, તો પણ એને પરણવાનું મન થયું હતું.

પરંતુ આવા કોઢિયા બ્રાહ્મણને કોણ કન્યા આપે ? એક મોટા પંડિત પાસે ગયો અને પંડિતને પૂછ્યું કે, “આ

કોઢ મટાડવા મારે શો ઉપાય કરવો ?'

“તું સોળ સોમવારનું વ્રત કર તો તારો કોઢ મર્ટી જશે.'' એણે ઉપાય બતાવ્યો.

એણે સોળ સોમવારનું વ્રત કર્યું. આ વ્રત પૂરું થતાંની સાથે જ એનો કોઢ મટી ગયો અને એની કાયા કંચન જેવી થઈ ગઈ.

અને તરત જ એ બ્રાહ્મણને કન્યા પણ મળી ગઈ.

એનાં લગ્ન પણ થઈ ગયાં અને એ સુખચેનમાં દિવસ વિતાવવા લાગ્યો.

ત્યાં ચોમાસું આવ્યું. એ વરસે ઘણો વરસાદ પડ્યો. ગામમાં ઘણાં ઘરો પડી ગયાં, ઢોર પણ મરી ગયાં અને ખેતરોમાં ઊભો પાક પણ તણાઈ ગયો.

આ વરસાદમાં આ બ્રાહ્મણનું ઘર પણ પડી ગયું.

ગામના કેટલાક લોકોની અને મોટા ભાગના ખેડૂતોની હાલત પણ ખરાબ થઈ ગઈ, એટલે આ બ્રાહ્મણની આવક પણ બંધ થઈ ગઈ.

છતાં પણ એણે ગમે તેમ કરીને પોતાના પડી ગયેલા ઘરની જગ્યાએ એક નાનકડી ઝૂંપડી ઊભી કરી, પોતે સુખે-દુઃખે દિવસો પસાર કરવા લાગ્યો.

અંતે પરિસ્થિતિ વધારે ખરાબ થવા લાગી, એટલે એણે એની પત્નીને કહ્યું

“તું કહેતી હોય તો હું બહારગામ કમાવા માટે જાઉં.'' “હા જાવને અહીં ભૂખ્યા ક્યાં સુધી બેસી રહેવું ?

અને બ્રાહ્મણ તો એની પત્નીને ઘેર એકલી મૂકીને પરગામ કમાવા માટે ચાલી નીકળ્યો.

રસ્તામાં એને એક સંત-મહાત્મા મળ્યા.

બ્રાહ્મણે સંત-મહાત્માની ખૂબ સેવા કરી, એટલે સંત- મહાત્માએ ખુશ થઈને એને એક ચમત્કારિક ગુટિકા આપી અને કહ્યું કે, “આ ગુટિકા ઘસીને પિવડાવવાથી મરેલો માણસ પણ સજીવન થશે.''

બ્રાહ્મણ તો એ ગુટિકા અને સંત-મહાત્માના આશીર્વાદ લઈને રવાના થયો.

ચાલતાં ચાલતાં તે એક નગરમાં આવી પહોંચ્યો.

આવીને જોયું તો આખા નગરમાં શોક ફેલાઈ ગયો હતો.

તપાસ કરતાં એને જાણવા મળ્યું કે ગામના રાજાની રાજકુંવરી આજે સવારે મરણ પામી છે.

એ તરત જ રાજમહેલમાં ગયો અને રાજાને બધી વાત કરી, એટલે રાજાએ કહ્યું :

“ભાઈ મરેલું માણસ કાંઈ સજીવન થાય ખરું ? છતાં પણ તું કહે છે તો આપણે અખતરો કરી જોઈએ.’

“ભલે.” કહી બ્રાહ્મણે નોકર પાસે પાણી મંગાવ્યું અને પાણી આવ્યું એટલે પથ્થર ધોઈ તેની ઉપર પેલી ગુટિકા ઘસી, એનો રગડો કુંવરીના મુખમાં રેડ્યો.

થોડી વારમાં તો કુંવરીના શરીરમાં ચેતન આવ્યું. એ સળવળવા માંડી અને આળસ મરડીને ઊભી થઈ.

એ તો સૌની સામે ટગર ટગર જોવા લાગી. રાજા-રાણી તો આ બ્રાહ્મણ ઉપર ખુશ થયાં અને બ્રાહ્મણને

પોતાના મહેલમાં મહેમાન તરીકે રાખ્યો. ત્યારે આ બાજુ બ્રાહ્મણી બિચારી સુખેદુઃખે પોતાના દિવસો ગુજારે છે. એને પેટ પૂરતું ખાવા પણ મળતું નથી.

એવામાં શ્રાવણ મહિનો આવ્યો.

ગામમાં જે સ્ત્રીઓ હતી એ બધી સ્ત્રીઓ સાકરિયા સોમવારનું વ્રત કરવા લાગી.

આ બ્રાહ્મણીને પણ વિચાર આવ્યો કે હું પણ આ બધી સ્ત્રીઓ માફક વ્રત કરું.

એટલે એણે પણ પહેલો સોમવાર શંકર ભગવાનની ભક્તિમાં ગાળ્યો, પરંતુ ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો, એટલે એ એકટાણું તો કરે જ ક્યાંથી ?

એ તો બિચારી ભગવાનનું નામ લેતી લેતી ભૂખી બેસી રહી. એવામાં ગામના નગરશેઠને ઘેર દીકરાનો જન્મ થયો. એણે આખા ગામમાં સાકરનાં પડીકાં વહેંચ્યાં. એમાંનું એક પડીકું આ બ્રાહ્મણીને પણ મળ્યું.

એણે એકટાણામાં આ પડીકામાંથી થોડીક સાકર લઈને ખાધી અને વધેલી સાકરનું પાણી કરીને પીધું, એટલે એને ટાઢક વળી.

એવામાં એ રાતે બ્રાહ્મણીને સ્વપ્નું આવ્યું. સ્વપ્નામાં મહાદેવજી આવ્યા. મહાદેવજીએ આવીને કહ્યું : “હે બ્રાહ્મણી તે જાણ્યે-અજાણ્યે સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે, પરંતુ જો તું આ વ્રત વિધિપૂર્વક કરે તો તેનું ફળ તને ઘણું મળે એમ છે, કારણ કે હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું.” “પણ આ વ્રત મારે કેમ કરવું તેની મને ખબર નથી.’’

“શ્રાવણના મહિનાના ચારેય સોમવારે સવારે વહેલા ઊઠવાનું. નાહી-ધોઈ વહેલા પરવારવાનું અને શંકર ભગવાનનો દીવો કરવાનો. પછી ૧૦૦ ગ્રામ સાકર લઈ મહાદેવજીના મંદિરે જવાનું. ત્યાં જઈને સાકરના ચાર સરખા ભાગ કરવાના. એમાંનો એક ભાગ મહાદેવજીને ચડાવવાનો, બીજો ભાગ રમતાં બાળકોને આપવાનો, ત્રીજો ભાગ પ્રસાદ તરીકે પોતે રાખવાનો અને ચોથો ભાગ નદી-તળાવમાં પધરાવી દેવાનો.

વળી તે દિવસે નકોરડો ઉપવાસ કરવાનો.

જ્યારે તરસ લાગે ત્યારે સાકરનું પાણી પીવાનું. એ દિવસે મહાદેવજીની કથા સાંભળવાની અને સાંભળતી વખતે ‘જય મહાદેવજી' એમ હુંકારો દેવાનો. પછી સાંજ પડે ત્યારે મહાદેવજીની પૂજા કરવાની, બાદ આરતી ઉતારવાની. રાતના જમીન ઉપર શેતરંજી પાથરીને સૂઈ રહેવાનું.

આ રીતે સોળ સોમવાર સુધી વ્રત કરવાનું અને છેલ્લા સોમવારે વ્રત પૂરું થાય એટલે એની ઉજવણી કરવાની. ઉજવણીમાં સવાશેર ઘઉંનો લોટ લેવાનો, એમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખીને બધું ભેગું કરવાનું અને એના કુલ ચાર લાડુ બનાવવાના. એમાંથી એક લાડુ મહાદેવજીને ધરાવવાનો, બીજો

લાડુ બાળકને આપવાનો, ત્રીજો લાડુ પ્રસાદ તરીકે વહેંચી દેવાનો અને ચોથો લાડુ પોતાને માટે રાખવાનો. પણ રાત પડતાં પહેલાં આ બધું કામ પતાવી દેવાનું હોય છે. બીજે દિવસે લાડુ વધવો જોઈએ નહિ.

બ્રાહ્મણીને તો સપનાની વાત યાદ રહી ગઈ અને સોળ સોમવાર સુધી એણે તો વિધિપૂર્વક વ્રત કરવાનું ચાલુ કરી દીધું. સોળ સોમવાર પૂરા થયા અને એણે વ્રતનું ઉજવણું પણ કરી નાખ્યું.

અને બીજે જ દિવસે પેલા રાજાએ બ્રાહ્મણને ભેટમાં જર- ઝવેરાત આપ્યું હતું તે લઈને બ્રાહ્મણ પોતાને ઘેર આવવા માટે નીકળ્યો.

થોડા વખતમાં જ એ બ્રાહ્મણ ઘણું ધન લઈને ઘેર આવી પહોંચ્યો.

ઘેર આવ્યા પછી બ્રાહ્મણીએ એના પતિને સાકરિયા સોમવારના વ્રતની વાત કરી. આથી બન્ને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યાં.

અને બન્નેની ઉપર મહાદેવજીની કૃપા ઊતરી. એમને બન્નેને હવે કોઈ વાતનું દુઃખ નહોતું.

એકાદ વરસમાં તો એમને ઘેર પારણું ઝૂલતું થઈ ગયું. શંકર ભગવાને એમને સરસ મજાનો દીકરો આપ્યો. એમના જીવનમાં આનંદ આનંદ છવાઈ ગયો.

 હે મહાદેવજી આ બ્રાહ્મણીને સાકરિયા સોમવારનું જેવું ફળ્યું તેવું વ્રત કરનાર સૌને અને કથા સાંભળનાર સૌને

 જે પ્રથમ વિચારે છે તેને પાછળથી પસ્તાવું પડતું નથી

 કાર્ય કર્યા પછી પસ્તાવું પડે તેવું કામ જ ન કરવુ.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .