સોળ સોમવારની વાર્તા અને વર્ત વિધિ Solah Somvar ni Vrat Katha

સોળ સોમવારની વાર્તા અને વર્ત વિધિ Solah Somvar ni Vrat Katha

Aug 8, 2023 - 13:28
Aug 8, 2023 - 13:57
 0  5673

1. સોળ સોમવારની વાર્તા

સોળ સોમવારની વાર્તા

આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથીં શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું. ત્યાં શિવ-પાર્વતીજીની પૂજા કરવી. એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાને બદલે ‘મહાદેવજી-મહાદેવજી’ એમ કહેવું.

2. સોળ સોમવારની વાર્તા

શંકર અને પાર્વતી 

પોતાના મંદિરમાં બેઠાં છે અને બેઠાં બેઠાં ચોપાટ રમે છે. એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએછે. એને ‘કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર-પાર્વતીજીએ આપી. પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું ? કોણ જીત્યું ?

ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યાં. બ્રાહ્મણે કહ્યું.

બીજી વાર પાર્વતીજીની જીત થઈ ને બ્રાહ્મણને પૂછ્યું : કોણ હાર્યું ? કોણ જીત્યું ?

ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યાં.

ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયાં અને બ્રાહ્મણને પૂછ્યું

બોલ ભાઈ કોણ હાર્યું ? કોણ જીત્યું ?

‘ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યાં.

આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા.

આથી પાર્વતીજી ક્રોધે ભરાયાં અને બ્રાહ્મણને શાપ આપ્યો, હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે.

અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો.

એટલે બ્રાહ્મણે શાપમુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજીને - બન્નેને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યો, પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહિ.

એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો.

તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો. એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાનાં દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો.

તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી. એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું :

હું તપોધન ભાઈ તમે રડો છો કેમ ? અને આમ રડતા રડતા ક્યાં જાવ છો ?

આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી.

આ સાંભળી ગાય બોલી :

ભાઈ હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે. મને કોઈ દોહતું નથી અને મારાં વાછરડાં મને ધાવતાં પણ નથી, માટે મારાં પાપનું નિવારણ પણ પૂછતા આવજો.

સારું.” કહી એ તો આગળ વધ્યો.

ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુ:ખી હતો. એણે બ્રાહ્મણને પૂછ્યું :

હે વિપ્રદેવ તમે આમ રડતાં રડતાં ક્યાં ચાલ્યા ? અને બ્રાહ્મણે ઘોડાને બધી માંડીને વાત કહી સંભળાવી, એટલે ઘોડો બોલ્યો :

અરે ભાઈ હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી જ કરતું નથી; તો મારાં પાપનું નિવારણ પૂછતાં આવજો.

ભલે. કહી બ્રાહ્મણ આગળ વધ્યો.

થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંખો આવ્યો. આંબા ઉપર કેરીનાં લૂમખાં ને લૂમખાં બાઝેલાં છે.

બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો.

આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો.

ત્યારે આંબાએ કહ્યું : હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલીછે, પરંતુ કોઈપણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારાં પાપનું નિવારણ પણ પૂછતાં આવજો.

થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઊતરી ગયો, એટલે ભલે કહી તે આગળ ચાલતો થયો.

થોડેક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો.

મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે

પણ એનો એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું : ભાઈ હું તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારાં પાપનું નિવારણ પણ પૂછતા આવજો.

ભલે.” કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો.

બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું : ‘બોલ ભાઈ, તારી શી ઇચ્છા છે ?

ભગવાન મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો.”

ભાઈ આને માટે એક જ રસ્તો છે અને તે એ કે જો તું સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. ભગવાન મારે આ વ્રત કેવી રીતે કરવું ? જો સાંભળ :

આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવેછે. દર સોમવારે સવારમાં વહેલા ઊઠી નાહી-ધોઈ ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીનાં દર્શન કરવાનાં. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય. ત્યાં સુધી સોમવાર કરવાના.

સોળમા સોમવારને દિવસે સાડાચાર શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. એમાં સવાશેર ઘી અને સવાશેર ગોળ નાખવાનો. આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના. આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે,

3. સોળ સોમવારની વાર્તા

સોળ સોમવારની વાર્તા

બીજો ભાગ રમતાં બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો. આમ કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે.

આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું.

આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો જરૂર તને વ્રત ફળશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે.’’

આ કોઢિયો તપોધન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો 

“ભાઈ એ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતાં બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે.’

પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો 

“આ ઘોડો આગલા જનમમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટાં કાટલાં રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો. જો તું એની ઉપર ઘોડેસવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય.’’

પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાને કહ્યું “ગયા જનમમાં એ ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાનપુણ્ય કરતો જ નહિ. એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે. એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી જોયું ત્યારે

શંકર ભગવાને જવાબ આપ્યો “ગયા જનમમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્રવિદ્યા શિખવાડતો જ નહિ આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે.’

આ બધાયની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી. એણે શંકર ભગવાનને નમન કર્યા. પછી એણે ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો.

રસ્તામાં આવતાં જ પ્રથમ તળાવ આવ્યું. તળાવને કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો. આવતાવેંત મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો 

“લે આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે. એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે.”

આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ.

ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યો. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી. એને અમૃતનો ઓડકાર આવી ગયો.

પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડો એમની રાહ

જોઈને ઊભો હતો.

બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું “ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઇચ્છા હશે તે પૂરી થશે.

આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી.

બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધાં વાછરડાં રમતાં-ભમતાં આવીને ગાયને ધાવવા માટે વળગી પડયાં.

અને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું.

જોતજોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો એનું શરીર રાજકુમારના જેવું થઈ ગયું.

પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો.

એમાં દેશ-પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા.

આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું “ભાઈ આ શું છે ? આ બધી શેની ધમાલ છે ?’’

ત્યારે એને જવાબ મળ્યો “આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યાછે.”

એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો.

એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો.

આમ હાથણી ત્રણત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો.

આથી રાજાએ પોતાની કુંવરના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા.

પહેરામણીમાં રાજાએ તો સોનું રૂપું હીરા માણેક મોતીના દાગીના રેશમી જરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા.

બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેર આવ્યો.

આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું.

એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો. એની પત્ની રાણી બની.

જોત જોતામાં કારતક માસ પૂરો થવા આવ્યો અને સોળમો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત ફરી કર્યું અને સોળમા સોમવારે ઉજવણું કર્યું.

ત્યારે રાણીએ બત્રીસ જાતનાં પકવાન કર્યા અને બીજી ઘણી ઘણી વાનગીઓ બનાવી.

આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયો કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહિ એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો.

એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને રાજાને કહ્યું 

“હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઊતરી જશે.’’

અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી.

રડતી રડતી એ એક ગામને પાદર જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેંટિયો કાંતતી હતી. એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માગણી કરી.

4. સોળ સોમવારની વાર્તા

સોળ સોમવારની વાર્તા

ડોશી ભલી હતી એટલે તેણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એણે સાંભળ્યું એટલે ડોશીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી.

પણ આથી ડોશીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોશીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું. આથી ડોશીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી.

રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. એને પાણી પાવાની વિનંતી કરી. આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલું કૂવાની દીવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું. આથી તેને અપશુકનિયાળ ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી.

ચાલતાં ચાલતાં રાણી આગળ ગઈ. ત્યાં એક સંત-મહાત્માની મઢી આવી. આ સંત-મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત-મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડાં બની ગયાં.

સંત-મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એણે રાણીને કહ્યું 

“બેટી તું મહાદેવજીની દોષિતછે માટે તું શંકર ભગવાનનું વ્રત કર ''

અને એ વ્રતની સમજણ પણ પાડી.

થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી.

જોતજોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું.

એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા

અને કહ્યું “હે રાજન તારી રાણી જંગલમાં તપ કરી રહી છે માટે તું જઈને એને તેડી લાવ. તરત જ રાજા એને તેડવા માટે ચાલી નીકળ્યો. તે મહાત્માને

મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી.

રાજા-રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતાં ચાલતાં જતાં હતાં ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી.

રાણીએ એને મંત્રેલો જળભરેલો ઘડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતાં ગાંગલી ઘાંચણની ઘાણી આવી પણ એ

ધાણીમાંથી તેલ નીકળતું ન હતું.

રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ઘાંચણ રાજી રાજી થઈ ગઈ.

એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતાં રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો.

આથી તરત જ બધાં ફૂલો ખીલી ઊઠ્યાં અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેંટિયો કાંતતી ડોશીની ઝૂંપડીએ આવી અને પોતે

રેંટિયો ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા-રાણી મહેલમાં આવી પહોંચ્યાં. આખા નગરને

રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા. ।। પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યાં

નહિ. એ ભૂખ્યાં હતાં. રાણીએ એને તેડાવ્યાં. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ ‘મહાદેવજી- મહાદેવજી' કહી હોકારો ભણ્યો.

આ ડોશી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ.

આથી રાણીએ કહ્યું “માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે '' “એમ ?”

“હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું.”

અને ત્યાર પછી એ ડોશીએ અને એના દીકરાની વહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એક વર્ષ વીતી ગયું આ વાતને.

અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા-રાણી ઘરડાં થયાં એટલે રાજા-રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપી ને બન્ને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યાં. ખાધું પીધું ને મોજ કરી.

હે મહાદેવજી તમે જેવાં રાજારાણીને ફળ્યાં તેવાં સૌને ફળો.

જય મહાદેવ મહાદેવ હર જય ભોળાનાથ

તમારું કોઈપણ વર્તન એ તમારા મનનું પ્રતિબિંધ છે ઘણી વખત યાદ કરવા કરતાં ભૂલી જવું લાભદાયક બને છે. જુવાનીને એવી રીતે સાચવો કે જે તમને વૃદ્ધાવસ્થામાં મદદગાર થાય

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .