દેવાયત પંડિત આગમવાણીના ભવિષ્યવેતા Devayat pandit bhavishyvani

દેવાયત પંડિત ની આગમવાણી pdf

Jul 28, 2024 - 19:55
Aug 9, 2024 - 05:39
 0  673
દેવાયત પંડિત આગમવાણીના ભવિષ્યવેતા Devayat pandit bhavishyvani

આગમવાણીના ભવિષ્યવેતા દેવાયત પંડિત

એક એવા સંત જેના સદીઓ પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે સાચી પડતી લાગે છે –

દેવાયત પંડિત દા’ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,

આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,

લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે…..

પોતાના ભજનોમાં ભવિષ્યની સચોટતા તારવનાર દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં જુનાગઢ જિલ્લાનાં વંથલી ગામે એક મધ્યમ વર્ગનાં બ્રાહ્મણ કુંટુંબમાં થયો હતો. તેમના માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમના પિતા ગામમાં ગોરપદુ કરતા હતા. આ ઉપરાંત ગામમાં આવેલા સાધુસંતોને જમાડવા અને ધર્મોપદેશ આપવો એ તેમની મુખ્ય નેમ હતી. કહેવાય છે કે દેવાયત પંડિતની નાની ઉંમરમાં જ તેમના માતાપિતાનું અવસાન થયેલુ. આમ છતાં, દેવાયત પોતાના પિતાનાં સંસ્કારોને વળગી રહીને સાધુસંતોની સેવા કરતા હતા.

દેવાયત પંડિતની જ્ઞાતિ વિશે મતમતાંતર છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ‚ કોઈ બરડા બીલેસરના હરિજન બ્રાહ્મણ‚ કોઈ વંથલીના ઉદયશંકર ગોરના પુત્ર‚ તો કોઈ માલધારી જાતિના સંત તરીકે ઓળખાવે છે. આથી દેવાયત પંડિતની જાતિ વિષે ચોક્કસ કંઇ કહી નથી શકાતું. ડૉ. દલપત શ્રીમાળીએ આ અંગે વધુ સંશોધનો કરીને દેવાયત પંડિતની જાતિ વિશે એક ચોક્ક્સ નિષ્કર્ષ કાઢ્યો છે. એ પ્રમાણે દેવાયત પંડિતનો જન્મ મેઘવાળ સમાજમાં થયેલો. દેવાયત પંડિત મહાપંથ-માર્ગી પંથ સાથે સંકળાયેલા છે.

Devayat Pandit

સાચા સંતનો સંગ –

બન્યું એવું કે એકવાર દેવાયત પંડિત સાધુસંતોના સંઘ સાથે તરણેતરનાં મેળામાં જાય છે. મેળામાં ઘણા બધા સાધુસંતો અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. અને ધર્મની ચર્ચામાં વ્યસ્ત હતા તેવામાં એક મહાત્માનાં પ્રભાવ નીચે દેવાયત આવતા તેના માનસ ઉપર વિશેષ છાપ પડી હતી. તે જ સમયે દેવાયતનું મન સંસાર ઉપરથી ઉતરી જઈને વૈરાગ્ય તરફ ખેંચાવા માંડ્યુ. આમ તે તરણેતરનાં મેળામાંથી પાછા ફરાતા વંથલીની બદલે ગિરનાર આવી ગયા. ગિરનારની અડાબીડ ઝાડીનાં માર્ગોમા ફરવા લાગ્યા અને સાધુઓની જગ્યામાં સેવા કરવા લાગ્યા. તેમણે ગિરનારની પાવન ભુમીમાં ઘણા દિવસો ગાળ્યા પરંતુ પોતાની મુંજવણનું સમાધાન થતુ ન હતુ કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ થતુ ન હતું. તેવામાં એક દિવસ શોભાજી કરીને એક સંતનો મેળાપ થયો અને તેમણે દેવાયતનાં મનની ભ્રમણા ભાંગી.

દેવાયતને શોભાજીનાં સાનિધ્યમાં ખુબજ રસ પડવા લાગ્યો હતો. પોતાના દરેક પ્રશ્નનું નિરાકરણ વ્યવસ્થિત ઉદાહરણ દ્વારા સમાધાન કરનારને પોતાના અંતરમાં સ્થાન મળવા લાગ્યુ હોય તેવો તેને અનુભવ થવા લાગ્યો હતો. આથી એક દિવસ દેવાયતે શોભાજીને પોતાના શિષ્ય તરીકે સ્વીકારવા અને પોતાને કંઠી બાંધવા કહ્યુ. શોભાજીએ દેવાયતને અંતરથી જાણી લીધા હતા અને પરીક્ષા પણ કરીને ચકાસી લીધા હતા. તેથી શોભાજીએ દેવાયતને કંઠી બાંધીને ઉપદેશ આપતા કહ્યુકે તમો સાધુ બનો તેના કરતા સંસારમાં રહેશો તો ધર્મથી વિમુખ થતા જતા સંસારને ભક્તિની પ્રેરણા આપશો તે વધારે અસરકારક રહેશે. તેથી શોભાજીએ દેવાયતને ગૃહસ્થ જીવન ન છોડવા અને સંસારનાં ધર્મો બજાવતા બજાવતા આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનો આદેશ આપ્યો. આથી પોતાના ગુરુનો ઉપદેશ સ્વીકારી દેવાયત કાશી ગયા હતા. બાદમાં ગુરૂના કહેવાથી દેવાયત પંડિત દેવળદે’ સાથે લગ્ન કરી ગૃહસંસાર માંડે છે.

ગર્વ કીયો સોઇ નર હાર્યો –

દેવાયત પંડિતે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં આશ્રમ સ્થાપેલો. જયાં તેઓ ધાર્મિક પ્રવૃત્તિઓ કરતા તેમજ લોકોને જ્ઞાન તેમજ ઉપદેશ આપતા હતા. તેમની સાથે તેમના પત્ની પણ ધર્મપારાયણ હતા અને પોતાના પતિ દેવાયતને દરેક ક્ષેત્રમાં સાથ આપતા હતા. સમયનાં વહેણ સાથે તેમના જ્ઞાન અને કીર્તિ અનેક ગણા વધ્યા. આમ પોતાની કીર્તિ વધતા દેવાયત પંડિતને મોટાઈનો ગર્વ ચડવા માંડયો હતો. દેવાયતનાં પત્ની દેવળદે’એ પોતાના પતિનો અહમ્ ઉતારવાની ઘણી કોશિષો કરી જોઈ, પણ તેમાં નાકામિયાબ રહ્યા. એક દિવસ દેવાયત પંડિતે દેવળદે’ના ચારિત્ર્ય ઉપર શંકા કરી. દેવળદે’ સ્ત્રી હતા પણ પોચા ન હતા. તે સ્વમાની, ધૈર્યવાન અને હિંમતવાન હતા જેથી તે પોતાના પતિનું ઘર ત્યજીને ચાલી નીકળ્યાં. જોગમાયાની આ તાકાત છે ! તે પોતાના પરનો કોઇપણ ખોટો આરોપ સાંખી નથી શકતી.

આગમ તો દેવાયત પંડિતના –

દેવાયત પંડિતને આગમ ( ભવિષ્યવાણી )ના ભજનો કરવામાં સર્વશ્રેષ્ઠ મનાય છે. તેના આગમ હજી પણ સચોટ મનાય છે. તેના કહેવા મુજબ ભગવાન કૃષ્ણ કળિકાળમાં નકળંકનો અવતાર ધરીને અવતરશે.

દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં મુખ્ય ત્રણ લોકોમાં લેવાય છે જેમાં સરવણ ઋષી, સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા. અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.

દેવાયત પંડિત દા’ડા દાખવે, સુણી લ્યોને દેવળદે સતીનાર,

આપણા ગુરૂએ આગમ ભાખિયા, જુઠડાં નહિ રે લગાર,

લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે.

[દેવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે.]

પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહિ હોય નીર,

ઓતર થકી રે સાયબો આવશે, મુખે હનમો વીર.

[પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે.]

ધરતી માથે રે હેમર હાલશે, સુના નગર મોઝાર,

લખમી લુંટાશે લોકો તણી, નહિ એની રાવ ફરિયાદ.

[ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે.]

પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ,

કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ.

[તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.]

ખોટા પુસ્તક ખોટા પાનિયા, ખોટા કાજીના કુરાન,

અસલજાદી ચુડો પહેરશે, એવા આગમના એંધાણ.

[પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા]

કાંકરીએ તળાવે તંબુ તાણશે, સો સો ગામની સીમ,

રૂડી દીસે રળિયામણી, ભેળા અરજણ ભીમ.

[કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂં બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.]

જતિ, સતી અને સાબરમતી, ત્યાં હોશે શુરાના સંગ્રામ,

કાયમ કાળીંગાને મારશે, નકળંક ધરશે નામ,

[યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે. અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.]

ઓતરખંડેથી સાયબો આવશે, આવે મારા જુગનો જીવન.

કળિયુગ ઉથાપી સતજુગ થાપશે, એવું બોલ્યા દેવાયત પીર…

[ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા-જોખા દેવાયત પીર કરી રહ્યા છે.]

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ  ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

DHRMGYAN यह पोस्ट इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस न्यूज में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें