ગોપ આભીર ભરવાડ નાં શૂરવીર નાં માથાં નાં દાન

ગોપ આભીર ભરવાડ નાં શૂરવીર નાં માથાં નાં દાન, Gop aabhir bharvad survir history in Gujarati

Jul 25, 2023 - 17:38
Jul 25, 2023 - 17:50
 0  216
ગોપ આભીર ભરવાડ નાં શૂરવીર નાં માથાં નાં દાન

ગોપ આભીર ભરવાડ સમાજ નાં શૂરવીર નાં માથાં નાં દાન 

જણસાળીનો મેળક કસોટિઓ અને નળબાવળીનાં ન્યાતપટેલ ખાગદે ભોજા ઉમળકાથી વેવાઈ થયાં. મેળક ના દિકરા સતા ને ખાગદે પટેલની દીકરી સાથે વરાવ્યો. બેય વેવાઈ વચ્ચે ખૂબ મમતા હતી. બેયનો મોભો પણ ખૂબ ઊંચો. પટેલ ખાગદે ભોજાની નાત-પરનાતમા કીર્તિ ફેલાયેલી હતી. નાતમાં તેનું વેણ કોઈ પણ વાઢતું નહીં. નાતનાં ડખા-કજિયામાં પટેલ જતાં અને ન્યાયપૂર્વક કુસંપ મટાડતા. તેમનો નાતપટેલ તરીકેનો એટલો માનમોભો હતો કે એક ગામથી બીજે ગામ કજિયો પતાવવા જવું હોય તો ખાટ પર બેસીને જતા. આ ખાટ ચાર જણ ઉપાડી લેતાં. તેમને પગે સોળ સોનામહોરો મુકાતી. પટલાઈની પાઘડી બંધાવાતી હતી. 

પટલાઈમાં તેમને ખૂબ સમૃદ્ધિ મળી હતી. સામે કસોટીઓ પણ આડા વાળો માણસ જરૂર ગણાય પણ તોય પટેલ જેટલી સમૃદ્ધિ તેની ક્યાંથી ગણાય ?

       એકવાર પટેલ ખાગદે ભોજાએ પોતાની સાંઈઠ ભેંસો નળકાંઠા માંથી ભાલમાં પોતાનાં વેવાઈ મેળક કસોટીઆને ત્યાં ચરાઈએ મોકલી, અને વરસાદ વરસતાં વેવાઈ ને ત્યાંથી નળકાંઠામાં ભેંસો પાછી મંગાવી લીધી. ભાલમાં ભેંસોને મીઠું તળ ખૂબ સદી ગયું હતું અને અહીં નળકાંઠાનાં જોબાણ માં પાણી ભરાઈ રહેતું. તેથી માખ-મચ્છરનો ભેંસોને ખૂબ ત્રાસ હતો. ખાડુ માંથી આ સાંઈઠ ભેંસોનું ટોળું વારંવાર છટકી જતું અને ગોવાળ પાછું લઈ આવતો. કેમે કરીને ભેંસોનું મન નળકાંઠામાં માનતું નહોતું. ભેંસો ભાલ ભણી મોઢું કરી રગારા દેતી અને પૂછડાં ઝાટકતી. 

        એવામાં એકવાર ખટકો રાખતો ગોવાળ રાત્રે ઝોકું ખાઈ ગયો, અને આ સાથે ભેંસો તો ઉપડી ગઈ જણસાળીનાં કેડે. સવાર થતાં તો ભેંસોએ ભાલમાં મેળક કસોટીઆની ઝોકમાં ડંકા દઈ દીધાં. 

         હવે એ જ વખતે ગોલાણાનાં ડુંગર બારોટે ડાયરો ભરીને મેળકનાં દીકરા સતાનું નામ માંડ્યું છે. ડાયરામાં કસુંબા પાણી થઈ રહ્યાં છે. બારોટ ભલકારા કરી દાન-દક્ષિણા માંગવાની તૈયારી કરે છે. ત્યાં તો ઝાંપામાં તગતગતી ચામડીવાળી, શિંગમાં મોય મુકાય એવા શિંગનાં આંટા નાખી ગયેલી, મોટા માથાળી, એકબીજીને એક કોર બેસાડે એવી સાંઈઠ ભેંસો ફળિયામાં પૂછડાં ઝાટકતી દાખલ થઈ. ડુંગર બારોટ ની નજર ભેંસો તરફ ઢળી, દાઢ સળકી ગઈ. મેળક અને ડાયરો બારોટનાં મનને પારખી ગયાં. અને એજ સાંઈઠ ભેંસો બારોટને દાનમાં આપી મેળકે રાજી કરી દીધાં. બારોટને તરત ખબર પડી કે આ ભેંસો તો તેનાં વેવાઈ પટેલ ખાગદે ભોજાની છે એટલે લેવાની ના પાડી. ત્યારે મેળકે કહ્યું કે અમે બન્ને તો વેવાઈ છીએ, અને પટેલ મારુ વસન નહીં ઉથાપે એવો મને વિશ્વાસ છે. આ ભેંસો મારી છે એમ માનીને બારોટજી લઈ લ્યો, અમે બેય ભરી પીશું, તમને વાંધો નહીં આવે. 

          મેળકનાં મનમાં હતું કે વેવાઈ ની ભેંસો એની જ કહેવાય ને ? અને એના બદલામાં એ ભેંસો આપશે અથવા એટલી કિંમત ચૂકવી દેશે. પટેલ ડાહ્યા માણસ છે તેથી વેણ નહીં ઉથાપે. બારોટે તો ભેંસો સ્વીકારી લીધી અને મેળકની ઉદારતાનાં ભલકારા દેવા માંડ્યાં. મેળકની છાતી ગજગજ ફુલવા લાગી અને કેડિયાની કસું તૂટવા લાગી. 

        ત્યાં તો ઓલો ઝોકું ખાઈ ગયેલો ગોવાળ બગબગામાં જાગ્યો ત્યારે આ સાંઈઠ ભેંસો જોવાં ના મળી. બીજા ગોવાળને બધું ખાડુ સોંપી એણે જણસાળી ભણે માંડ્યું ધોડવા. ગોવાળ જણસાળી ભેંસો લેવા આવ્યો ખરો પણ અહીં તો ભેંસોનું દાન દેવાઈ ગયું હતું. મેળક કસોટીઆએ ગોવાળ સાથે બધી વિગત જણાવીને પટેલને વિગતે વાત કરવા કહ્યું. ગોવાળે બધી વાત જઈને ખાગદે પટેલને જઈને કહી. ત્યાં તો પટેલની આંખો કરડી થઈ.

         હેં....ન.....? મને પૂછ્યાં વગર મેળકથી મારી ભેંસોનું દાન કરાય જ કેમ ?તેમનાં મનમાં શંકા બેસી ગઈ કે મેળક કસોટીઓ પોતાનાથી વધુ દાન આપીને ઊંચો થવા માગે છે,

         નાત ભેગી કરવામાં આવી. મેળક કસોટીઆએ નાત આગળ પાઘડી ઉતારી કબૂલાત કરી. " મારા વેવાઈ ઉપર મને પૂરો ભરોસો હતો કે તેમને ખોટું નહીં લાગે, છતાં મેં પટેલનો અપરાધ કર્યો હોય તો હું પાઘડી ઉતારી ને કહું છું કે પટેલને એટલી કિંમતની હું ભેંસો આલું, કહેતા હોય એટલી કિંમત આલું, પણ હવે મારાથી બારોટને કરેલા પાહા પાછા ન લેવાય. નાત કે' એમ બધી કબૂલાત આપવા તૈયાર છું." નાતે પણ ખાગદે પટેલને આ દુમેળ મટાડવા વાના માતર કર્યા એમનાં મનની આંટીઘૂટી ન ભાંગી એટલે નાતીલાઓએ પણ પ્રકરણ અધૂરું મૂક્યું, અને મનદુ:ખ વધવા માંડ્યું. 

         થોડા દિવસોમાં પોતાના કુટુંબીઓની બત્રીસ કન્યાઓનાં લગ્ન લખાવ્યાં, અને એ બધી કન્યાઓને પોતાને ખર્ચે પરણાવવાનું નક્કી કર્યું. નાતીલાઓ કંઈક નવાજૂનીનાં ભણકારાઓને પામી ગયાં તેથી પટેલને ખૂબ વિનવણી કરી પણ મનાવી શકાયું નહીં. 

          મેળક કસોટિઆએ ડુંગર બારોટને કંકોતરી મોકલી અને આગ્રહ કરી લગ્નમાં તેડાવ્યાં. પણ ખાગદે ભોજાએ ડુંગર બારોટને ન તેડાવ્યાં.

           નળબાવળીને માંડવે જાન આવી ગઈ છે. ખાગદે પટેલે મનમાં નક્કી કર્યું હતું કે ગમે તેમ કરીને પણ ડુંગર બારોટને વાંકમાં લેવા, તેથી તેમણે બીજા બારોટોને જણાવી દીધું હતું કે એમની રજા સિવાય કોઈએ માયરાં વખતે ગોત્રોચ્ચાર કરવા પાલખીએ ન બેસવું. આ બાજુ નાતનાં કહેવાથી ડુંગર બારોટ પાલખીમાં બેઠાં અને મેળક કસોટીયાનાં દીકરાનું માયરું થવા લાગ્યું. ડુંગર બારોટ ગોત્રોચ્ચાર કરે છે ત્યાં તો પટેલ ખાગદે ને ખબર પડી તેથી હાથમાં ભાલો લઈ, કાળઝાળ થઈ ડુંગર બારોટને મારવા દોડ્યાં. નાતીલાઓએ વચ્ચે પડીને સમજાવ્યાં કે એમાં બારોટનો વાંક નથી, નાતનાં કહેવાથી તેમણે ગોત્રોચ્ચાર શરૂ કર્યા છે. ત્યાં તો ડુંગર બારોટે પણ ખાગદે પટેલને મરમ નાં વેણ સંભળાવ્યાં.

               ઘીસા માથે ઘા, ખમતો મારે ખાગદે, 

               મોટે મોરેરા, મારીશ તો જાશું મરી. 

      આ વેણ સાંભળી ખાગદેનું હૃદય પલળ્યું અને બારોટ ને ભેટી પડ્યાં. બારોટ કહે વાઘેલા વંશના ખાગદે પટેલ આ તારું કામ નથી, તને આ શોભે નહીં. 

         પછી નાતનો ડાયરો મળ્યો. અફીણ વટાઈ-ઘૂંટાઈ રહ્યાં છે. ખાગદે પટેલ અને ડુંગર બારોટ પરસ્પરની અંજલિઓ મોઢે માંડી કસુંબો પીએ છે. નાતીલાઓએ પટેલ ખાગદે ને તેના વેવાઈ સાથે કસુંબા પીવા વિનવ્યાં, ત્યાં તો ખાગદે લાલ આંખો કરી કે હું કશું નથી પીવાનો. મારે તો બારોટને દાન આપવું છે એમ બોલી કહ્યું: " સાંઈઠ ભેંસ મ્હારી છે અને એનું હું દાન કરું છું." અને મેળકને બીજું દાન કરવાનો પડકારો કર્યો. 

        

વાત વળે ચડી. મેળક કસોટીએ સો ભેંસોનું દાન કર્યું. ત્યાં તો પટેલ ખાગદેએ બસો ભેસોનું દાન કર્યું. એમ ગાય-બળદ, ઘોડા-ઊંટ, ઘરેણાં-પૈસા વગેરે સમૃદ્ધિનાં દાન ચડાચડી કરી દેવાયાં. ખાગદે પટેલ તો ખૂબ સમૃદ્ધ હતાં, તેથી તેમની મિલકત ખૂટી નહીં, પણ મેળક કસોટીઆની હવે ગજા બહારની વાત હતી, તેથી તે ઉઠી ને તેની બે સ્ત્રીઓ પાસે ગયો અને પોતાની મૂંઝવણની વાત કરી. 

         હવે એને આપઘાત કરવા સિવાય કોઈ આરો નહીં રહે એમ જણાવ્યું. મેળક કસોટીઆની બેઉ પત્નીઓ ખાનદાન અને ભડ-દાતારની દીકરીઓ હતી. તેથી તેમણે સમજાવ્યું: આપણી સંપત્તિ ખૂટી હોય તો આલો માથાના દાન ! પટેલ જો બે માથાનું દાન આપે તો આપણે ત્રણ માથાનું દાન આપશું, અને પટેલ ચાર માથાનું દાન આપે એ આપણે મરી ગયા પછી ક્યાં જોવાનું છે ? 

         મેળક કસોટીઓ દાયરામાં આવી ડુંગર બારોટ ને કહે: " બારોટ ! હવે હું દાનમાં મારું માથું આપું છું વધાવો પાહા ! " ત્યાં....તો.... ડાયરો ખેંગાકાર થઈ ગયો, પણ બારોટે ના પાડી કે " માથાં મારાં ઘરમાં પોસાય નહીં બાપ !! " પણ મેળક મરણીયો થઈ ઊઠેલો. માથું દેવામાં મકકમ જ રહ્યો. દાનમાં શગ ચઢાવવાનું પડ બંધાઈ ગયું છે.

            નળ બાવડી ને માંડવે, બે જૂત્યા જબરાણ, 

            મેળક વળ મેલે નહીં, ને સાંખે નહિ ભોજાણ 

      ડુંગર બારોટે વાતને ટાળવા મેળક પાસે એક શરત મૂકી કે, 'જાન ને ઉતારેથી ત્હારાં હાથે માથું કાપી, હાથમાં લઈ, અહીં માંડવા સુધી જો તારું ધડ હાથમાં માથું લઈ હાલતું આવે તો હું તારાં મસ્તકનું દાન સ્વીકારું ! ' 

      ઝડાફ ઊભો થઈને મેળક કસોટીઓ ઉતારે ગયો, અને સારો દેવીપુજક તરબૂચ ની ડગળી પાડે એમ પોતાનાં જ હાથે તલવાર છંડવી, અને પોતાનું માથું ઉતારી લઈ, પાહામાં (હાથમાં) માથું લઈ માંડવા તરફ પગલાં દીધાં. લગન લગનને ઠેકાણે રહ્યાં અને વધાવવાનાં ઢોલને બદલે તરઘાયાની દાંડીઓ ઢોલ માથે પડવા લાગી. ધડ પર છત્ર છાયા કરવામાં આવી. અબીલ-ગુલાલ ઉડાડવામાં આવ્યાં. શરણાઈનાં શેંસાટ બોલવા માંડ્યાં. પાછળ સ્ત્રીઓનાં વીરત્વનાં ગીતો ગવાવા લાગ્યાં. જાણે કે વરરાજા ચોરીએ ચડવા ન જતો હોય ? દીકરા સતાને બદલે બાપ મેળક માથું હાથમાં લઈને અપ્સરાને વરવા હાલી નીકળ્યો.

         મેળક કસોટીઆનું ધડ પાહામાં માથું લઈને હાલ્યું આવે છે અને આખું ધડ લોહીથી તરબોળ થઈ ગયું છે. ધડ માંડવે આવ્યું. ડાયરા વચાળે મારગ પડી ગયો અને મેળક નાં ધડે બારોટને મસ્તકનાં પાહા કર્યા. રંગ દેવાઈ ગયાં. બત્રીસે જાનુંનાં જાનૈયા ભલકારા દેવા લાગ્યાં. પછી બારોટની બિરદાવળિયુંમાં શું ખામી રહે ? 

ખાગદે પટેલથી આ ન સહેવાણું. ચડાપ ઊઠીને ઘરવાળી પાસે જઈને તેના મસ્તકની માગણી કરી. એકનાં બદલે બે તો દેવા પડે ને ? પણ સ્ત્રી હ્રદય માન્યું નહીં. ખાગદે પટેલ ડાયરામાં પાછા ફર્યા અને જાહેર કર્યું કે તેઓ પોતાના મસ્તક નું દાન કરે છે અને પોતાની સ્ત્રીનાં માથાંનાં બદલે સવા લાખ સોનામહોરો આપે. નાતીલાઓએ આ માગણી સ્વીકારી નહીં. એ વખતે પટેલ ખાગદેનો ભાણેજ 'રમો' મામાને માટે ઉમળકાભેર માથું ઉતારી આપવા ઊભો થયો. નાતે એનું માથું સ્વીકારવાની ના કહી કારણ કે તે ચભાડ શાખનો હતો. માથું તો અરધ અંગવાળીનું (અર્ધાંગનાનું) જ બીજું મનાય. લોહીની ધધકે ડાયરાની વચ્ચે મેળકનું ધડ પડ્યું હતું. થાળમાં મેળકનું માથું હસી રહ્યું છે. બારોટને થયું કે આ તો હું ગોઝારો બન્યો. પટેલની ભેંસોમાં મન મોહ્યું ને માથાની હોડ મંડાણી. સડપ કરતી છરી કાઢીને કોઈ હાથ ઝાલે તે પહેલાં તો પોતાનાં પેટમાં પરોવી દઈને પેટ ચીરી નાખ્યું. આંતરડાનો ઢગલો થઈ પડ્યો. એ આંતરડા મેળક કસોટીઆનાં મસ્તક પર ચડાવ્યાં અને બારોટે છેલ્લો ભલકારો દીધો. 

     * જોડી જણસાળી થકી, જાડી ભારે જાન,

         મીયર ખાગદે માંડવે, દીધું માથા નું દાન. 

આટલું કહી હસતે મુખે ડુંગર બારોટ નો દેહ ઢગલો થઈ પડ્યાં.

આ બેયનાં પાળિયા આજે પણ ખભેખભા મિલાવતાં નળબાવળી ઉર્ફે રાણાગઢ ગામનાં વિવાતા ફળિયામાં બલિદાનનો આનંદ અનુભવતા ઊભાં છે. 

* આ લગ્નની સાલ સંવત ૧૨૯૫ છે. 

કથા લેખક :- ગભરુભાઈ ભડિયાદરા.

ચિત્રકાર :- કરસનભાઈ ઓડેદરા

Disclaimer notices

यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें।

 (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे)

 [email protected]

 ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .