ધર્મરાજાની વાર્તા વર્ત કથા પુરુષોત્તમ માસ કથા

ધર્મરાજાની વાર્તા વર્ત કથા, Dharm Raja ni vart Katha

Jul 31, 2023 - 13:22
Aug 6, 2023 - 12:39
 1  1801
ધર્મરાજાની વાર્તા વર્ત કથા  પુરુષોત્તમ માસ કથા

સામાન્ય રીતે આ વ્રત મકરસંક્રાંતિના દિવસથી લેવાય છે અને છ માસ સુધી ચાલે છે. વ્રત કરનારે નાહી-ધોઈને વાર્તા સાંભળવી અને વાર્તા સાંભળતી વખતે ‘ધર્મરાજા-ધર્મરાજા’ એમ બોલતા જવું...

એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી.

એમને બે છોકરા અને એક છોકરી.

આખું કુટુંબ ખૂબ ગરીબ હતું પરંતુ ખૂબ જ નીતિવાળું હતું. તેમના આંગણે આવેલાં કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યો પાછો જતો જ નહિ. હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ તેઓ જમતાં, અથવા તો કોઈ પક્ષીને ચણ નાખીને જ જમતાં.

આવી પરિસ્થિતિ હોવાને કારણે એમના બન્ને દીકરાઓએ વિચાર કર્યો કે અહીં ને અહીં બેસી રહીશું તો આપણી સ્થિતિ કોઈ દિવસ સુધરશે નહિ; માટે આપણે પરદેશ કમાવા જઈએ.

આમ વિચાર કરીને બન્ને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા.

બ્રાહ્મણ, બ્રાહ્મણી ને એમની વિધવા દીકરી ઘેર રહ્યાં.

એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદ પડવા લાગ્યો.

ઘણા દિવસો સુધી વરસાદ પડ્યો અને ઘણા દિવસો સુધી વાદળાં રહ્યાં, તેથી સૂર્ય ઊગ્યો જ નહિ, એટલે બ્રાહ્મણને ઘેર કોઈ અતિથિ આવ્યો જ નહિ. આથી બ્રાહ્મણ, બ્રાહ્મણી અને એની દીકરીને પંદર દિવસ ભૂખ્યા રહેવું પડ્યું.

ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા. આથી ભગવાને હંસ અને લક્ષ્મીજીએ હંસલીનું રૂપ લઈને ઊડતાં ઊડતાં બ્રાહ્મણને ઘેર આવ્યાં.

એમણે ખોબે ખોબા ભરીને જાર નાખી, પણ તેમણે એકેય દાણો ખાધો નહિ. એટલે બ્રાહ્મણે તેમને પૂછ્યું :

“અમે એવાં શું પાપ કર્યાં છે કે તમે અમારો એકેય દાણો ખાતાં જ નથી ?''

હંસ કહે : “અમે તો રાજહંસ છીએ, એટલે સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતાં જ નથી.’’

બ્રાહ્મણ તો આ વાત સાંભળીને સડક જ થઈ ગયો. જે ઘરમાં અનાજના પણ સાંસા હોય, ત્યાં સાચાં મોતી લાવવાં ક્યાંથી ? બ્રાહ્મણી નગરશેઠ પાસે ગઈ. સવાશેર મોતી ઉધાર લઈ

આવી. પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત આપી હતી. બ્રાહ્મણી મોતી લઈને આવી. હંસની આગળ નાખ્યા અને

ત્રાંબાકુંડી ભરીને પાણી મૂક્યું.

હંસ અને હંસલી મોતીનો ચારો ચરીને અને પાણી પીને ઊડી

ગયાં. અને પંદર દિવસે આજે બ્રાહ્મણ, બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરીએ ઉપવાસ છોડ્યા.

એક મોતી ચર્ચા વગરનું રહી ગયું હતું, તે છોકરીના હાથમાં આવ્યું. એ લઈને એણે તુલસીક્યારે મૂક્યું.

બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસીક્યારે દીવો મૂકવા આવ્યાં ત્યારે જોયું તો તુલસીની ડાળીએ ડાળીએ સાચા મોટીની સેરો લટકે.

બ્રાહ્મણીએ તો મોતીની સેરો ઉતારી લીધી અને નગરશેઠને આપવા ગઈ. નગરશેઠને તો વધારે કીમતી મોતી પાછાં મળ્યાં એટલે આનંદ થયો. જરૂર જેટલાં મોતી શેઠે રાખ્યાં અને બાકીનાં પાછાં આપ્યાં. આ મોતીનો હાર નગરશેઠે પોતાની છોકરી માટે ઘડાવ્યો.

એક વખત રાજકુંવરી આ હાર નગરશેઠની છોકરીના ગળામાં જોઈ ગઈ અને એ હારની માગણી કરી. નગરશેઠે આવા મોતી બ્રાહ્મણને ઘેર છે, તે લઈ આવવા રાજાને કહ્યું. રાજાએ બ્રાહ્મણને ઘેર આવીને જોયું તો તુલસીના છોડમાં ડાળીએ ડાળીએ સાચા મોતીની સેરો.

રાજા તુલસીને જેવા અડવા ગયા અને મોતી લેવા ગયા એવા જ રાજાના હાથ છોડને ચોટી ગયા. રાજાની સાથે રાણી હતાં. એ રાજાના હાથ છોડાવવા ગઈ એના હાથ પણ ચોટી ગયા. રાજા-રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યાં.

આખરે બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવ્યાં અને એણે રાજા-રાણીના હાથ છૂટા પડાવ્યા.

રાજા તો વીલે મોઢે બ્રાહ્મણને ઘેરથી પાછો ગયો. બ્રાહ્મણને ઘેર તો હવે રોજ સવાશેર સાચાં મોતી ઊતરવા લાગ્યાં, એટલે તેઓ તો ધનવાન થઈ ગયા. આથી એમણે

બન્ને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને બન્નેને કહ્યું :

“જુઓ દીકરાઓ ! હવે અમારું આયુષ્ય પૂરું થઈ ગયુંછે. અમે તો આજે છીએ અને કાલે નથી, એટલે આપણા ઘરમાં જે કંઈ છે એના ત્રણ ભાગ પાડજો. બે ભાગ તમે બન્ને ભાઈઓ લેજો અને એક ભાગ બહેનને આપજો.’’

અને થોડા દિવસમાં જ બ્રાહ્મણ-બ્રાહ્મણી તો મરણ પામ્યાં. રોજ સવાશેર મોતી તુલસીક્યારે ઊગે અને રોજ ત્રણ ભાગ પડે. એટલે એક દિવસ મોટા દીકરાની વહુએ કહ્યું : “તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને એના રોટલા મારે ટીપવા પડે છે. જો ત્રીજો ભાગ લેવો હોય તો જુદા રહે.”

ભાભીના આવા શબ્દો સાંભળીને બહેનને ભારે દુઃખ થયું. આથી બહેન અલગ રહેવા લાગી. બહેન પણ માબાપની જેમ રોજ અતિથિને જમાડીને જમતી.

એક દિવસ એકાએક વિધવા દીકરીને તાવ ચડ્યો અને એ તો મરણ પામી. બન્ને ભાઈઓએ આવીને જોયું તો બહેનનું શબ પડેલું છે. આથી બન્ને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા.

બહેન તો ધાર્મિક હતી, એટલે ધર્મરાજાના દૂતો બહેનનો જીવ લઈને જતા હતા. તેઓ વૈતરણી તરી ગયા. આગળ ગોખરુનું વન આવ્યું. બહેને જોડાનું દાન આપેલું, એ વન પણ વટાવી ગયા. આગળ તાપના અંગારા વરસતા હતા. બહેને છત્રીનું દાન આપેલું, એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા.

અંતે તેઓ ધર્મરાજાની પાસે આવ્યા. ધર્મરાજાએ બહેનનું ખાતું પોતાના ચોપડામાં જોવા માંડ્યું. એમાં બધાં વ્રત નીકળ્યાં પણ એક ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું.

એટલે આ વ્રત કેવી રીતે કરવું એમ બહેને પૂછ્યું.

આ વ્રત છ મહિનાનું છે. ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે. આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવો, હાથમાં જારના દાણા રાખીને વાર્તા સાંભળવી, કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો, છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું.

ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો. સવાશેર જુવાર, લાલ કપડાનો કટકો, એક જોડી કપડાં, છત્રી, ફાનસ, જોડા, સવાશેર સાચાં મોતી, હોડી, નિસરણી, સોના અને રૂપાની બે મૂર્તિ - આ બધું સુપાત્ર વિદ્વાન જોઈને તેનું દાન કરવું.

આટલું બધું આપી શકાય તેમ ન હોય તો શક્તિ પ્રમાણે બને એટલું આપવું. સવાશેર ઘીની સુખડી કરવી. એના ચાર ભાગ પાડવા. એમાં

એક ભાગ ગાયના ગોવાળને, બીજો ભાગ બ્રાહ્મણને, ત્રીજો ભાગ રમતા બાળકને, ચોથો ભાગ ઘરના માણસોને આપવો.

એવામાં સ્મશાનમાં લોકો અગ્નિ મૂકવા માટે જતા હતા ત્યારે લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યાં અને સતીનું મો જોવાની માગણી કરી.

ડાઘુઓએ તો વિધવા છોકરીનું મોં જોવાની ના પાડી છતાં એ ડોશી તો એમની પાસે ગયાં અને મોં જોયું. મોં ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો છોકરી જીવતી થઈ. આથી એના ભાઈઓને તો હરખનો પાર રહ્યો નહિ.

પછી બહેને ઘેર આવીને ધર્મરાજાનું વ્રત કર્યું. છ માસ પૂરા થયા એટલે બહેનનો જીવ લઈને ધર્મરાજાના દૂતો જવા લાગ્યા.

ત્યારે ઘરમાં એકદમ રોશની થઈ. અને કુમકુમ પગલાં પડવા માંડ્યાં.

બે ભાઈઓની બહેનને ધર્મરાજાનું વ્રત જેવું ફળ્યું એવું સૌને ફળજો.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .