સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નો ઇતિહાસ Harishchandra Raja history in Gujarati

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નો ઇતિહાસ Harishchandra Raja history in Gujarati

Oct 2, 2023 - 17:37
Oct 2, 2023 - 17:38
 0  3459
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નો ઇતિહાસ Harishchandra Raja history in Gujarati

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નો ઇતિહાસ

 સૂર્યવંશમા ઘણા પ્રતાપી રાજાઓ થઈ ગયા.મરીચિ, ઈશ્વાકુ,પૃથુ,હરિશ્ચંદ્ર,દિલીપ, ભગીરથ,રઘુ,દશરથ અને રામ.રાજાઓ પોતાના આપેલ વચન ખાતર ગમે તેવા કપરા સંજોગોમાં પણ ક્યારેય કર્તવ્યપાલનથી પીછેહટ કરતા નહી.સુર્યવંશી રાજાઓ માટે કહેવાતુ કે "પ્રાણ જાયે પણ વચન ના જાયે" જ્યારે સત્યપાલન,ત્યાગ - સમર્પણની વાત આવે ત્યારે બધાના મોઢે એક જ નામ સર્વોપરી આવે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર.

         હરિશ્ચંદ્ર અયોધ્યાના રાજા હતા,તેમના પિતાનુ નામ સત્યવ્રત માતાનુ નામ સત્યવતા હતુ.તેમની પત્નિ નુ નામ તારામતી અને પુત્ર નુ નામ રોહિત હતુ.તેમના શાસનકાળ માં પ્રજા બહુ સુખી હતી.હરિશ્ચંદ્ર જો કોઈ વાત સ્વપ્ન માં પણ બોલી હોય તો પણ તેનુ અચૂક પાલન કરતા.

       સ્વર્ગમાં ઇન્દ્ર,આચાર્ય વશિષ્ઠ અને વિશ્વામિત્ર સત્ય અને ત્યાગની વાતો કરી રહ્યા હતા.ત્રિલોક માં સૌથી મોટા ત્યાગી અને સત્યવાદી કોણ?એ વિશે સૌ કોઇ પોતપોતાના મંતવ્યો રજુ કરી રહ્યા હતા.ગુરુ વશિષ્ઠ બોલ્યા કે મારી દ્રષ્ટિ એ સૌથી મોટા સત્યવાદી અને ત્યાગી રાજા હરિશ્ચંદ્ર છે.વિશ્વામિત્ર બોલ્યા કે હું માનવા તૈયાર નથી કે ત્રિલોક માં સૌથી મોટા ત્યાગી,સત્યવાદી પૃથ્વી પરનો કોઈ માનવી હોય શકે! ત્યારે વશિષ્ઠ બોલ્યા કે આપ સ્વયં તેની પરીક્ષા કરો.

           હરિશ્ચંદ્ર વનમાં વિહાર કરી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્ર તપસ્વી નુ રૂપ લઈ પ્રકટ થયા.હરિશ્ચંદ્ર તેમના આશીર્વાદ લેતા કહ્યુ કે હું આપની શુ સહાયતા કરી શકુ?વિશ્વામિત્ર આશીર્વાદ આપતા કહ્યુ હું એક મોટા યજ્ઞ ની તૈયારી કરી રહ્યો છું ,જરૂર પડશે ત્યારે હું આપને જરૂર યાદ કરીશ.થોડા દિવસ બાદ વિશ્વામિત્ર અયોધ્યાના રાજમહેલ પધાર્યા,હરિશ્ચંદ્ર ને કહ્યુ હવે મારે યજ્ઞ કરવા માટે આપના દાનની આવશ્યકતા છે,પરંતુ મને નથી લાગતુ કે આપ તે દાન કરી શકશો.હરિશ્ચંદ્ર બોલ્યા મહારાજ અમે સુર્યવંશી રાજાઓ પોતાના પ્રાણની પરવા કરતા અમારા આપેલ વચનોનુ પાલન કરીએ છીએ, ત્યારે વિશ્વામિત્ર બોલ્યા મને દાનમા આપનુ ઐશ્વર્ય,ધન,સંપદા બધુ જોઈએ.બધા રાજદરબારીઓ આશ્ચર્ય પામ્યા,ત્યારે હરિશ્ચંદ્ર એક પલનો પણ સમય ગુમાવ્યા વગર કહ્યુ હું પંચતત્વો ની સાક્ષી એ મારી સંપદા આપને દાન કરું છું.

          રાજા ના આવા વચનો સાંભળીને વિશ્વામિત્ર બોલ્યા આપ ધન્ય છો રાજન,પણ શાસ્ત્રોમાં લખ્યુ છે કે દાન આપવા માટે દક્ષિણા આપવી પડે તો જ દાન નુ મહત્વ રહે.માટે મને દાન મા એકહજાર સુવર્ણમુદ્રાઓ આપો.હરિશ્ચંદ્ર ખજાનચી ને કહ્યુ કે રાજકોષ માંથી એક હજાર સુવર્ણમુદ્રાઓ લઈ આવો,ત્યારે વિશ્વામિત્ર બોલ્યા થોડા સમય પહેલા જ આ તમામ સંપદા આપે મને દાન માં આપી દીધી છે એટલે હવે આ સંપદા પર આપનો કોઈ અધિકાર નથી.હરિશ્ચંદ્ર હાથ જોડતા કહ્યું ક્ષમા કરો મહારાજ હું આજ સાંજ સુધીમા આપને દક્ષિણા આપી દઈશ.યાદ રાખજો સાંજ સુધીમાં મને દક્ષિણા નહી આપો તો હું આપે દાન માં આપેલી બધી સંપદા આપને જ પરત કરી આપીશ.એટલુ કહી વિશ્વામિત્ર ચાલ્યા ગયા.

       હરિશ્ચંદ્ર તારામતી અને રોહિત ને લઈ રાજમહેલ ની બહાર નીકળી ગયા.જ્યારે મનુષ્ય પાસે સુખસાહેબી હોય ત્યારે બધુ સાવ સામાન્ય લાગે પણ સાંજ સુધીમાં એકહજાર સુવર્ણમુદ્રા લાવવી કંઈ રીતે તે મોટો પ્રશ્ન થઈ પડ્યો.હરિશ્ચંદ્ર દાસ(ગુલામ) ના બજારોમાં જઈ પોતાની બોલી લગાવવા લાગ્યા.ગંગાકિનારે સ્મશાનઘાટ ધરાવનાર એક વ્યકિતએ હરિશ્ચંદ્ર ને એકહજાર સુવર્ણમુદ્રાઓ આપી ખરીદી લીધા,અને સ્મશાન ની બધી જવાદારીઓ સોંપી દીધી.

હરિશ્ચંદ્ર એ સુવર્ણમુદ્રાઓ વિશ્વામિત્ર ને દક્ષિણા આપી દીધી.પતિ દાસ થઈ ગયા એટલે પત્નિ નો તેના પર કોઈ અધિકાર રહ્યો નહી. કાળનુ ચક્ર અવિરત ચાલતુ રહે છે.હરિશ્ચંદ્ર સ્મશાન ની જવાબદારીઓ પ્રમાણિકતા થી નીભાવતા રહ્યા.તારામતી રોહિત સાથે ઝૂંપડીમાં રહેવા લાગ્યા,તેઓને કોઈ ઓળખી ના શકે તેવી દયનીય,દારુણ સ્થિતિ થઈ ગઈ.

          હરિશ્ચંદ્ર અડધી રાત્રે સ્મશાનની વ્યવસ્થા જોઈ રહ્યા હતા ત્યારે તેમણે એક સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો.તે સ્ત્રી સ્મશાન પાસે બાળકને બે હાથે તેડી ઊભી હતી,તેના મુખ પર ધુંધટ રાખેલો હતો.હરિશ્ચંદ્ર એ પૂછ્યું આપ કેમ રડો છો,આપને શુ સમસ્યા છે?સ્ત્રીએ કહ્યુ મારો પુત્ર બહાર રમી રહ્યો હતો ત્યારે સાપે દંશ દેતા મારો એકનો એક પુત્ર મુત્યુ પામ્યો છે.મારી પાસે ધન નથી કે તેના અગ્નિસંસ્કારની વિધિ કરી શકુ.દુઃખીયારી સ્ત્રી પોતાનુ દુઃખ વર્ણવી રહી હતી ત્યારે હરિશ્ચંદ્ર ને લાગ્યુ કે તેને આ અવાજ પહેલા પણ ઘણીવાર સાંભળ્યો છે, અને આ અવાજ સાથે તેના ભવોભવના બંધનો જોડાયેલા છે.

         હરિશ્ચંદ્ર એ પૂછ્યું દેવી આપના પુત્રનુ નામ?સ્ત્રીએ કહ્યુ મારા પુત્રનુ નામ રોહિત, અને મુજ દુખયારી,અબલાનુ નામ તારામતી છે.હરિશ્ચંદ્ર એ તેમનો ધુંધટો ઉઠાવ્યો.બંનેની નજરો મળી ઘણીવાર સુધી બને કશુ બોલી ના શક્યા.બંનેની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી.હરિશ્ચંદ્ર એ રોહિત ના શબને નીચે રાખ્યો.તારામતી એ કહ્યુ સ્વામી રોહિતના અંતિમ સંસ્કાર ની વ્યવસ્થા કરો.હરિશ્ચંદ્ર બોલ્યા એના માટે સ્મશાનનો નિયમ છે કે કફનની સગવડતા કરવી પડે અને તેનુ મૂલ્ય ચૂકવવું પડે.તારામતી એ કહ્યું હું તો સાવ નિર્ધન છું.હરિશ્ચંદ્ર બોલ્યા ક્ષમા કરો હું દાસ છું,મારા સ્વામીનો આદેશ છે કે કોઈપણ વ્યકિત મૂલ્ય ચૂકવ્યા વગર શબ ના અંતિમ સંસ્કાર કરવા દેવા નહી.બને વચ્ચે મહાસંકટ ઉભુ થઈ ગયુ.નિયતિ કોણ જાણે કેવા ખેલ કરી રહી હતી!

        તારામતી એ પોતાની સાડીમાંથી અડધી સાડી ફાડી નાખી હરિશ્ચંદ્ર ને આપતા કહ્યું હું શરીરે અડધી સાડી પહેરીશ અને અડધી સાડી પુત્રના કફન માટે લઈ જાવો,ત્યારે આકાશમાંથી વીજળી ચમકી વિશ્વામિત્ર પ્રકટ થયા તેમણે હરિશ્ચંદ્ર ને ગળે લગાવી લીધા.આકાશમાંથી દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી.વિશ્વામિત્ર બોલ્યા ધન્ય છો રાજન!આ બધી લીલાઓ માત્ર આપની ત્યાગ અને સત્યવ્રત્તતા માટેના ઉદ્દેશ્યથી હતી.હું આપના પુત્ર ને જીવનદાન આપું છું.આપના ધન,રાજ, વૈભવ,સંપદા આપને અર્પણ કરું છું.જગતમાં જ્યાં સુધી સૂર્ય પ્રકાશિત રહશે ત્યાં સુધી આપના કીર્તિ,ત્યાગ અને સત્યવાદિતા અમર રહેશે.જગત આપને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર ના નામથી ઓળખશે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .