મહારાજા ભગવતસિંહજી બાપુ ની સાદાઈ Maharaja Bhagwanhji Bapu history

મહારાજા ભગવતસિંહજી બાપુ ની સાદાઈ, Maharaja Bhagwanhji Bapu history in Gujarati

Dec 2, 2023 - 19:59
 0  84
મહારાજા ભગવતસિંહજી બાપુ ની સાદાઈ Maharaja Bhagwanhji Bapu history

મહારાજાના ઝભ્ભા પર થીગડું !

મહારાજા ભગવતસિંહજી બાપુ ની સાદાઈ

Maharaja Bhagwanhji Bapu history in Gujarati

આજે તો ભારતના પ્રજાવત્સલ રાજવીઓમાં પણ કોહિનૂર હીરાની જેમ જેમનાં કાર્યો માત્ર ચમક્યાં જ કરતાં નથી, બલ્કે પ્રજાના સાચા સેવક એવા રાજકર્તાને સતત સાચું પથદર્શન કરાવે છે.

આજે દેશમાં રાજાશાહી નથી, પણ આજની લોકશાહીમાં પણ પ્રજાને આવા રાજવી મળે એવી ઝંખના દિલમાં જાગે છે. આજે તો કોઈ વ્યક્તિ પ્રધાનપદ પામે કે સૌ પ્રથમ કાર્ય રાજ્ય તરફથી મળતા બંગલાની મરામત કરવાનું કરે છે. પોતાની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરાવે અને રૂઆબ છાંટે તેવા ફર્નિચર અને રંગરોગાન કરાવે. ગોંડલના રાજવી મહારાજા ભગવતસિંહજીએ રાજ્ય મળતાં પોતાનો બંગલો જેવો હતો તેવો રાખ્યો. એના પર કોઈ ખર્ચ કરાવ્યો નહીં. એ પછી પણ એમણે દિવાલ પર માત્ર ચૂનો લગાવવા સિવાય બીજો કોઈ ખર્ચ ક્યારેય કર્યો નહીં.

આજે તો દેશ કે વિદેશનાં મહાનુભાવોને શહેનશાહી માન અને બાદશાહી ભોજન આપવામાં આવે છે. કહે છે કે આજના કેટલાંક રાજકારણીઓ પોતાની 'ઈમેજ' (?) માટે ખાસ કુશળ ડ્રેસ-ડિઝાઈનરની 'સેવા' લે છે, જ્યારે એ જમાનામાં ગોંડલમાં સામાન્ય ધનવાન વ્યક્તિ પણ પોતાના ઝભ્ભા પર સોના-રૂપાનાં બટન લગાવીને શેરીમાં ફરતો હતો, ત્યારે ગોંડલના આ મહારાજા સોના-રૂપાનાં બટનને બદલે કાપડમાંથી બનાવેલાં બટન પોતાના લાંબા ઝભ્ભા પર ટંકાવતા હતા.

સમર્થ રાજવી હતા, ધારે તેટલાં વસ્ત્રો સીવડાવી શકે તેમ હતા, પરંતુ આ રાજવીનું પોતાનું 'બજેટ' હતું અને એ બજેટ મુજબ પોતાનાં વસ્ત્રો સીવડાવતા હતા. એક વર્ષમાં કેટલા કપડાંની જરૂર પડશે તેનું પહેલાં બજેટ નક્કી કરતા અને એમનું 'એક વર્ષનું બજેટ' હતું બે પાઘડી, ચાર ચોરણી અને અંગરખા જેવાં ચાર ખમીસ! ખમીસ કોઈ કારણસર ફાટી જતું, તો એને કાઢી નાખવાને બદલે, એના પર થીગડું મારીને વર્ષભર ચલાવતા હતા. કોઈ રાજવી થીગડાંવાળું વસ્ત્ર પહેરે તે કેવું? અને તે ય કાઠિયાવાડના અત્યંત પ્રગતિશીલ અને સમૃદ્ધ એવો ગોંડલ રાજ્યના મહારાજા! લાગે છે ને કળયુગમાં, તમને કોઈ સતયુગની વાત!

એ જમાનામાં રાજવીઓ હીરા-માણેકના ઝળહળતા શિરપેચો, ચમકતા મોતીની માળાઓ કે અત્યંત મૂલ્યવાન વસ્ત્રો પહેરતાં હતાં. જ્યારે મહારાજા ભગવતસિંહજી હંમેશા સફેદ, સાદાં વસ્ત્રો ધારણ કરતા, એકેય અલંકાર પહેરતા નહીં. જ્યારે સામાન્ય અધિકારીઓ પણ સૂટ અને હૅટ પહેરવામાં પોતાનો રૂઆબ જોતા હતા, ત્યારે ભગવતસિંહજી કાઠિયાવાડી ચોરણો, અંગરખું અને પાઘડી પહેરતા હતા. એમણે વર્ષો સુધી આ પ્રકારનો પોશાક પહેર્યો.

દેશ કે વિદેશની ભવ્ય દમામભરી મુસાફરીની તો વાત જ ક્યાં? જ્યારે અન્ય રાજવીઓ કારભારીઓ અને વહીવટદારોનો કાફલો લઈને ઘૂમતા, ત્યારે દેશમાં તો શું, કિંતુ વિદેશમાં ય મહારાજા ભગવતસિંહજી પોતાની સાથે અંગત સચિવ, ડૉક્ટર કે નોકર-ચાકરને રાખતા નહીં.

એ વખતમાં નાનકડાં સ્ટેટના રાજવી પણ કોઈ મહાનગરમાં કે દરિયાકિનારા પર પોતાનો મહેલ બંધાવતા તો વળી કોઈ સિમલા કે અન્ય હવાખાવાના સ્થળે જતા, તો કોઈ ગ્રીષ્મઋતુમાં ગિરિમથક પર જતાં. વળી, એ આવા સ્થળે જાય ત્યારે સાથે પોતાનો વિશાળ કાફલો લઈને જતા. એક અર્થમાં કહીએ તો દૂર આવેલા રાજનું આખુંય તંત્ર કોઈ ગિરિમથક કે દરિયાકિનારાના મહેલમાં ચાલતું હતું. ખર્ચાની તો ક્યાં કોઈને ચિંતા હોય! બીજી બાજુ ખુદ મહારાજા ભગવતસિંહજી જ હવાફેર માટે ઉનાળાના દિવસોમાં ગોંડલના ધોમધખતા તાપમાં રહેવાનું પસંદ કરતા હતા, તે જોઈને એમના કુટુંબીજનો પણ કોઈ સહેલગાહના ખુશનુમા વાતાવરણમાં જવાને બદલે ગોંડલમાં જ રહેતા હતા.

સામાન્ય નાગરિકની માફક જ મહારાજા પોતાનું વીજળી-બિલ ભરતા. એ જમાનામાં એક પૈસાની પેન્સિલ મળતી. એ પેન્સિલ મહારાજા એમના કર્મચારીઓને આપતા અને સાથોસાથ તાકીદ કરતા કે આ પેન્સિલ નિશ્ચિત સમય સુધી ચાલવી જોઈએ. કર્મચારીઓ રાજવીની કરકસરની ભાવનાને બખૂબી જાણતા હતા, કારણ કે ખુદ આ રાજવી પણ એ નિયમનું પાલન કરતા હતા અને એક પૈસાની પેન્સિલ નિશ્ચિત સમય સુધી ચલાવતા હતા.

એ જમાનામાં રાજવીઓ વાહન તરીકે મોટરકાર વાપરતા હતા. સ્વાભાવિક રીતે ગામમાં બેસીને જ નીકળતા, ત્યારે ભગવતસિંહજી ખુલ્લી બગીમાં જવાનું પસંદ કરતા, જેથી ગામના રસ્તાઓની હાલત જાણી શકે અને આસપાસનાં લોકો સાથે સહજ મેળાપ થાય. એમના રાજ્યની આવક ૧૪ લાખમાંથી ૭૯ લાખ સુધી પહોંચી એટલે કે પાંચ ગણી વધુ થઈ, તેમ છતાં તેઓ માસિક માત્ર બાર હજાર રૂપિયાનું જ સાલિયાણું લેતા હતા.

આજે તો શાસકપક્ષ અને વિરોધપક્ષ લોકસભા અને વિધાનસભામાં એકબીજા સામે સતત આક્ષેપો અને વિરોધો કરતો હોય છે, પરંતુ માસિક વેતન કે ભાડાભથ્થાનાં વધારાની વાત આવે, ત્યારે ક્યાંય કોઈ વિરોધ હોતો નથી. લગભગ સર્વ સંમતિ હોય છે! વળી એમાં સતત વધારો થતો રહે છે, જ્યારે મહારાજા ભગવતસિંહજીને સાલિયાણારૂપે જે રકમ મળતી, તેમાંથી પણ બચત કરીને એકઠા કરેલાં લાખો રૂપિયા એમણે લોકકલ્યાણમાં વાપર્યા હતા.

ગુજરાતના મહાન કવિ શ્રી ન્હાનાલાલ ૧૯૩૧માં ગોંડલ ગયા હતા અને અહીં એમણે એક સમારંભમાં કહ્યું, ''વિશ્વયુદ્ધ પછી રાજાઓ અને એમના નોકરોને સાલિયાણામાં વધારો મળ્યો છે ત્યારે ગોંડલનરેશ ૫૦ વર્ષ પહેલાં નક્કી કરેલી રકમ જ લે છે. આજે અન્ય પ્રદેશની પ્રજા રાજ્યને લખલૂંટ ખર્ચ કરતાં અટકાવી સિવિલ લિસ્ટ રખાવવા માગણી કરે છે. આજે જગતમાં કરકસર કરવાની વિચારણા થાય છે, ત્યારે ગોંડલનરેશને ૨૭ વર્ષ થયાં હું એ જ પોશાકમાં જોઉં છું.''

આવી હતી મહારાજાની સાદાઈ. એ જોઈને બિલખાના દરબાર રાવતવાળા બોલી ઊઠયા હતા, 'અમે નાના દરબારો મોટી મોટાઈમાં ડૂબી ગયા છીએ. અમારા જેવા નાના દરબારોને ત્યાં પણ વીસ-ત્રીસ મોટરોનો કાફલો ખડકાયેલો હોય છે, જ્યારે મહારાજ પાસે માત્ર એક કે બે મોટર જ છે અને તેનો તેઓ ફક્ત બહારગામ જાય, ત્યારે જ ઉપયોગ કરે છે.'

આમ, અઢળક લક્ષ્મી, દ્રઢ સત્તાબળ અને અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં આવી સત્તા અને સમૃદ્ધિની વચ્ચે રહીને એમણે જળકમળવત્ નિર્લેપ જીવન ગાળ્યું. એ જમાનામાં રાજવીઓ પરદેશ જતાં અને પરદેશથી કેટલીયે મોંઘી વસ્તુઓ ખરીદીને લાવતા હતા. એનાથી પોતાના મહેલનાં વિશાળ ખંડોને શણગારતા હતા, એટલું જ નહીં, ઇટલી અને ઇંગ્લૅન્ડની આ વસ્તુઓ મહેમાનોને બતાવીને પોતાની સંપત્તિ અને ગર્વનું પ્રદર્શન કરતા હતા. મહારાજા ભગવતસિંહજીને ક્યારેય પરદેશી વસ્તુઓ માટે મોહ જાગ્યો નહીં, પોતે વિદેશ જાય તો પણ પોતાને માટે કે બંગલાની શોભા માટે કશું લાવતા નહીં.

કેવો હશે આ પ્રજાવત્સલ મહારાજાનો દરબાર! એમની ઑફિસ ગોંડલના દરબારગઢની ઓસરીમાં બેસતી હતી. સાવ સામાન્ય ખુરશી અને એક ટેબલ ગોઠવી દઈને સાદા પોશાકમાં સજ્જ એવા મહારાજા ભગવતસિંહજી મોડી રાત સુધી પ્રજાનાં કામોમાં ડૂબેલા રહેતા. એ સમયે પ્રજાને મળવાનો કોઈ દિવસ કે સમય નક્કી નહોતો. કોઈ પણ પીડિત પ્રજાજન પોતાની સમસ્યા લઈને મહારાજાને મળવા આવી શકતો. વળી, મહારાજા એના પ્રશ્નની નોંધ કરતા અને પછી તત્કાળ યોગ્ય પગલાં લઈને તેનું નિવારણ કરતા. મહારાજાએ કોઈને મળવાનો સમય આપ્યો હોય, ત્યારે એમાં સહેજે વિલંબ ન થાય તેનું ધ્યાન રાખતા. દરેક કાર્યમાં નિયમિતતાનો એમનો આગ્રહ રહેતો. વળી કાર્ય પૂર્ણ થયે તરત જ એ વ્યક્તિને કોઈ બીજી વાતો કરીને રોકી રાખતા નહીં. તેઓ પોતે સતત ઉદ્યમવંત રહેતા અને એને કારણે જ તેઓ લોકકલ્યાણ, સાહિત્યસેવા અને રાજ્યની સુખાકારીનાં ઘણાં કાર્યો કરી શક્યા. તેઓ માનતા કે એક મિનિટ પણ ગુમાવવી તે ગુના સમાન ગણાય.

અઢી લાખની વસ્તી ધરાવતા ગોંડલ પરગણાના આ મહાન રાજવીએ એક નવો યુગ સર્જ્યો, પરંતુ અફસોસ એટલો છે કે એ યુગના સૂર્યોદય પછી એ સૂર્ય આપણા દેશમાં મધ્યાહ્ને તપવાને બદલે અસ્તાચળે પહોંચી ગયો!

રવિપુર્તિ ગુજરાત સમાચાર 

પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .