શ્રી પાબુજી ધાધલ (રાઠોડ) ની કેશર કાળવી, Shree Pabuji Dhadhav history in Gujarati

શ્રી પાબુજી ધાધલ (રાઠોડ) ની કેશર કાળવી, Shree Pabuji Dhadhav history in Gujarati

Nov 22, 2023 - 19:43
Nov 22, 2023 - 19:45
 0  185
શ્રી પાબુજી ધાધલ (રાઠોડ) ની કેશર કાળવી, Shree Pabuji Dhadhav history in Gujarati

શ્રી પાબુજી ધાધલ (રાઠોડ) ની કેશર કાળવી,

Shree Pabuji Dhadhav history in Gujarati

કાઠી ક્ષત્રીય ના ધાધલ કુળ ના પુર્વજ શ્રી પાબુજી ધાધલ ની ઘોડી નુ અદ્ધભુત વર્ણન્ન.. આઇ દેવલ, એમની દેવાંગી ઘોડી અને પાબુપીર ની વાતો રાજ્સ્થાન ,ક્ચ્છ અને કાઠીયાવાડ મા ખુબ પ્રચલીત છે.

{પાબુ હડબુ,રામદે,ગોગાદે જેહા;

પાંચો પીર સમપંજો ,માંગલીયા મેહા.}

પાંચ હીંદવા પીર પાબુજી ,હડબુજી ,રામદેવજી અને જેહાજી.આ પાંચ પીર માથી ચાર સાથે સાથે ઘોડા ની વાર્તા જોડાયેલી છે)

જેમાની એક પાબુજી રાઠોડ અને કાળવી કેસર –

સમળી રુપ સજાય,કુકી દેવલ કાંગરા;

જાયલ ગાયાં જાય ,કોં બાપુ ચઢશો કરાં?

ચૌદ મા સૈકા ની વાત માવતર છોકરા રજળતા મેલે ને ગાયુ મકોડા ભરખે એવો કારમો દુકાળ કચ્છ મા પડ્યો.કચ્છ ના ચારણો નુ એક મોવાડુ આઇ દેવલ કાછેલી ના મોવડી પણા હેઠળ પોતાના માલઢોર લઇને મારવાડ મા ઉતર્યુઃ

આઇ દેવલ પાસે એક જાતવાન દેવાંગી ઘોડી અબનુસ જેવો વાન , ચારે પગ ધોયેલા અને કપાળે ધોળુ ટીલુ .

મારવાડ મા તેદી રાઠોડો ના બેસતા રાજ. રાવ સિયા ના દિકરા રાવ અસ્થાતા ને રાવ ધુહડ અને ધાધલ એમ બે દિકરા. આ રાઠોડ ધાધલ ને બે દિકરા મોટા તે બુઢોજી અને નાના તે પાબુજી. અને એક દીકરી હતા તે જાયલ ના ખી્ચી જિંદરાવ ને વરાવેલા.ચારણો નુ મોવાડુ પોતાના બહોળા ઢોરઢાખર સાથે જિંદરાવ ની સીમ મા સારુ ચરીયણ ભાળી રોકાઇ ગયા.ચારણો પ્રત્યે ની ક્ષત્રીયો ની આસ્થા .જિંદરાવ આઇ દેવલા ના દર્શને આવે. 

એમા ઉડણપાવડી જેવી કાળી કેસર ઘોડી ને જોઇ.જિંદરાવ ને થયુ કે આ ઘોડી મળે તો રાજસ્થાના સીમાડા લોપી દઉ.તેણે આ ઘોડીની માંગણી કરી .પણ આઇ દેવલ કહે “બાપ જિંદરાવ ! મારી કેસર રાત-દી અમારા ચારણો ના ઢોર ના રખવાળા કરે છે. ઇ કેમ અપાય.?” પણ જિંદરાવની વારંવાર ની વીનવણીઓ અને ત્યાર બાદ દબાણ થી ત્રાસી જાયલની સીમ છોડી.એ કાળે કુળંમુઢ મા પાબુજી રાઠોડ ના રાજ જે જિંદરાવની ના સાળા થતા હતા તો પણ તેની નામના સાંભળી આઇ એ ત્યા વસવાટ કર્યો.અને પોતાના ધરમના ભાઇ બનાવેલ.

{જાયલ ખીચી જોર, કુળુમંઢ રાજે કમંધ;

તે નિત વધતે તોર, કેસર ઘોડી કારણે}–1

→જાયલમાં જિંદરાવ ખીચીના જોર છે, કુળુમંઢમાં રાઠોડ પાબુજીનાં રાજ છે. એમાં આઇ દેવલની કેસર ઘોડીને કારણે વેર જાગ્યાં.

{જદ કહીયો જિંદરાવ, કેસર લે પાબુ કમંધ

દેશાં ઇસડો દાવ, ઘણઘટ ગાયાં ઘેરવા.}–2

→જિંદરાવ પાબુજીને કહ્યું કે માલઢોરની લુંટ બહુ ખપમાં આવશે માટે આઇ દેવલ પાસે કેસર ઘોડીની માગણી કર.

{લીધા સાંવળ લાર, જંગ ચંદ ઢેબા જસા

દેવલ રે દરબાર, ભાલાળો પૂગો ભલાં}–3

→પોતાના ભીલ સરદારો ચાંદા અને ઢેબા સાથે પાબુજી રાઠોડ આઇ દેવલના પડાવે આવ્યા

{નામી શીશ નમાય, દેવલસું પાબુ દખે;

બાઇ મુજ બતાય કિસિયક ઘોડી કાળમી?}–4

→આઇનાં ચરણોમાં માથુ મુકીને પાબુજી કહે છે કે ; “ આઇ ! બહુ વખણાઅતી આપની કાળવી ઘોડી કેવી છે ? તે મને બતાવો”

{મિલે ન દીધાં મોલ, સગત પધારી સુરગસું;

બીરા ! ધીરે બોલ, ઉડ લાગે અસમાણને}–5

→આઇ દેવલ કહે ; વીરા પાબુજી! તું ધીરેથી બોલ, નહી રો કાળવી ઊડીને આસમાને પહોચે એવી છે, લાખી દીધે ન મળે એવી સ્વર્ગમાંથી જાણે શક્તિ ઉતરી છે.

{બીરો આયો બાર, કરવા જાચન કાળવી;

શરણાયાં આધાર, દેવલ ઘોડી દીજિયે}–6

→આઇ ! હું તો આપનો ધરમનો ભાઇ છું. ઘોડી જાચવા આવ્યો છુ. આપ તો શરણે આવેલાંના આધારરૂપ છો, મને કાળવી આપો.

{બીરા ન કાઢો બાત, ધાધલરા મોટે ધડે;

ઘલસી ગાયાં ઘાત, જદ તદ ખીચી જિંદરો}–7

→આઇ કહે “ધાધલ કુળના મોવડી ! તું એવી વાત ન કર. ઘોડી જાતાં વેર રાખીને બેઠેલો જિંદરાવ મારી ગાયોની ઘાત કરશે”

{કાંકણ હેકણહાર, સુચમ્યા રો ટોળો સકળ;

ઇણ ઘોડી આધાર, બિચરે સુનો બળધો.}–8

→તમારા બંનેની સીમ એક જ છે ને પાછી સપાટ છે. મારી ગાયો ને બળદોનું રક્ષણ આ ઘોડી જ કરે છે; એ જ એનો આધાર છે.

{ગાયાં ને ઘરબાર, સદા રૂપાળી સાંવળી;

બીરાં બાત વીચાર, સો દીધ કિણ બિધ સરે!}–9

→હે વીરા! ગાયો સાથે અમારા ઘરબારનું રક્ષણ પણ આ કાળવી જ કરે છે. એ દઇ દીધા પછી અમારી શી ગત થાય ? મારા વીરા, કાંક તો વીચાર કર્ય!

{મત નહ હે મહામાય, ચાળકરાયા ચારણી;

ધીરશી થાંરી ગાય, તદ વાહર આઇશ તઠે}–10

.

→ના નહિ પાડો હે માહામાયા ! તમારી ગયો ઘેરાશે ત્યારે હું એની વહારે જાઇશ

{પાણી પવન પ્રમાણ, ઘર અંબર હિંદુ ધરમ

અબ મોં ધાંધલ આણ, શિર દેસું ગાયાં સટે}–11

→હું પંચમહાભુતની સાક્ષીએ પ્રતીજ્ઞા કરું છું કે તમારી ગાયો માટે હું મારું માથું આપીશ.

{બીરા દીજે બાંહ, સાતું વીસી શામળ;

ન ટવે ઉણ દીન નાંહ, ઘર ફુટે ગાયાં ધીરે.}–12

→આઇ દેવલ કહે, હે વીરા ! તારા ઉપરાંત તારા સાત વીસું (140) ભીલ સરદારો પણ પ્રતિજ્ઞા કરે કે ટાણું આવ્યે ફરી ન બેસે ને માથાં આપે, તો હું કાળવી કેસર આપું

{ધીરજ મનાં ધરાય, સહજુગ આલે શામળા

આગળ ગાયાં આય, આઇ બણાં મે ઉજળ.}–13

→ભીલ સરદારો કહે, આઇ ! ટાણું આવ્યે અપની ગાયો આગળ અમારં માથાં પડશે એની ખાતરી રાખો.

{બાઇ, બીકરાળીહ, કેસર મહાકાળી કને;

આસી ઉતાળીહ, તાળી જદ વાદે તદન.}–14

→પાબુજી કહે છે કે, આઇ ! જે ટાણે જુદ્ધની તાળી પડશે તે દી આપની વિકરાળ મહાકાળી સમી કેસર સાથે હું આવી પહોંચીશ એટલો વીશ્વાસ આપું છું. આમ પાબુજી અને સાત વીંસુ ભીલ સરદારોએ આઇ દેવલને માથાં સોપવાની પ્રતીજ્ઞા કરી ત્યારે આઇએ વીર પાબુજીને કાળવી કેસર ઘોડી સોંપી દીધી, ત્યારે પાબુજી કહે છે;

{જંગી સોઢા જેત, અમરગઢ ઊંચો અલંગ;

તોરણ બંધસી તેત, કિણ બિધ પૂગે કાળમી !}–15

→આઇ ! મારે મહાબળવાન સોઢાઓને ત્યાં પરણવા જવાનું છે. એનો ગઢ ઘણો ઉંચો છે, એટલે ઉંચાઇએ તોરણને છબવા અ કાળવી કેવી રીતે પહોચશે?

{છત્રધર ધાધલ છાત્ર, કમધજ સોચ ન કીજિયે;

તોરણ કીતિયક બાત, તારા અંબર તોડસી.}–16

→અરે ધાધલકુળના છત્ર ! તું ચિંતા ન કર, તોરણ તો શું આકાશના તારા પણ મારી આ કાળવી કેસર ઘોડી તોડી આવે, તેમ છે.

{ખેંગ દુવાગાં ખોલ, કાઢી બહાર કાળમી;

બાપ બાપ મુખ બોલ, ભાલાળો ચઢિયો ભલાં}—17

→ત્યારે બેવડી સરકો છોડી, પાયગામાંથી કેસરને બહાર કાઢી અને “બાપો બાપો એવા પોરસભર્યા લલકાર કરીને ભાલાળા વીર પાબુજી સ્વાર થયા

{ઓ લીછમણ અવતાર, સગત રૂપ કહેર સદા

ઓ ઘોડી અસવાર, આયાં કથ રખણ અમર}—18

ત્યારે લોક વાતું કરવા માંડયા ; “આ પાબુ તો લક્ષમણના અવતારરૂપ છે અને ઘોડી જોગણી શક્તિ રૂપ છે, આ બંને ઘોડી અને સવાર આ જગતમાં પોતાનાં પરાક્રમોની કથા સદાને માટે અમીટ રાખવા માટે જ જન્મ્યાં છે”

{ધુબે નગારાં ઘીંસ, સાતું વીસી શામળ;

સેહરો ભળકે શીશ, પાબુ ચઢેયો પરણવા.}–19

→વાજતેગાજતે પોતાના ભીલ સરદારો સાથે પાબુજી કેસર ઘોડી પલાણીને પરણવા હાલ્યો.

{ભળ હળ અંબર ભાણ, ભાણ દુવો પ્રથમી ભળજ;

જિણ દિન ચઢતા જાણ, દેવ વીમણાં દેખીઆં}—20

→ એ દીવસે આકાશમાંના સુર્ય ને પણ લાગ્યું કે પૃથ્વી પર પાબુજીરૂપી બીજો સુર્ય ઊગ્યો છે, તેને નીરખવા માટે દેવો પણ વીમાને ચડયા

{દવા ન પુગા દોડ, સોઢાં રા ઘોડા સક્ળ;

તોરણ લૂમાં તોડ, કેસર વિલુંભી કાંગરાં}—21

→જાન અમરકોટની સીમમાં પહોચી, સોઢાનાં ઘોડા સામાં આવ્યાં. પછી ઘોડાં દોડાવ્યા એમાં કેસરને કોઇ ન પુગી શક્યું ને ગઢને કાંગરે કેસરે ડાબા દેતાં

{જલદી તોરણ જાય, બાઇ નિરખો બિંદને;

મોદ મનાં નહ માય, ભાભી યોં કહિયો ભલાં.}—22

→માંડવે સૌનો હરખ માતો નથી. પાબુજી જેવો સુંદર અને ભડવીર રાઠોડરાજ પરણવા આવ્યા છે. ભાભી સોઢીની કુંવરીને ટોળ કરે છે કે જુઓ જુઓ ! નણંદબા ! આ તમારા બિંદને ! જરા આડશથી નીરખી લ્યો.

ધવલ મંગળ ગવાય છે. પાબુજી ચોરીએ ચડ્યા છે. બરાબર હથેવાળનું ટાણું અને કેસર ઘોડીએ હાવળ દીધી. આઇ દેવલે ઘોડી આપતી વેળા પાબુજીને કહેલું કે; “તું કેસર ઘોડી પર સવાર થઇને ભલે પરણવા જાય પણ ઘોડી ત્રણ વાર હાવળ દયે તો સમજી લેજે કાંઇક ‘અણહોણી થઇ છે’ એમ કહેવાઇ છે કે આઇ દેવલ સમળીને રૂપે અમરકોટ પહોચ્યા અને ગઢને કાંગરેથી ચિત્કાર કર્યો.

{સમળી રૂપ સજાય, ફુકી દેવલ કાંગર;

જાયલ ગાયાં જાય, કા પાબુ ચઢશો કરાં?}–23

→આઇ દેવલે સમળીના રૂપે ગઢ કાંગરે કરરટાંટી બોલાવી કહ્યું કે, હે પાબુ ! તારો બનેવી જિંદરાવ મારી ગાયનું ધણ વાળીને જાયલ ઉપાડી જાય છે. હવે તું ક્યારે વહારે ચડે છે?

{વિધ વિધ કહિયા બોલ, ધેન ટોળતાં ધાવસું;

પાડો છો કીમ પોલ, અબ વીરા ઇણમેં અઠે?}–24

→હે વીરા ! યાદ કર તારા બોલને ! હવે છેટું શીદને પાડી રહ્યો છો ?

{આછા બોલ ઉજાળ, કળહળ સુણતાં કાળમી;

ભાલો લે ભુરજાળ, બણિયો ગાયાં બાહરૂ}.–25

→આઇનો અવાજ સાંભળી કાળવીએ હાવળું દેવા માંડી, ખીલો ઉપાડી લીધો ને પાબુજી સાવધાન બની ગયો, ભાલો ધારણ કરી ગાયોની વહારે ધાવા તત્પર બની ગયો

{તબ ગળજોડો તોડ, બિછોડ બળ મુંછ કસ;

બાળા વની બિછોડ, કમધ થથોપે કાળવી.}–26

→કંઠે આરોપેલી વરમાળ તોડ, નવવધુના મિલાપનો હાથ છોડી, મુછે તાવ દઇને પાબુજી કાળવી ઘોડીને થાબડવા માંડ્યો.

{જેજ હુંત કર જીણ, તસવીરાં લિખતાં તુરત;

વળે ન ઇસડો વિંદ, અમ્મરકોટ જ આવશી}—27

→તે વેળા ઘુંઘટ-પટ ઉઘાડીને સોઢી કહે છે; “નાથ ! થોડી વાર થોભી જાઓ હું તમાંરુ ચીત્ર આળેખી લઉં, કેમ કે હવે ભવીષ્યમાં તમારા જેવો કોઇ અલબેલો નર અમરકોટને તોરણે ચડશે જ નહી “

{સાળ્યાં હંદો સાથ, અરજ કરે છે આપને;

હાથળેવેરો હાથ, જચિયો પણ રચીયો નહી.}–28

→પાબુજીની સાળીઓ વિનંતી કરે છે કે હસ્તમિલાપનું કાર્ય પૂરું થયું, પણ લગ્નવિધિ તો હજી અધુરી જ છે ને આપ આમ ક્યાં ચાલ્યા?

{યું ફિર ફિર આડિહ, કમધજને લાડી કહે;

ક્ષત્રી કિમ છાંડહ, આધાં ફેરાં ઊઠેયો.}–29

→લજ્જાનાં બંધનો તોડીને લાડી પણ પાબુજીને કહે છે કે, અરે ક્ષત્રીય ! આમ અર્ધા મંગલફેરા ફરીને મને કેમ છોડી દયો છો ?

{પડવે નહ પોઢીહ, ઉરકોડી વિલખે અખં;

ચંવરી ચઢ છોડીહ, કર્યો કર સોઢી કામણી ?}—30

→જેણે પિયુમિલનની પ્રથમ રાત નથી જોઇ એવી કોડભરી સોઢી કામિની વલખતા હૈયે કહે છે કે, આમ ચોરી છાંડીને મને છોડી જશો ?

{બરજે બાંળી બામ, કર જોડ્યાં ઊભી કને:

એક ઘડી આરામ, કર પાછે ચઢજો કમંધ ?}—31

→વિરહથી વ્યાકુળ એવી કુંવરી કહે છે કે ; હે રાઠોડ ! રાતનો વખત છે. એક ઘડીનો આરામ કરીને પછી તમતમારે ખુશીથી વહારે ચઢો. પણ પાબુજી પાછા ન વળતાં કહે છે કે;

{બાઇ ઉશભ ન બોલ, કિં બાતાં ઇસડી કરો;

કમધજને કર કોલ, રાજી ઘણો દિન રાખશાં}—32

→ત્યારે કન્યાની માતા કહે છે; “હે પુત્રી ! વીદાય આપવાની વેળાએ આવી અશુભ વાણી ન બોલ. શા માટે આવી વાણી ઉચ્ચારો છો ? હજી તો રાઠોડની જાનને વાણી વડે આનંદથી ઘણા દીવસ લગી અહીં રાખવી છે”

{વેગી જાલું વાઘ, દેવલને ગાયાં દિયણ,

સોઢી, અમર સુવાગ, સો વિલસાં સુરલોકમેં}—33

→સોઢી રાણી ! આ માથું તો આઇ દેવલને અર્પણ થઇ ગયેલું છે, એની ગાયો હરાઇ રહી છે, ત્યારે હવે મારે જટ ઘોડીએ ચડી નીકળવું જોઇએ. હવે તો સ્વર્ગલોકમાં મળશું ને ત્યાં અમર સુહાગ ભોગવશુ

{પીયારો પરલોક, હથળેવો નરલોક હુવ;

સુખ વીલાસણ સુરલોક, જાન સહેતાં જાવસાં}—34

→હથેવાળો મૃત્યુલોકમાં એટળે કે નરલોકમાં થયો, પણ મને પરલોક વહાલો છે. હવે તો જાન સાથે સુરલોકમાં જઇને ત્યાં જ સુખ ભોગવશું

આમ કહેતાંક પાબુજી કાળવી ઘોડી પર ચડીને વેગે ઊપડિ ચુક્યા, સાથે છે એના ભીલ સરદારો ચાંદો અને ઢેબો, હરમાલ રબારી અને હાલો સોલંકી તથા 140 બીજા ભીલસરદારો. એની પાછળ સોઢા જોદ્ધા સખાતે ચડ્યા અને સોઢી રાણીનું વેલડું પણ એની પાછળ ચાલ્યું.

કાળવી ઊડતી આવે છે, પાબુજી જાયલની સીમમાં પહોચ્યા, ગાયો વાળીને જિંદરાવ ખીચીનું પાળ ગામમાં પહોચી ગયું છે. ભીલ સરદાર ઢેબાનું શરીર અતિ અદોદળું પાછળ પડતો આવે છે,ત્યારે પાબુજી કહે છે કે

{ગિરદન મોટે ગાત, પેટ ધુંધ છિટકયાં પરે;

સોઢાં વાળે સાથ, તું ઢેબા આજે તદ્દન}–35

.

→આ તારી ભારે ગરદન, મોટી ફદફદતી ફાંદને કારણે તું મારી સાથે નહિ પહોંચી શકે, એટલે સોઢાઓની સાથે જ ચડજે, ત્યાં તો ઢેબાને જાટકી લાગી ગયો.

{બોલો ન ઇસડા બોલ, આંટીલા ઠાકર અમે;

કરસાં સાચો ફોલ, પીંડ ગાયાં આગલ પડ્યે}–36

.

→હે પાબુજી ! આવાં વેણ મ બોલો, હું અટંકી યોદ્ધો છઉ. આપેલા વચન પ્રમાણે ગાયોને આગળ મારો દેહ પાડીને જ રહીશ

{કરમેં લીધ કટાર, પહલી પેટ પ્રાનળીયો

ઘસ અણીયાળી ધાર, અત ગ્રીધાં લેજો અઠે.}–37

→ઢેબાએ જબ કટાર કાઢીને પેટની ફાંદાનું મોટું ડગળું વાઢી નાખ્યું અને અદ્ધર ઉલાળતાં કહે “કરજો ગીધડા ભ્રખ !’

{કસ પેટી કડ જોડ ખેંગ ચઢે હિરણાખુરી;

અબ નહ પુગે ઓર, કમંધ હકાળો કાળમી}–38

→ઢેબાએ ડગળા પાડેલ પેટ માથે કસકસીને ભેટ બાંધી લીધી, હરણાંની આગળ

નીકળે એવી છલાંગો મારતાં કહે, હવે તમે તમારે કાળવીને હાંકી મેલો, બીજો કોઇ તત્કાળ પૂગશે નહીં, હું તો પાછો નહીં પડું

{કર ઇમ ઢેબે કોપ, અગ્ર ખળાં દળ આથડે;

રીણમાં રોડો ગોપ, રાવત ઘણાય રોકયો.}–39

→કોપીત બનેલા ઢેબાએ રણભુમીમાં અડગ રહીને કંઇક રાવતોને રોળી નાખ્યા ને પોતે બોટી બોટી વેતરાઇને અમર નામને વર્યો

[ધલ ખીચ્યાં ઘમસાણ, દેવલને ગાયાં દીયણ;

બેઠો કમંધ બિમાંણ, કાઠે લીધા કાળમી.}—40

→આમ ગાયો વાળી ખીચીઓ સાથે મહાયુદ્ધ ખેલીને પાબુજ કેસર ઘોડી સાથે વીમાનારૂઢ થઇ પરલોક સિધાવ્યા

{એ દોહા ચાળીશ, ચારણ પઢશી ચાવ-શું;

માનો વિસવાવિસ, કમધજીયો ઉપર કરે}—41

→આ

ચાળીસ દુહાઓનું ગાન જો કોઇ ચારણ સ્નેહપુર્વક કરશે તો શ્રદ્ધા રાખો કે તેની વહાર પાબુજી રાઠોડ કરશે

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .