આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ

આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ

May 11, 2024 - 13:14
May 11, 2024 - 13:22
 0  54
આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ

આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ

આઈ જીવણીના પિતાનું નામ ધાનોભાઈ નૈયા, આઈનાં માનું નામ બાયાંબાઈ, આઈના માતાના પિતાનું નામ ભાયોભાઈ જામંગ, આઈના પિતાનું મૂળ વતન કચ્છ. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતાં તેઓ પોતાના માલ ઢોર હાંકીને બીજા ચારણો સાથે સૌરાષ્ટ્રમાં આવેલા અને ખડ-પાણીની સગવડ હોય ત્યાં નેસ બાંધીને રહેતા. સં. ૧૭૮૮ આસપાસ તેઓ સરધારની સીમમાં ખડ-પાણીની સારી સગવડ જોઈને નેસ બાંધીને રહેવા આવેલાં. આઈ જીવણીની ઉંમર તે વખતે ૧૭ વરસ લગભગની હતી. આઈ બહુ સ્વરૂપવાન, શરીરે ખડતલ અને વૃઢ મનોબળવાળાં હતાં.

જગદંબાનાં એકનિષ્ઠ ઉપાસક, તપ-તેજવંતા, ચારણ વટવાળા, દૈવી પ્રતિભાથી વિભૂષિત હતાં. એમને અંગેઅંગથી દિવ્ય રૂપની છટા પ્રસરતી. એમના મુખમંડળમાંથી જાણે સૂર્યનારાયણનાં કિરણો પ્રતિબિંબિત થતાં. માતા-પિતા, કુળ-કુટુંબ અને અન્ય સૌ એમને જગદંબાનો અવતાર માનતાં. નાની વયથી જ એમને આઈ કહીને સંબોધતાં.

તેઓ ઘણીવાર પિતાની સાથે ઘી વેચવા તથા માલ ઢોર માટે ખાણ-દાણ કપાસિયા ખરીદવા સરધાર જતાં. એમનું દિવ્ય તેજથી દીપતું સ્વરૂપ જોઈ સૌ લોકો તેમને વિનયપૂર્વક હાથ જોડી વંદન કરતા. આઈ જીવણી જગદંબા સ્વરૂપ છે એવી તેમની કીર્તિ ધીરે ધીરે સર્વત્ર પ્રસરવા લાગી, એટલે આસપાસનાં ગામોમાંથી લોકો તેમનાં દર્શન માટે ધાના ગઢવીના નેસે આવવા લાગ્યા. આઈ જીવણી તથા તેમના કુટુંબીજનો દર્શનાર્થીઓનો ખૂબ સત્કાર કરતા, જમાડતા. થોડા વખતમાં જન- સમાજમાં એમની દિવ્યતાની અને એમના પરચાઓની વાતોનું વાતાવરણ જામવા લાગ્યું. સંવત ૧૭૮૯ લગભગ જ્યારે આઈ જીવણીની ઉંમર અઢાર વર્ષની હતી ત્યારની આ વાત છે. એ વખતે રાજકોટના મુસલમાન શાસક તરફથી સરધારના વહીવટદાર તરીકે બાક૨ખાન નામનો એક શેખ હકૂમત ચલાવતો હતો. જુવાન વયનો એ શેખ ઘણો વિષયલંપટ, હીન પ્રકૃતિનો, રૂપ યૌવનનો રસિયો હતો. વિષયસેવનને એ સ્વર્ગસુખ માનતો. પ્રજાની અનેક બહેન-દીકરીઓ, કુળવધૂઓની લાજમર્યાદા એણે લોપેલી. અનેક બાઈઓ બહેનો એ તેના કારણે આપઘાત કરી મરી ગયેલી. એના એ જુલ્મથી પ્રજા ત્રાસી ગયેલી. દરમિયાન કેટલાક ત્રાસિતોની હકીકતો-ફરિયાદો આઈ જીવણી પાસે પણ 

પહોંચેલી. એ જુલ્મોની વાતો સાંભળીને આઈનો આત્મા કળકળી ઊઠેલો. એમણે ફરિયાદીને આશ્ર્વાસન આપેલું કે, એ દુષ્ટના પાપોનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. જગદંબા થોડા વખતમાં જ તમારા દુ:ખનું નિવારણ કરશે.

આ વિષમ પરિસ્થિતિમાં પોતાનું શું કર્તવ્ય હોઈ શકે? એ વિચાર તેમના મન-હૃદયમાં રમવા લાગ્યો. એમણે ઊંડું આત્મમંથન આદર્યુ અને એ મનોમંથનને અંતે જનસમાજના કલ્યાણ માટે, ધર્મ-મર્યાદાના પાલન માટે, ગમે તે ભોગે જરૂર લાગે તો પોતાનું આત્મબલિદાન આપીને પણ શેખ બાકરના જુલ્મોનો, એની અનીતિનો અંત આણવાનો દૃઢ નિર્ણય કર્યો.

બાદ એક દિવસ પોતે પિતાની સાથે ખરીદી કરવા સરધાર ગયેલાં. ત્યાં ઘીના વેપારી સાથે હિસાબની સમજાવટ ચાલતી હતી ત્યારે શેખ બાકરનો એક હજૂરિયો આઈને જોઈ ગયો. તેની દુષ્ટ નજર તથા શંકાસ્પદ હિલચાલ એ વેપારીના જોવામાં આવતાં તેના પેટમાં ફાળ પડી. એ વેપારીને આઈ તરફ ખૂબ પૂજ્યભાવ હતો. સર્વે ચારણોને એ માનની વૃષ્ટિએ જોતો.

એટલે તેણે ધાના ગઢવીને એક બાજુ બોલાવીને બધી વાત સમજાવી અને ચેતવણી આપી કે હવેથી કોઈ વખત આઈ જીવણીને સરધારમાં લાવશો નહીં. એટલે ધાના ગઢવી બીજાં કામ પડતાં મૂકીને ઉતાવળ કરીને આઈ

સાથે પોતાને નેસ જતા રહ્યા. ત્યાં આઈએ પિતાને પૂછ્યું કે બાપુ, એ ઘીવાળા તમને ખાનગીમાં શું કહેતા હતા પિતાએ ઉત્તર આપ્યો કે બેટા, એમાં તમારે જાણવા જે- કાંઈ નથી. એટલે આઈ બોલ્યાં કે ના બાપુ ! તમે ન કહો તો પણ હું બધું સમજી ગઈ છું. એ તમને શેખથી ચેતતા રહેવાનું કહેતા હતા, પણ બાપુ ! તમે કોઈ ચિંતા ક૨શો નહીં. એ શેખના દિવસ હવે પૂરા થયા છે. મા જગદંબાએ એનો ફેંસલો ક૨વાનું નક્કી કર્યુ છે અને એ કામ મને સોંપ્યું છે. એ સાંભળીને ધાના ગઢવી બોલ્યા કે બેટા, આઈ તારી વાત સાચી, પણ સત્તા સામે આપણે શું ક૨ી શકીએ ? આપણે તો જેમ બને તેમ અહીંથી જલદી ઉચાળા ભરીને જતા રહેવું છે, કારણ કે આમાં તો આબરૂનો સવાલ અને જાનનું જોખમ. એટલે એવું જોખમ આપણે ખેડવાનું ન હોય.

એ સાંભળીને આઈની આંખોમાંથી તેજ વરસ્યાં અને મેઘગંભીર સ્વરથી ગાજતી આત્માના ઊંડાણની એમની વાણી પ્રગટી કે,‘બાપુ ! ધર્મ પર ધાડ આવતી હોય, બાઈઓ-બહેનોનાં શિયળ લૂંટાતાં હોય ત્યારે ભયથી ઉચાળા ભરીએ, પારોઠનાં પગલાં ભરીએ તો પછી ચારણધર્મ ક્યાં રહેશે ? ચારણ ને આઈને વળી ભય કેવો ને જોખમ કેવું ? અને આવે ટાણે પણ મોત ન આંગમીએ... જોખમ ન ઉઠાવીએ તો પછી નવ લાખ લોબડી આળાઉના વારસ પણ કોણ કહેશે ? બાપુ ! આ અધર્મીને ઉખેડી નાખવાની માતાજીએ મને આજ્ઞા કરી છે અને માતાજીની એ આજ્ઞાનું પાલન કરવા માટે મારા જીવનનું બલિદાન આપવાની પણ મેં પ્રતિજ્ઞા કરી છે અને એ પ્રતિજ્ઞા આવતી કાલે પૂરી થશે. 

ધાના ગઢવી તો આઈનું એ સમયનું દિવ્ય સ્વરૂપ જોઈને, ચારણત્વના ગૌરવથી ભરપૂર એમની અભયવાણી સાંભળીને દિગ્મૂઢ થઈ ગયા. માતા તથા સૌ કુટુંબીજનો પણ પ્રભાવિત થઈ સ્તબ્ધ થઈ ગયાં. માતા-પિતાને પોતાના પુત્રી આઈ જીવણીમાં જગ આખાને વીંટી વળેલ મહાવિરાટ શક્તિ જગદંબાનાં દર્શન થયાં. સૌ આઈના પગમાં પડી ગયા અને ધાના ગઢવી પાઘડી ઉતારી આઈને ચરણે મૂકી બે હાથ જોડી બોલ્યા કે, મા જગદંબા ! અમે તમને ઓળખ્યાં નોતાં. એ અમારું અજ્ઞાન છે. હવે આપની જે ઈચ્છા તે મારી-અમારી સૌની ઇચ્છા. આ વાતચીત બાદ આઈ પદ્માસન વાળી ધ્યાનમાં બેઠાં. સમાધિસ્થ થયાં.

ધાના ગઢવીના નેસમાં જ્યારે આઈ પોતાના પિતા સાથે ઉપર્યુક્ત વાતમાં ગૂંથાયેલાં હતાં, ત્યારે બીજી બાજુ સરધારમાં આઈ અંગે પૂરી જાણકારી મેળવીને બાક૨શેખનો હજૂરિયો તેની મેડીએ પહોંચેલો અને બાકર શેખને કહેતો હતો કે હજૂર, આજ મૈંને જિન્નત કી હૂરસે ભી જ્યાદા ખૂબસૂરત ઔરત દેખી, જિસકી પૂરી તારીફ જબાન સે નહીં હો સકતી, ઉસકા ગુલાબ જૈસા મુલાયમ ગોરા ગોરા ગુલબદન, ખીલે હુએ કમલોંસી બડી બડી રસીલી આંખે, પતલીસી કમર, પૂનો કે ચાંદ જૈસા સુહાવના ગોલ મુખડા, ક્યા કહું હૂજુર ! ખૂબસૂરતી કા ફવારાહી સમઝ લીજીએ. બાકર શેખે તેને વચ્ચેથી જ અટકાવીને કહ્યું કે, બહુત ખૂબ, બહુત અચ્છા, મગર વહ કૌન હૈ સો તો કહતા હી નહીં.

હજૂરિયાએ જવાબ આપ્યો કે, હુજૂર ! હમારે યહાં સરધારકી હદમેં ચારન લોગોંકા એક નેસ હૈ, પડાવ હૈ, વહાંકી એક જવાન કુંવારી ઔ૨ત હ૨૨ોજ યહાં સરધારમેં ઘી બેચને ઔર ખરીદી કરને કે લિયે આતી હૈ. સારે જહાં કા નૂર ખુદા તા-અલાને ઉસકે બદનમેં ભર દિયા હૈ. અગર વો આપકે હરમમેં આ જાય તો બસ ઉજાલા હી ઉજાલા છા જાયેગા. એટલે બાકર શેખે કહ્યું કે, ઐસા ! તો દેખો કલ તુમ દશ-બારહ આદમી તૈયાર રહના ઔર જબ વહ નૂરે-જહાં આયે તબ ઉસે યહાં મેરે પાસ બુલા લાના. કહના કિ શેખ સાહેબ કો ઘીકી જરૂરત હૈ, ઇસ લિયે રૂબરૂ બાત કરને કે લિયે બુલાતે હૈં. હજૂરિયાએ ઉત્તરમાં કહ્યું કે, માલિક! હમ લોગ તો તૈયાર રહેંગે મગર લોગ કહેતે હૈં, માનતે ભી હૈ કિ વહ દૈવી હૈ – માતાજી હૈ ઔર કરામતવાલી હૈ. બાકર શેખે ઉત્તર આપ્યો કે,‘અરે હિન્દુ લોગ તો મૂરખ હોતે હૈં – કૈસી કરામત ! ઔર કૌન દેવી ? માતાજી ? યે તો સબ વહમકી બાતે હૈ. જો હો સો હો. આખિર હૈ તો ઔરત ના ? ઇસ લિયે જબ વહ આયે તબ યહાઁ બુલા લાના. ઔર અગર ન આયે તો પકડ ક૨ આના સમઝા ? હજૂરિયો બોલ્યો, હાં હજૂર ! નહિ આયેગી તો પકડ ક૨ લાયેંગે.’

બીજે દિવસે સવારના બીજા પહોરની શરૂઆતમાં સ્નાન- ધ્યાન-પૂજાથી નિવૃત્ત થઈને આઈ જીવણીએ સરધાર તરફ પ્રયાણ કર્યુ.

ધાના બાપુ પણ તેમની સાથે જ હતા. ઉપરાંત નેસમાં સર્વને આ બાબતની જાણ થઈ ગયેલી. એટલે નેસના સર્વે સશક્ત ભાઈઓ તથા સર્વે બાઈઓ પણ ચારણવટની, ચારણી પ્રતિષ્ઠાની રક્ષા કરવા માટે, પોતાના ઈષ્ટ જગદંબાનાં માન-મર્યાદાનો ભંગ થાય તે પહેલાં મરી મટવાના નિર્ણય સાથે આઈની પાછળ ચાલવા લાગ્યા. આઈએ તેમને સૂચના આપી કે, તમારે કોઈએ કંઈ ઉતાવળું પગલું ભરવાનું નથી. એ શેખની સાથેનો હિસાબ હું સમજી લઈશ. મારા તરફથી સૂચન થાય તો જ તમારે આગળ વધવું, નહિ તો તમારી સાક્ષી બનીને જોયા કરવાનું છે. જગદંબા એનું પોતાનું કાર્ય પોતે જ ક૨શે. સૌએ આઈની આજ્ઞા માથે ચડાવી. આઈ વગેરે સરધારમાં પહોંચ્યાં ત્યાં શેખનો હજૂરિયો તેના દસેક સાથીઓ સાથે રાહ જોતો ઊભો હતો. તેણે દૂરથી આઈને આવતાં જોયાં એટલે તે દોડીને બાકર શેખ પાસે પહોંચ્યો અને ગામની વચ્ચે દરબારગઢની તેની મેડીના બજારના મુખ્ય રસ્તા પર ગોખમાં શેખને તેડી લાવ્યો અને બજારમાં દૂરથી આવી રહેલ આઈ તરફ આંગળી ચીંધીને બોલ્યો કે,‘દેખિયે હજૂર ! વહ નૂરેજહાઁ-જિન્નત કી રોશની આ રહી હૈ.'

આઈનું દિવ્ય અલૌકિક રૂપ, મૃગપતિ જેવી ગૌરવભરી ચાલ અને તેજ તેજના અંબારવાળી દિવ્ય પ્રતિભા જોઈને બાકર શેખ છક્ક થઈ ગયો, પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, એ ન્યાયે તેનાં અજ્ઞાનનાં પડળ ઊઘડ્યાં નહીં. કામુકતાના કાદવમાં ખૂંચેલા એ પાપાત્માએ હુકમ કર્યો કે, જાઓ જાઓ, જલદી જાઓ ઔર વહ નૂરે મહતાબ-જિન્નત કી પરી કો યહાં બુલા લાઓ. આજ્ઞા થતાં તો એ હજૂરિયો દોડ્યો અને પોતાના સાથીદારો સાથે આઈની પાસે પહોંચ્યો અને આઈને કહ્યું કે, આપકો શેખ સાહબ બુલા રહે હૈં તો ચલો હમારે સાથ ચલો.

(આઈની સાથે બાકર શેખના માણસો વાતો કરે છે તે જાણીને ગામ લોકો ભેળા થવા લાગ્યા. પરિસ્થિતિનો ખ્યાલ કરી શું કરવું તેની વાતો ક૨વા લાગ્યા) દરમિયાન આઈએ હજૂરિયાને ઉત્તર આપ્યો કે, હું ન આવું તો તમે શું ક૨શો ? એટલે હજૂરિયાએ કહ્યું કે, નહિ આઓગી તો પકડ કર લે જાયેંગે. એટલે આઈ તિરસ્કારભર્યા ગંભીર સ્વરે બોલ્યાં, એમ ! પકડીને લઈ જશો ? કોણ પકડનાર છે ? એમ કહીને આઈએ બંને હાથ મસળ્યા, ઘસ્યા ત્યાં તો આઈ જીવણીના અંગ પ્રત્યંગથી અગ્નિના તણખા ઝરવા લાગ્યા અને આઈએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું. તે જોઈને પકડવા આવેલા ભાગ્યા.

ત્યાં આઈએ ગગન ગજવતો પડકાર કર્યો, ક્યાં છે તમારો બાકર શેખ ? ક્યાં છે એ વિષયલંપટ શેખ ? મેડી ઉપર એમ કહેતાં કહેતાં પોતે શેખની માઢ મેડીના પ્રાંગણમાં દાખલ થયાં અને ધમધમધમ દાદરો ચડવા લાગ્યાં. ઉપર જઈને જુએ છે તો બાકર શેખ જરિયાની રેશમી કપડાં પહેરી, હીરામોતીના હારથી શણગારાઈને અત્તર તેલ ફુલેલમાં ગરકાવ થઈને પલંગ પરના દોઢ હાથના રેશમી ગાદલા પર તકિયાને અઢેલીને, મૂછોને વળ દેતો પડ્યો હતો. તે દાદરાના ધમધમાટને સાંભળીને ઊભો થઈને આઈને ભેટવાની ઇચ્છાથી સામો આવ્યો, પણ આઈનું

વિકરાળ રૂપ જોઈને તે ખચકાણો. ત્યાં આઈએ પડકાર કર્યો ! બાક૨ શેખ ! તારે રૂપ માણવું છે ? આવ હાલ્યો આવ. ચારણ આઈનું રૂપ કેવું હોય તે જોઈ લે. એમ કહેતાં તો આઈએ નરસિંહરૂપ ધારણ કર્ય અને ભયંકર ગર્જના કરી બાકર શેખ પર ઝપટ કરી. 

બાકર ભાગી નીકળવાનો પ્રયત્ન કરવા ગયો, ત્યાં હાથનો ઝપાટો લગાવીને નરસિંહ બનેલા આઈએ તેને પાડી દીધો. તે ઊભો થવા ગયો ત્યાં બીજી હાથલ (પંજો) તેના માથા પર પડી અને તે પછડાયો. આઈ તેના પર ચડી બેઠાં. બાકર શેખના મોતિયા મરી ગયા. તેના હોશહવાસ ઊડી ગયા. મોતના મુખમાંથી છૂટવાના ફાંફા માર્યા, પણ બધું વ્યર્થ ગયું અને નરસિંહરૂપ બનેલાં એ સિંહમુખી આઈ જીવણીએ તેની છાતી ચીરી નાખી. તેને યમધામમાં મોકલી દીધો. ઉપાડીને નીચે રસ્તા પર ફેંક્યો અને ફરીને ગગન ગજાવતી ડણક દીધી. બાકરના મહેલ, મેડી, માળિયાં ધ્રૂજી ઊઠ્યાં અને આઈ સિંહમોઈ – જીવણી માઢ મેડીએથી ગર્જના કરતાં કરતાં નીચે ઊતર્યાં અને બાકરનું લશ્કર તેની શિરબંધી, તેની બીબીઓ ભય આતંક આશ્ચર્યથી વિમૂઢ બની દોડી આવ્યાં.

આ બાજુ શહે૨ની સર્વ હિન્દુ પ્રજા દોડી આવી. સૌ પ્રથમ ધાનો ગઢવી અને ચારણો નૃસિંહ બનેલાં આઈને પગે લાગ્યાં. એટલે બાકરનાં બીબી બચ્ચાં, તેના લશ્ક૨વાળા પણ સૌ પગે લાગ્યાં. ગામના આગેવાનો, મહાજનો સૌ ભેળા થઈ ગયા.

“જય માતાજી, જય માતાજી” ના ઘોષ ગાજવા લાગ્યાં. સૌ હાથ જોડી પગે લાગવા માંડ્યા, પણ બાળકો, આઈનું સિંહ સ્વરૂપ જોઈને ગભરાતાં હતાં એટલે આઈ જીવણીએ પોતાની લીલા સંકેલી લીધી અને પૂર્વવત્ મનુષ્યશરીર ધારણ કરીને બંને હાથ ઊંચા કરી સૌને આશીર્વાદ આપ્યા અને પછી બોલ્યાં, ‘બાકર શેખને એનાં પાપોની સજા થઈ છે. પ્રજાના દુઃખના નિવારણ માટે મા તેને સંહારવો પડ્યો છે અને મારું જીવનકર્તવ્ય, તમને એના ત્રાસમાંથી મુક્ત કરવાનું કર્તવ્ય આજે પૂરું થયું છે. માતાજી-જગદંબા મને પોતાની પાસે બોલાવી રહ્યાં છે. એટલે હું તમારી સૌની, માતા-પિતા તથા કુટુંબીજનોની, સૌ ચારણોની અને સરધારની પ્રજાની હવે સદા માટે વિદાય લઈશ. મારે સતી થવું છે, તેથી કોઈએ કાંઈ દિલગીર થવાનું નથી. હું આ શરીર છોડીને આખા વિશ્વમાં, તમારામાં સૌમાં વ્યાપી જઈશ. નાનું ખોળિયું છોડીને બ્રહ્માંડને આવકારતાં જગ જનનીના સ્વરૂપ સાથે એક થઈશ.એટલે મારું શરીર નહીં હોય પણ હું તમારી સાથે જ રહીશ. માટે કોઈએ દુઃખ લગાડવાનું નથી. આંસુ પાડવાનાં નથી. અસ્તુ. હવે તરત જ ચિતા તૈયા૨ ક૨ાવો.’

આટલું બોલી આઈ પોતાના કુટુંબીજનો, માતા-પિતા સૌને યથાયોગ્ય રીતે મળ્યાં.

દરમિયાન સરધારની દક્ષિણ બાજુએ હાલે જ્યાં આઈનું સ્થાનક છે ત્યાં ચંદન, શમી, પીપળ, ઉંબરો, વડ વગેરે પવિત્ર વૃક્ષોનાં કાષ્ઠોની ચિતા રચાણી. નારિયેળ, ટોપરાથી તેને સજાવવામાં આવી અને તે પર ઘીનું સિંચન કરવામાં આવ્યું. આ બાજુ આઈએ સોળે શણગાર સજ્યા. હાથમાં ત્રિશૂળ ધારણ કર્યુ, શરણાઈઓએ સિંધૂડાના સ્વરો રેલાવી વાતાવરણને ભરી દીધું. ત્રાંબાળુ ઢોલ ગર્જવા લાગ્યા. સુવાસણો, કુમારિકાઓ મંગળ ગીતો ગાવા લાગી.

ચારણ નેસની બાળાઓ-બહેનો ચરજો ગાવા લાગી. ચારણો ચાડાઉ ચરજો અને છંદો બોલવા લાગ્યા. ધૂપોના ધમરોળથી આકાશ છવાયું. અબીલ-ગુલાલની એલી મચી અને આઈ જીવણી મોટા સમારોહ સાથે ચિતાસ્થાને પધાર્યાં. ચિત્તાની વિધિવત્ પૂજા કરી, તેની પ્રદક્ષિણા કરી, ગંગાજળનો તેના પર છંટકાવ કર્યો. પોતે સૂર્યનારાયણને, વિશ્વરૂપ આકાશને, વાયુને, અગ્નિને, જળને, પૃથ્વીને હાથ જોડી નમસ્કાર કર્યા. જનમેદની તરફ પ્રથમ હાથ જોડ્યા પછી હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા અને જય જગદંબા,જય જગદંબાની ધૂન ગર્જી ઊઠી. આઈએ ચિતા ૫૨ આરોહણ કર્યુ. તેના પર પદ્માસનવાળી બિરાજમાન થયાં. જગદંબાનું સ્મરણ કર્યુ, આહ્વાન કર્યુ હાથ મસળ્યા તેમાંથી અગ્નિશિખાઓ પ્રગટી ઊઠી. ફરીને ધૃતધારાઓનું સિંચન થયું અને જય જગદંબા જય જગદંબાના સ્વરોની મંગળધૂન સાથે જગદંબા આઈ જીવણીના ભૌતિકશરીરને અગ્નિજ્વાળાઓએ લપેટી લીધું.

સરધારના કિલ્લાની દક્ષિણ બાજુએ રાજકોટ-ભાવનગર ધોરીમાર્ગને કાંઠે એ સ્થાન પર આઈ સિંહમોઈ-આઈ જીવણીની દેરી છે.

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .