સૌરાષ્ટ્ર કચ્છ નુ વહાણવટ અને સિક્કા બંદરનો જન્મ

સૌરાષ્ટ્ર - કચ્છ નુ વહાણવટ અને સિક્કા બંદરનો જન્મ Saurashtra Kutch sika Bandar history

Aug 5, 2023 - 11:02
Aug 5, 2023 - 11:07
 0  24
સૌરાષ્ટ્ર કચ્છ નુ વહાણવટ અને સિક્કા બંદરનો જન્મ

સૌરાષ્ટ્ર - કચ્છ નુ વહાણવટ અને સિક્કા બંદરનો જન્મ

કાઠિયાવાડની વહાણવટ જ્યારે જીવતીજાગતી હતી ત્યારે સલાયા અને જોડિયાનાં બંદરો એક જ ગણાતાં. જોડિયાની વહાણવટનો સંબંધ આફ્રિકા, મસ્કત, ઈરાન સાથે; સલાયાનો સંબંધ મલબાર, લંકા, જાવા ને ઠેઠ ચીનના કંતાન સાથે. આ બે બંદરો વચ્ચે દરિયાલાલનાં ચોરાશી યે બંદરની વહાણવટ ખડી થયેલી.

આ બે ય બંદરોના કાંઠાને જો વાચા આવે તો એ તમને ભૂતકાળની કેટલી યે વાતો કહી શકે. કંઈ કંઈ જગત શેઠોની એ રસભર કહાણીઓ કહે. અને આજે નાશ પામેલી જગત શેઠોની એ પરંપરાના છેલ્લા જગત શેઠ સુંદર સોદાગરની અનેક સાહસકથાઓ કહે. આ બંદરોએ છેક જાવા ને બોર્ડીયો ને જમૈકાનાં પાણી જોયાં છે. દક્ષિણ ધ્રુવના વર્તુલમાં આવેલા સરગોસનાં લીલાં પાણી જોયાં છે. આ બંદરોએ મહારાજા અશોકના પુત્ર અને પુત્રીની પરદેશયાત્રાઓ જોઈ છે. આ બંદરોએથી ઊપડેલા મૈત્રકોના મહારાજકુમાર સિંહલે સિંહલદ્વીપ ઉપર વિજ્યયાન કર્યા છે. સાત સાગરની કેડીઓ આ બંદરોએથી નીકળી છે. ને આ બંદરોમાં સમાઈ છે. બે-બે ત્રણ-ત્રણ હજાર વહાણો આ બંદરોમાં આવજાવ કરતાં. આ બે બંદરોની વચ્ચેની સાગરપટ્ટી ઉપર નિર્મળ રેતીનો મધ્યમાં વિસ્તાર છે. સાગરતળ નિર્મળ છે. રેતીના પટભર્યા સાગરકાંઠાથી દરિયાની વચમાં દૂર રેતીનો બેટ છે. બેટની સામી બાજુએ પાણી અખૂટ ઊંડાં છે.

આસપાસનો પ્રદેશ દરિયાની સપાટીથી વીસ-વીસ પચીસ-પચીસ ફૂટ ઊંચો છે. એટલે કોઈ મહાનદી આ તરફ જમીનનો કાદવ દરિયામાં લાવતી નથી. એટલે દરિયામાં પુરાણ બહુ થતું નથી. વહાણો બાંધવા માટે, વહાણો સમારવા માટે, આખરમાં વહાણો સલામત જાળવવા માટે કુદરતે જ જાણે આ સ્થાનની બક્ષિસ આપી છે.

આ રેતીનો પટ - સિકતા – કાળાંતરે સિક્કાના નામથી જાણીતો બન્યો છે. સલાયા ને જોડિયા નામશેષ બન્યાં છે. ત્યારે ય સિક્કાનો વહાણવાડો હજી ચાલુ રહ્યો છે. આજે એની પુરાતન જાહોજલાલી નથી. આજ એનું પુરાતન ગૌરવ નથી, પરંતુ આજ પણ એની કુદરતી સલામતી,

કુદરતી સાહજિકતા, કુદરતી બંદરગાહ જીવતી પડી છે. અને જ્યાં કુદરત ખોબે ભરીને સરલતા ને સગવડતા આપે છે, ત્યાં વહેલો કે મોડો માનવવ્યવહાર પણ આવે છે એ વિશ્વાસે એનો વહાણવાડો નભી રહ્યો છે એની વહાણવટ નભી રહી છે. એના વહાણવટીઓમાં દરિયાનો સાદ નભી રહ્યો છે.

વાંચતા વાંચતા દિલાવર પાશા માથી સાભાર

તસ્વીર - પ્રતિકાત્મક છે 

જયરાજસિંહ ઝાલા ( જયુભા) 

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .