નરસિંહ મહેતા નો સંપૂર્ણ ઈતિહાસ Narsinh Mehta history in Gujarati

નરસિંહ મહેતા નો સંપૂર્ણ ઈતિહાસ, Narsinh Mehta history in Gujarati

Aug 15, 2023 - 00:31
Aug 18, 2023 - 04:24
 0  989
નરસિંહ મહેતા નો સંપૂર્ણ ઈતિહાસ Narsinh Mehta history in Gujarati

નરસિંહ મહેતા નો સંપૂર્ણ ઈતિહાસ

આજથી આશરે પાંચસો વર્ષ પહેલાં, જૂનાગઢ પાસે તળાજાં નામે ગામમાં, નાગર બ્રાહ્મણની નાતમાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો.એમની પાંચ વર્ષની વયે એમના માતાપિતાનું મરણ થતાં મોટા ભાઈ વણશીધરના આશ્રયે તેઓ ઊછર્યા હતા. નાનપણથી જ નરસિંહ મહેતાનું મન ઈશ્વરભજનમાં અને સાધુસંતોની સેવામાં લાગેલું હતું, તેથી ભણવા ગણવા પર એમનું કંઈ લક્ષ્ય નહોતું. તે વખતના રિવાજ પ્રમાણે નવ વર્ષની ઉંમરે સાત વર્ષની માણેકબાઈ સાથે એમના લગ્ન થયાં હતાં.એમ કરતાં નરસિંહ મહેતા પંદર વર્ષના થયા. મોટાભાઈએ એમને ઘોડા સાચવવાનું કામ સોંપ્યું હતું. એક દિવસ સવારના તેઓ ઘોડા માટે ઘાસ કાપવા જંગલમાં ગયા તે માથે ઘાસનો ભારો લઈને સાંજે ઘેર આવ્યા. કકડીને ભૂખ લાગી હતી, તેથી નહાઈ ધોઈ સીધા રસોડામાં પેઠા ને પાટલો માંડી બેઠા. તરત ભાભીએ છણકો કર્યો` ઓ હો! આમ તો મૂરખ, પણ પેટ ભરવાની કેવી અIલ છે! રૂઆબ તો જાણે આખા ઘરને પોતે ધાન પૂરતા હોય એવો!`મહેતાએ ધીમેથી કહ્યું` ભાભી, ધાન તો બધાને ભગવાન પૂરે છે!`

આ સાંભળતાં ભાભીનો મિજાજ ગયો. તે બોલી ઊઠી `રાતદિવસ ભગતડાં ભેગા રહીને ભગતડાંની બોલી બોલતાં ઠીક શીખી ગયા છો! તો જઈને માગો તમારા ભગવાન પાસે! એ આપશે.`

`એ જ આપશે!` કહી નરસિંહ મહેતા પાટલા પરથી ઊભા થઈ ગયા. સીધા ઘરમાંથી બહાર નીકળી તેમણે ચાલવા માંડયું. તેમના મગજમાં ફરી ફરીને અવાજ સંભળાવા લાગ્યો` એ જ આપશે! એ જ આપશે!`

પણ એ છે ક્યાં? એને ગોતવો ક્યાં?

ગમે ત્યાં હોય, પણ એને શોધી કાઢયા વિના હવે નહિ ચાલે.

મહેતાજી ગામ છોડી જંગલમાં પહોંચ્યા. ત્યાં મહાદેવનું એક જીર્ણ મંદિર હતું. કોઈ જ ત્યાં પૂજા કરવા નહોતું જતું. મહેતાજી મહાદેવજી સામે ધરણું કરી બેઠા. બસ, અહીંથી ઊઠવું જ નથી. એકબે કરતાં સાત દિવસ થઈ ગયા. પળેપળ એમના મુખમાંથી, રોમરોમમાંથી એક જ ઉચ્ચાર નીકળે છે`હે શંકર! હે શંભુ! દયા કર!`

છેવટે ભોળાનાથ પ્રસન્ન થયા. કહે`માગ, માગ, માગે તે આપું!`

મહેતાજીએ કહ્યું`માગવાનું મનમાં કંઈ રહ્યું જ નથી.`

શિવે કહ્યું` તોયે દુર્લભ એવું કંઈ માગ!`

ત્યારે મહેતાજી કહે`તમને જે, વલ્લભ, હોય જે દુર્લભ, આપો હે પ્રભુજી, મુજને કૃપા કરી!`

મહાદેવને થયું કે આ તો મારી પરીક્ષા થઈ ગઈ. હવે તો હું જેને કીમતીમાં કીમતી ગણું છું તે જ મારે એને આપવું જોઈએ! તેમણે કહ્યું` ચાલ, તને કૃષ્ણના દર્શન કરાવું!`

મહાદેવની કૃપાએ નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણની રાસલીલાનાં દર્શન થયાં. કૃષ્ણે પોતે એમને પીતામ્બર પહેરાવ્યું ને એમના માથે મોરપીંછનો મુગટ મૂક્યો. મહેતાજી હાથમાં કરતાલ લઈ ભજન ગાતા ગાતા ઘેર આવ્યા, ને સીધા જ ભાભીના પગમાં પડયાઃ`ભાભી, તમારી કૃપાથી મને ભગવાનનાં દર્શન થયા!`

ભાભી તો મહેતાજીનો આ નવો વેશ જોઈ વધારે ખિજાયાં.

મહેતાજી હવે પત્ની માણેકબાઈ, પુત્રી કુંવરબાઈ અને પુત્ર શામળશાને લઈ જુદા ઘરમાં રહ્યાં. પણ ઘરના ચિંતા ભગવાનને માથે નાખી તેઓ તો ભજન કીર્તનમાં જ મસ્ત રહેતાઃ

જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો,

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે, ઊગરે એક ઉદ્વેગ ધરવો!

હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે,

સૃષ્ટિમંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે!

ઋતુ લતા પત્ર ફળફૂલ આપે યથા, માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે,

જેહના ભાગ્યમાં જે સમે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે!

સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું!

જુગલકર જોડી કરી નરસૈયો એમ કહે, જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું!

પ્રભુની કૃપાએ હવે મહેતાજીના મુખમાંથી કવિતા રૂપે જ્ઞાનની સરવાણી ફૂટી નીકળી હતી!` વિષ્ણુસહસ્ત્રનામ’માં ઈશ્વરને `કવિ’ કહ્યો છે. એ કવિની સાથે તાદાત્મ્ય સધાતાં ભક્તજન કવિ રૂપે પ્રગટ થાય એમાં નવાઈ નથી.

મહેતાજીનો પુત્ર શામળ હવે બાર વર્ષનો હતો. મહેતાજી પોતે નવ વરસે પરણ્યા હતા, તેથી માણેકબાઈએ મહેતાજીને કહ્યું` શામળિયા માટે કન્યાની તપાસમાં રહો!`

અને, ખરેખર થોડા વખતમાં એક નવાઈની વાત બની ગઈ. વડનગરના ધનાઢય શેઠ મદન મહેતાએ પોતાની દીકરી માટે એક સુયોગ્ય વરની શોધમાં ગોરને જૂનાગઢ મોકલ્યો. મદન મહેતા કોઈ રાજ્યના દીવાન હતા અને લાખોપતિ હતા. ગોરે જૂનાગઢ આવી ઘણા છોકરા જોયા, પણ, એકે પસંદ પડયો નહિ, ત્યારે નાગરો ચિડાયા. તેમણે એને ઉલ્લુ બનાવવા નરસિંહ મહેતાનું ઘર દેખાડયું. મહેતાજી તો બેઠા બેઠા ભજન કરતા હતા. શી ખબર શી રીતે ગોરનું મન વસી ગયું. તેમણે શામળની સાથે મદન મહેતાની દીકરીનું વેવિશાળ કરી નાખ્યું.

નાગરોના પેટમાં તલ રેડાયું. તેમણે મદન મહેતાને ખબર આપ્યા કે નરસૈંયો તો બાવાવેરાગીઓ, ને સામાનમાં તુલસીની માળાઓ, તાલ ને કરતાલ! જૂનાગઢથી નીકળેલી આ જાન જ્યારે વડનગર પહોંચી ત્યારે એમાં એટલા હાથીઘોડા ને લાવલશ્કરની શોભા હતી કે મદન મહેતા ગભરાઈ ગયા કે આને હું કેમ પહોંચી વળીશ? તેમણે મહેતાજીને પગે પડી પ્રાર્થના કરી`વેવાઈજી, અમારી લાજ રહે એમ કરજો!’

લગ્ન શાંતિથી પતી ગયાં.

એક વાર ભાદરવા મહિનામાં નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ આવ્યું. નરસિંહ મહેતા પાંચ બ્રાહ્મણોને જમવાનું કહેવા ગયા, પણ નાતવાળા કહે` ભગત, કોક દહાડો તો અમને તમારા ઘરનો પ્રસાદ જમાડો!’ પ્રસાદની કેમ ના કહેવાય? મહેતાજીએ સમસ્ત નાતને જમવાનું નોતરું દઈ દીધુ.

શ્રાદ્ધને દિવસે માણેકબાઈએ મહેતાજીના હાથમાં નાનકડી તપેલી પકડાવી દઈ કહ્યું` ઘી લઈ આવો!’

મહેતાજી ઘી લેવા ગયા, તો ઘીવાળાએ કહ્યું` મહેતાજી, એકાદ ભજન તો સંભળાવો!’

બસ, થઈ ચૂક્યું. મહેતાજી ભજન ગાવા બેઠા, ને ઘીની વાત ભૂલી ગયા. ભજન પર ભજન ચાલ્યા કરે.

બીજી તરફથી શી ખબર ક્યાંથી મહેતાજીના ઘર આગળ સીધું સામાન અને ઘીનાં ગાડાં આવી ઊભાં. માણેકબાઈ આભાં બની જોઈ કહ્યાં. હજારો માણસોની રસોઈ બની. નાતવાળા તમાશાની આશાએ આવેલા, પણ મનભાવતાં પકવાન્ન જમી તૃપ્ત થઈ ને ગયાં.

સાંજે ભજન પૂરાં થયાં ત્યારે મહેતાજી તપેલીમાં ઘી લઈને ઘેર આવ્યા. આવીને જુએ તો આ અજબ વાત!

મહેતાજીના જીવનમાં આવા તો અનેક ચમત્કારો જોવા મળે છે. તેમની દીકરી કુંવરબાઈનું મામેરું કરવા ભગવાન પોતે લક્ષ્મીજીને લઈને પધાર્યા હતા! દ્વારકા જતા યાત્રીઓનાં નાણાં લઈ મહેતાજીએ એમને હૂંડી લખી આપી હતી તે ભગવાન પોતે દ્વારકામાં મહેતાજીના વાણોતર બની સ્વીકારી હતી!

થોડા વખત પછી માણેકબાઈનું મરણ થયું. મહેતાજી કહે`જેવી ભગવાનની મરજી! ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ!’

રોજ સવારે મહેતાજી ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં સ્નાન કરવા જતા. એક દિવસ આવી રીતે સ્નાન કરીને તેઓ ભજન ગાતા ગાતા આવતા હતા, ત્યાં રસ્તામાં કેટલાક માણસો હાથ જોડી એમની સામે આવી ઊભા ને કહે`ભગતજી’, એકવાર અમારે ત્યાં ભજન કરવા પધારો!’

મહેતાજીએ કહ્યું` આજે જ!’

પેલાઓ કહે`બાપજી, અમે અસ્પૃશ્ય છીએ!’

મહેતાજીએ કહ્યું` તમે હરિના ભગત છો. હરિજન છો! વૈષ્ણવ છો!’

હરિજનોએ આખા વાસનાં આંગણાં સાફ કરી ગોમુત્ર અને છાણથી લીપ્યાં, તુલસીક્યારે દીવા કર્યા, ધૂપ કર્યો.

મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ,

ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સૌ વૈષ્ણવ!

તે જમાનામાં હરિજનોને કોઈ અડકતું પણ નહિ, તેમનાં ઘર પણ ગામથી દૂર અને ત્યાં કોઈ જાય નહિ, પણ મહેતાજી ગયા ને આખી રાત હરિજનો ભેગા બેસી ભજન કરી આવ્યા. તેથી આખા ગામમાં હો હો થઈ ગઈ. ચોરે ને ચૌટે વાતો થવા લાગી` હાય હાય!નાગરનો દીકરો થઈને આ નરસૈંયો ઢેડવાડામાં જઈને નાચ્યો!

નાગરોની નાતે નરસિંહ મહેતાનો જવાબ માગ્યો. તેમણે કહ્યું` તું ભ્રષ્ય થઈ ગયો છે.’

મહેતાજીએ કહ્યું` મને ભ્રષ્ટ કહો, ભૂંડો કહો, ભૂંડાથી ય ભૂંડો કહો, તમને જે ગમે તે કહો, હું એવો જ છું. મને માત્ર વૈષ્ણવો વહાલા છે-પછી તે બ્રાહ્મણ હોય કે ભંગી હોય!’

હળવાં કર્મનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે,

હરિજનથી જે અંતર ગણશે, એના ફોગટ ફેરા ઠાલા રે!

નાગરોએ હવે જૂનાગઢના રાજા રા’માંડલિકને ફરિયાદ કરી`નરસૈંયો ઢોંગ ધતૂરા કરી લોકોને અવળે રસ્તે ચડાવે છે, એને સજા કરો!’

રાજાએ નરસિંહ મહેતાને એક કોટડીમાં પૂરી દીધા ને કહ્યું` ભગવાનની મૂર્તિની ડોકમાં પહેરાવેલો હાર સવાર પહેલાં તારી ડોકમાં આવી પડે તો હું જાણું કે તું સાચો ભગત! નહિ તો ઢોંગી!’

કોટડીમાં મહેતાજીએ ભજન આદર્યા આખી રાત ભજન ચાલ્યાં. સવાર થતાં ચમત્કાર થયો. મંદિરનાં બારણાંને અને જેલની કોટડીને વાસેલાં તાળાં તડાક કરતાં તૂટી ગયાં, લોઢાની ભોગળો ભાંગી પડી ને બારણાં ઊઘડી ગયાં! લોકો આભા બની જોઈ રહ્યા. ભગવાનની મૂર્તિની ડોકમાંથી હાર નીકળીને મહેતાજીની ડોકમાં જઈ પડયો! કહે છે કે આ બનાવ સંવત 1512 (સને 1455)માં બનેલો.

મહેતાજીની ભક્તિનો આ પરચો જોઈ રાજા પસ્તાયો. એણે ભક્તની માફી માગી. પણ મહેતાજી તો જાણે કંઈ બન્યું નથી એમ ભજન ગાતા ગાતા ઘેર ગયા.

આ બનાવ પછી થોડા વખતમાં મહેતાજીએ જૂનાગઢ છોડયું અને દેહ પણ છોડયો.

નરસિંહ મહેતાએ આપણી ગુજરાતી ભાષાના આદિ કવિ છે. તેમણે અસંખ્ય ભજનો લખ્યાં છે, તેમાંનાં ઘણાં પ્રભાતિયાં નામે ઓળખાય છે. આજે પણ ઘણા લોકો સવારના પહોરમાં આંખ ઊધડે કે મહેતાજીનાં પ્રભાતિયાં ગાતા હોય છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .