ક્રાંતિકારી વિરાંગના - દુર્ગાભાભીએ પોતાના લોહીથી ક્રાંતિકારીઓને તિલક કર્યું

ક્રાંતિકારી વિરાંગના - દુર્ગાભાભીએ પોતાના લોહીથી ક્રાંતિકારીઓને તિલક કર્યું

Dec 16, 2023 - 10:34
 0  131
ક્રાંતિકારી વિરાંગના - દુર્ગાભાભીએ પોતાના લોહીથી ક્રાંતિકારીઓને તિલક કર્યું

ક્રાંતિકારી વિરાંગના - દુર્ગાભાભીએ પોતાના લોહીથી ક્રાંતિકારીઓને તિલક કર્યું

ભારતની આઝાદીના જંગમાં અણમોલ ફાળો આપનાર પણ બહુ ઓછાં જાણીતાં એવાં વીરાંગનાની આ કથા છે.

તા.૭ ઓક્ટોબર,૧૯૦૭ના રોજ તેમનો જન્મ થયો હતો.તેમના પિતા બાંકે બિહારીલાલ ભટ્ટ એક નિવૃત્ત જજ હતા.તેમનાં માતા દુર્ગામતી દેવી નાનાં હતાં ત્યારે જ મૃત્યુ પામ્યાં હતાં.

માતાના અવસાન પછી માત્ર અગિયાર વર્ષની વયે જ વિસનગરના વતની ભગવતીચરણ વોહરા સાથે તેમનાં લગ્ન થયાં હતાં. ભગવતી ચરણ વોહરા વેપારી હોવા ઉપરાંત એક ક્રાંતિકારી હતા.તેમના પતિએ જ તેમને ક્રાંતિના પાઠ ભણાવ્યા હતા.હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિયેશનના સાથીઓ તેમને દુર્ગાભાભી કહીને બોલાવતા.

’દુર્ગાભાભી’નો જન્મ શહજાદપુરા ગ્રામ, (હવે કૌશાંબી જિલ્લા)માં થયો હતો.એમના દાદા પંડિત શિવશંકર શહજાદપુરામાં જમીનદાર હતા.એમના સસરા શિવચરણજી રેલવેમાં ઊંચા પદ પર હતા.અંગ્રેજોએ તેમને રાય સાહેબ (રાવ સાહેબ)નો ખિતાબ એનાયત કર્યો હતો.ભગવતીચરણ વોહરા રાયસાહેબના પુત્ર હોવા છતાં ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માંગતા હતા.તેઓ અંગ્રેજો વિરુદ્ધ લડત ચલાવી રહેલા ક્રાંતિકારી સંગઠનના પ્રચાર મંત્રી હતા.૧૯૨૦માં પિતાના મૃત્યુ બાદ તેઓ ખૂલીને અંગ્રેજોની સામે મેદાનમાં આવ્યા.એમની આ ક્રાંતિની યોજનામાં પત્ની દુર્ગાભાભીએ પણ સહયોગ આપ્યો.

ભગવતી ચરણ વોહરાએ નેશનલ કૉલેજ દ્વારા બીએની ડિગ્રી હાંસલ કરી.દુર્ગાભાભીએ પણ ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી.દુર્ગાભાભીનું પિયર અને સાસરી બેઉ સંપન્ન હતાં.દુર્ગાભાભીના સસરા શિવચરણજીએ એ જમાનામાં રૂ.૪૦ હજારની રકમ અને પિતા બાંકેબિહારીએ રૂ.પાંચ હજારની રકમ સંકટના સમયે વાપરવા માટે આપી હતી પરંતુ આ દંપતીએ આ પૈસાનો ઉપયોગ દેશને આઝાદ કરાવવા મથી રહેલા ક્રાંતિકારીઓને લડત ચલાવવા માટે કર્યો હતો.

માર્ચ ૧૯૨૬માં ભગવતીચરણ વોહરા અને વીર ભગતસિંહે સાથે મળીને ભારતને આઝાદી અપાવા ‘નૌ જવાન ભારત સભા’ની અન્ય સભ્યોના સહયોગથી સ્થાપના કરી હતી.આ સંગઠનમાં જોડાયેલા સેંકડો જવાનોએ ભારતને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની પણ આહુતિ આપી દેવાના શપથ લીધા હતા.ભગતસિંહ અને ભગવતીચરણ વોહરાએ પોતાના રક્તથી પ્રતિજ્ઞાપત્ર પર સહી કરી હતી.તા.૨૮મે,૧૯૩૦ના રોજ રાવી નદી પર પોતાના સાથીઓ સાથે બોમ્બ બનાવ્યા બાદ તેનું પરીક્ષણ કરતી વખતે ભગવતીચરણ વોહરા શહીદ થઈ ગયા.પતિના શહીદ થયા બાદ પણ દુર્ગાભાભી દેશને આઝાદી અપાવવા લડત ચલાવી રહેલા ક્રાંતિકારીઓ સાથે સક્રિય રહ્યાં.

આ સમયગાળા પહેલાંની અને પછીની વાતો સનસનાટીભરી છે.

તા.૧૭ ડિસેમ્બર,૧૯૨૮ના રોજ ક્રાંતિવીર ભગતસિંહ અને સુખદેવે બ્રિટિશ ઓફિસર જ્હોન સેન્ડર્સની ગોળી મારી હત્યા કરી નાંખી.તે પછી તેમને છુપાવવાનું સ્થળ આપનાર દુર્ગાભાભી હતાં.એ પછી તેઓ એક ટ્રેન દ્વારા રવાના થઈ ગયાં હતાં.ભગતસિંહને બચાવવા દુર્ગાદેવીએ વેશપલટો કરીને બ્રિટિશ પોલીસને ગેરમાર્ગે દોરવા કહ્યું હતું કે તેઓ ભગતસિંહનાં પત્ની છે.

તે પછી અનેક ઘટનાઓ ઘટતી રહી.૧૯૨૯માં ભગતસિંહે અંગ્રેજોના શાસન વિરુદ્ધ એસેમ્બલી પર બોમ્બ ફેંક્યો.

તા.૯ ઓક્ટોબર,૧૯૩૦ના રોજ દુર્ગાભાભીએ પણ અંગ્રેજ ગવર્નર હૈલી પર ગોળી ચલાવી દીધી પરંતુ તે બચી ગયો.દુર્ગાભાભી અને તેમના એક સાથી યશપાલ મુંબઈ જતાં રહ્યાં.મુંબઈના એક ફ્લેટમાંથી તેમની ધરપકડ થઈ.દુર્ગાભાભીનું કામ ક્રાંતિકારીઓ માટે રાજસ્થાનથી પિસ્તોલ લાવી આપવાનું હતું.દુર્ગાભાભીએ પણ પિસ્તોલ ચલાવવાની તાલીમ કાનપુરમાં લીધી હતી.

નોંધપાત્ર વાત એ છે કે અગાઉ ભગતસિંહ અને બટુકેશ્વર અંગ્રેજ શાસનની વિરુદ્ધમાં કેન્દ્રીય એસેમ્બલી પર બોમ્બ ફેંકવા માટે નીકળ્યા ત્યારે દુર્ગાભાભી અને સુશીલા મોહનને પોતાન હાથના કાંડાની નસ કાપીને પોતાના લોહીથી એ બંને ક્રાંતિવીરોને તિલક કર્યું હતું.

સાથી ક્રાંતિકારીઓના શહીદ થઈ ગયા બાદ દુર્ગાભાભી એકલાં પડી ગયાં.તેઓ તેમના પાંચ વર્ષના પુત્ર શચીન્દ્રને ભણાવવા માટે સાહસ કરીને દિલ્હી ગયાં.અહીં પણ પોલીસ તેમને બરાબર પરેશાન કરતી રહી.પોલીસથી ત્રાસીને તેઓ દિલ્હીથી લાહોર જતાં રહ્યાં પરંતુ બ્રિટિશ સામ્રાજ્યની પોલીસે અહીં તેમની ધરપકડ કરી લીધી.ત્રણ વર્ષ સુધી તેમને નજરકેદ રાખવામાં આવ્યાં.ફરારી,ગિરફ્તારી અને મુક્તિનો આ સિલસિલો ૧૯૩૧થી ૧૯૩૫ સુધી ચાલતો રહ્યો.છેવટે તેઓ લાહોરથી ગાજિયાબાદ ગયાં અને અહીં પ્યારેલાલ કન્યા વિદ્યાલયમાં શિક્ષિકા તરીકેની નોકરી કરવા લાગ્યાં.કેટલાક સમય બાદ ફરી તેઓ દિલ્હી ચાલ્યાં ગયાં અને કોંગ્રેસમાં કામ કરવા લાગ્યાં પરંતુ કોંગ્રેસમાં તેમને ન ફાવતાં ૧૯૩૭માં કોંગ્રેસ છોડી દીધી.૧૯૩૯માં મેડમ મોન્ટેસરી પાસેથી મોન્ટેસરી પદ્ધતિનું પ્રશિક્ષણ લીધું.

પાછળથી તેમણે લખનૌમાં માત્ર પાંચ જ ગરીબ બાળકો માટે સ્કૂલ શરૂ કરી હતી.આજે એ વિદ્યાલય મોન્ટેસરી ઈન્ટર કૉલેજના નામે જાણીતું છે.તા.૧૫મી ઓક્ટોબર,૧૯૯૯ના રોજ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ ખાતે ૯૨ વર્ષની વયે તેમનું અવસાન થયું.

દુર્ગાવતી દેવીના જીવનની કેટલીક નોંધપાત્ર વાતો કાંઈક આવી છે.શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને કોર્ટની ટ્રાયલ દરમિયાન બચાવવા માટે તેમણે એ જમાનામાં રૂ.૩૦૦૦ની કિંમતનાં ઘરેણાં વેચી દીધાં હતાં.શરૂઆતમાં દુર્ગાવતી દેવી તેમના પતિની સાથે રહીને ક્રાંતિકારીઓ દ્વારા બનાવવામાં આવતા બોમ્બ માટેની ફેક્ટરીને મદદ કરી હતી.આ ગુપ્ત બોમ્બ ફેક્ટરી કુતુબ રોડ દિલ્હી ખાતે હતી.દુર્ગાવતી દેવી ભારતમાંના અંગ્રેજોના શાસન સામે જે ક્રાંતિકારીઓ મેદાને પડ્યા હતા તે પૈકીનાં મહત્ત્વપૂર્ણ સાથીદાર હતાં.

આવાં હતાં દુર્ગાવતી દેવી ઉર્ફે દુર્ગાભાભી.

દેવેન્દ્ર પટેલ 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .