શૂરવીર બહાદુરસિંહ મહિડા Bahadur Singh Mahida history

શૂરવીર બહાદુરસિંહ મહિડા, Bahadur Singh Mahida history

Dec 16, 2023 - 10:42
Dec 16, 2023 - 10:42
 0  181
શૂરવીર બહાદુરસિંહ મહિડા Bahadur Singh Mahida history

શૂરવીર બહાદુરસિંહ મહિડા 

પેટલાદ પરગણાના ભાટીએલ ગામ માથે અંધારા ઉતરી ગયા છે. જડાસ સળગતા દિવડીની વાટયું સંકોરાય ગયું છે. કુબજાના મોઢા જેવી કાળી રાત ભાટીએલને ભરડો લઇ ગઇ છે. ગામનું માણસ મીઠી નીંદર માણી રહ્યું છે.

મધરાતના મીનારા ઉપરથી રાત ગોડથલીયું ખાઇ ગઇ છે.

એવા વખતે ધૂ્રબાંગ ..ધૂ્રબાં ... ગ કરતી જામગરી બંદુક ધણેણી ઊઠી. કાળજાળ જંજાળ્યુંમાંથી ગોળીઓની રમઝટ બોલાવા માંડી. ભાટીએલની પ્રજા પારેવાની જેમ ફફડવા માંડી. ભડાભડ રેણાંક ઓરડાના ભોગળ ભીડાણા. ઘરેણા-દર દાગીના સંતાડવા માંડયા, સારી જણસ સગે વગે થવા માંડી, નાના છોકરાઓ માતાની સોડમાં સંતાણા ત્યાં તો ભાટીએલના ચોકમાં ચાર બુકાની બંધા બહારવટીયાઓની ડણક ઉઠી છે, કોઇ મરદનો દીકરો મોતના સામે પડકારા દેનારો.'

'કોઇ સળવળ્યું નહિ કોઇથી ચુકારો થયો નહિં.'

વિજ્યના કેફમાં ચકચૂર બનેલા ધાડપાડુઓએ બંદુકના બીજા ભડાકા કર્યા, ભાટીએલ માથે ગોળીઓ જાણે ગડથોલીઆં ખાવા લાગી.

પસાયતાને પકડયો, દોર બાંધી બહારવટીઆએ વેપારીની હાટડી ઉઘડાવી હડફો લૂંટયો. શેઠાણીના ઘરેણાંના ખડીઆ ભર્યા, બીજા માલેતુજારોના પેટી પટારા ઉઘડાવી બંદુકને નાળચે ખંખેરો કર્યો.

આમ બે જણા હાથફેરો કરી રહ્યું છે, બે જમા ચોકમાં બંદુકને ચાર ચાર આંગળ ધરબી બંદુકના ભડાકા કરતા જાય છે. 

ભાટીએલના બંદુકના ભડાકાઓએ એક જ સીમાડે સૂતેલા અગાસ ગામના ઓરડે સુતેલા જુવાન રાજપુત બહાદુરસિંહ મહિડાની ઉંઘ ઉડાડી દીધી. સવામણની તળાયમાં સાગસીસમને હોલીએ પોઢેલો જણ ઘડીવાર અચંબામાં પડયો.

લગનનો મહિનો નથી. કુલેકાનું ટાણું નથી ને ભાટીએલ માથે ભડાકા શેના ? પરિસ્થિતિને પળવારમાં પારખી લીધી. હાથમાં બંદુક લીધી, ફળીઆમાંથી ઘોડીની રાંગ છોડી દળીભર પલાણ માંડયા.

અરજુનના ભાથામાંથી તીર છુટે એમ ઘોડીને ડાબા પગની બેડી અડાડતાં છુટી.

ભરજાુવાનીને બથભરી ગયેલા, બહાદુરસિંહના બેથડીઆ ડીલ માથેના રૂંવે રૂવે શુરાતનની શત શત જયોતું જલી ગઇ છે, ભાટીએલ માથએ આવી પડેલી આફત સામે આફળવા અથર્યો થઇને ઉપડી રહ્યો છે, બે જાંગ વચ્ચે ઘોડાની પીઠને દબાવીને બે હાથમાં બંદુક તોળીને ઉપડેલા અસવારની આંખમાંથી આગ ઝરી રહી છે.

એના મનમાં એક જ રટણ રમી રહ્યું છે, આજ ભાટીએલના ભૂંડા હાલ કરી હરામખોરો આવતીકાલે અગાસને આંટે.

બકાકઝમ, બકાકઝમ કરતી છૂટેલી, ઘોડીએ જઇને ભાટીએલના પાદરમાં ડાબા દીધા તો ચાર બુકાનીબંધા ભાટીએલનો ખેરોજેરો કરીને પાદરમાં પાછા વળી રહ્ય હતા. બુકાની બંધાએ ઘોડાના ડાબા સાંભળ્યા, ભરી બંદુકે અસવારને ઓળખ્યો.

'બહાદુરસિંહ પાછો વળી જા.'

બુકાનીબંધાએ પડકારો કર્યો.

'પારોઠનાં પગલાં ભરૂ તો ભોમકાને ભોંઠયપ લાગે, ભાયડા થઇને આવ્યા હો તો ભાયડા થઇને ઉભા રે'જો ભાગશો માં.'

બોલતા બહાદુરસિંહે બંદુક તોળી બહારવડીઆ જાણતા હતા કે બહાદુરસિંહની બંદુકમાંથી છૂટેલી ગોળી કદી નિશાન છોડતી નથી.

'બહાદુરસિંહ ઊઠપાંણો પગ માથે કાં કરવા બેઠો.'

'કાં લૂટનો માલ પડતો મૂકો ને કાં ધીંગાણે ચડો.' 'પડતો મુકવા લૂંટ નથી કરી.' 'તો થાવ સાબદા.' બોલીને બહાદુરસિંહે ભડાકો કર્યો. બંદુકમાંથી છૂટેલી ગોળી દુશ્મનની છાતીમાં માથાબોળ નાહીને પાદરમા ઉભેલા મકાનની પછીતમાં ઉતરી ગઇ.

એક પડયો. બીજાએ મોત સામે ભાળ્યું સામી ગોળીઓની રમઝટ બોલાવી, ત્રણ ત્રણ બંદુકોમાંથી છુટતી ગોળીઓએ બહાદુરસિંહ મહીડો વીંધાણો.

બહાદુરસિંહની લાશ ઉપર પછેડી ઓઢાડી બચેલા બે બહારવટીઆ વળી નિકળ્યા ત્યારે ભાટીએલ ગામ માથે પ્રભાતના પડઘમ વાગુ વાગુ થઇ રહ્યા હતાં.

આ શહીદની શહાદતની સ્મૃતિરૂપે તે જગ્યા ઉપર બહાદુરસિંગ મહીડાનું નિશાન ચઢે છે.

તસ્વીર- પ્રતિકાત્મક છે 

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .