પરબધામ નો ઇતિહાસ એને સંપૂર્ણ માહિતી

પરબધામ ઇતિહાસ parab dham

Jun 29, 2024 - 22:08
Jun 30, 2024 - 16:20
 0  61
પરબધામ નો ઇતિહાસ એને સંપૂર્ણ માહિતી

દેવીદાસ બાપુના પરબ નો ઈતિહાસ

ઈસ. સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે.

આ સમયે પ્રર્વતેલા દુષ્કાળથી કચ્છ અને સિંધમાંથી દુકાળગ્રસ્ત માનવ સમુદાય સૌરાષ્ટ્રમાં ઉતરી પડેલો અને ભુખ તરસ સંતોષવા ચારે તરફ ફરતો રહેતો. વારંવાર પડેલી કુદરતી આફતોના આ કપરા સમયમાં સોરઠના અનેક સંતોએ પોતાના સ્થાન અમર કર્યા છે અને દરેક માનવીને એક સરખો ગણી, નાતજાતના ભેદભાવ ન રાખવા, ભૂખ્યાને આશરો અને રોટલો આપવાનો, માનવીના સેવા ધર્મનું અનુક૨ણ ક૨વાનો સંદેશો આપી ગયા છે.

જલારામ ભગતનું વીરપુર, ગીગા ભગતનું સતાધાર અને દેવીદાસ ભગતનું પરબ માનવ સેવાનો સંદેશો આપતા જાગતા સ્થાન છે. જે પાપને નિવારે છે, હિતની યોજના કરે છે, ગુણોને પ્રકટ કરી પ્રકાશ આપે છે, આપદ્ વેળાએ આશરો અને સહાય કરે છે આવા દૈવી ગુણોવાળા માનવને આપણે સંતો કરીએ છીએ તેમના વિષે શું લખી શકાય ? સંતોના આ જાગતા સ્થાનકોની માનતા પુરી થતા દર્શન અને પ્રસાદ લેવા આવતો જન સમુહજ પ્રત્યક્ષ પ્રમાણ છે.

જૂનાગઢથી ૪૦ કીલોમીટર રોડ રસ્તે પરબનું સ્થાન સૌરાષ્ટ્રની સિદ્ધભૂમિની શોભા છે. આ સ્થાન મહાભારત કાળનું સરભંગ ઋષિનો પ્રાચીન આશ્રમ હોવાનું મનાય છે. આ આશ્રમની પશ્ચિમે રાણપુર પૂર્વમાં વાવડી તેમજ આજુબાજુ ભેંસાણ અને ખંભાળીયાના આ ગામોનો રાજમાર્ગ આ સ્થાનક પાસેથીજ નીકળે છે.

આવી પ્રચલિત લોકોક્તિના પરબના આ સ્થાનકનું બે સૈકા પૂર્વે ચૈતન્ય જાગતું ક૨ના૨ દેવીદાસનું સંતજીવન પૂર્વેનું નામ દેવો ભગત હતું તેમના પિતા પુંજા ભગત અને માતા સાજણબાઇ ભાવિક શ્રદ્ધાળુ રબારી દંપતી હતા. દેવા ભગતે માનવસેવાની શરૂઆત છોડવડી ગામેથી શરૂ કરી હતી. તેમના ગુરૂ જેરામભારથી ગિરનારના સંત મહાત્મા હતા અને તેમા લામડીધાર ઉપર તેમના બેસણા હતા.

ગિરનારજીને ફરતા પર્વતો છે તેમા ઉત્તરેથી જતા ઉત્તર રામનાથ, બાબરીયો, ખોડીયાર, લાખામેડી, કાબરો, કનૈયો અને ગધેસંગ નામના પર્વત છે. ગધેસંગ પર્વતનો આકાર સીધો સપાટ દિવાની શગ જેવો છે તેની પાછળ લામડીધાર છે. સંત જેરામભારથીના આ ધાર ઉપર બેસણા હતા. આ ઉપરાંત દક્ષીણેથી જતા દક્ષીણ રામનાથ, ટટાકીયો, ભેસલો, અશ્વસ્થામાનો પહાડ, દાતારનો પહાડ, લક્ષ્મણ ટેકરી, મંગલાચલ, રેવતાચલ જોગણીયો વિગેરે ગિરિ પર્વતો વચ્ચે ગિરનારજી છે

આ રમણીય પર્વત શૃંગો વચ્ચે થઈને હજારો વર્ષથી ભાવિકો પુરાણા અને પવિત્ર ગિરિનારાયણ ગિરનારજીને ફરતી પરિક્રમા કરે છે.

આ ભાવિક યાત્રાળુઓનો પ્રથમ વિશ્રામ ઉત્તર રામનાથ ઉપર આવેલ જીણાબાપુની મઢીએ થતો હતો. જીણાબાપુ સરળ પ્રકૃતિના વયોવૃદ્ધ સાધુ હતા. તેથી આ મઢીએ ઘણા સંતો પધારતા હતા. તેમના સમકાલીન પ્યારાબાવા, લોહલંગરીજી, યોગીની માતા, કમંડલકુંડના હંસગીરીજી, મુસ્લીમ સંત નુરાસાંઈ અને જેરામભારથી વિગેરે સંતો હતા.

દેવા ભગત આ સંત મહાત્મા વચ્ચે શ્રદ્ધાથી યાત્રીકોની સતત સેવા કરતા રહેતા. આથી એક દિવસ દેવા ભગતની શ્રદ્ધા અને માનવ સેવાથી આ ગિરનારી સંત જેરામભારથી પ્રસન્ન થયાં અને દેવા ભગતને કહે કે, દેવા ભગત આજસે તુમ દેવીદાસ હોતે હો. તુમ એક યોજન દુરી કે પાસ જાઓ, લોગ સરભંગ ઋષિ કા આશ્રમ બતાતે હૈ વહાં પર દત્ત મહારાજકા ધુના કંઈ બર્ષો સે સુના પડા હૈ, ઉધર જાઓ ઔર સુનો સબસે બડા ધરમ યહી હૈ કી અભ્યાગતો કી, અનાથો કી સેવા કરના. જાઓ વહાં ટુકડા રોટી દેતે રહેના.  

આવા પ્રસન્ન થયેલ ગુરૂના આશીર્વાદ સાથે અપરિગ્રહ વ્રત રાખીને આ સ્થાનકે પહોંચવા દેવા ભગતે તરતજ પ્રસ્થાન કર્યું. સરભંગ ઋષિના પુરાતન આશ્રમ સમીપે દેવીદાસબાપુ આવ્યા, એ સમયે અહીં મંદિર કે દેવમુર્તિ જેવું કંઈ ન હતું લીમડા નીચે મેકરણ કાપડીનો ધુણો અને ત્રિશુળ હતાં. તેમજ ત્રણ અણઘડાયેલ આરામગાહ હતી. તેમણે પવિત્ર ધુણામાં અગ્નિ પ્રગટાવી ધુણો ચેતનવંતો કર્યો અને લીમડા ડાળે ધજા ફરકતી કરી આ સ્થાનકને આપણે આજે દેવીદાસજીની પરબના નામથી ઓળખીએ છીએ.

બસો વર્ષ જૂના આ સમાધી મંદિર ઉપર નૂતન મંદિર આ જગ્યાના મહંતશ્રીની દેખરેખ નીચે આકાર લઈ રહ્યું છે. અહીં દાદા મેકરણનો – સાદુદ પીરનો ઢોલીયો,પરબકુંડ, કરમણપીર અને દાનેવપીરની સમાધી અહીં છે.

અનેક યાત્રાળુઓ પરબના આ સ્થાનને વંદન ક૨વા આવે છે અને પ્રસાદ લ્યે છે.

સત દેવીદાસ અમર દેવીદાસ

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें