સોનલ માં નો ઈતિહાસ sonal mata history Gujarati

આઈશ્રી સોનબાઈ માં નો ઇતિહાસ

Jul 1, 2024 - 23:02
Jul 1, 2024 - 23:32
 0  32
સોનલ માં નો ઈતિહાસ sonal mata history Gujarati

આઈશ્રી સોનબાઈ માં નો ઇતિહાસ 

ભારત વર્ષની પાવન ભુમિ પર ગુર્જરધરાના સોરઠ પ્રદેશમાં જુનાગઢ જિલ્લામાં કેશોદ નજીક મઢડા નામના નાનકડા ગામમાં તુંબેલ ગોત્રની મોડ શાખામાં ગઢવી હમીર માણસુરના ઘેર માતાજી રાણબાઈની કુખે વિ.સં. ૧૯૮૦ પોષ સુદ - ૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારનાં સાંજે ૮ - ૩૦ વાગ્યે એક તેજસ્વી દીપકનું પ્રાગટય થયું.

* પોષા શુકલ બીજ સુખ દાઈ, ચારન ગૃહે અંબા આઈ સાયમ સમયે ભુમિ સુત બારા, શીતલ સમીર શીત અપારા *

સંત સ્વભાવના પિતાજી હમીર મોડના આ પાંચમી પુત્રી હતા. પુત્રની આશા રાખનાર ભારતીય સમાજમાં ચાર પુત્રીઓ પછી પાંચમું સંતાન પુત્ર આવે એવી આશા સ્વાભાવિક છે. તેથી પાંચમી પુત્રી જન્મતા આનંદ ન થાય પરંતુ અહીયા ઉલટું હતું. હમીરબાપુને અગાઉ થઈ ગયેલ આ સોનબાઈમાં સરાકડીયા વાળાએ વચન આપ્યુ હતું. કે તમારી પાંચમી પુત્રી જગદંબાનો અવતાર હશે અને એ દીકરી મોડ કુળ સાથે સમસ્ત ચારણ જાતી અને હિંદુ સંસ્કૃતિનો ઉદ્રાર કરશે. તેથી હમીરબાપુ પુત્રી જન્મના સમાચાર મળતા જ હર્ષિત બની નાચી ઉઠયા હતા. ભગવાન રામના જન્મના સમાચાર સાંભળી જેવો આનંદ મહારાજા દશરથને થયો હતો તેવો આનંદ હમીરબાપુને થયો. હમીરબાપુએ ભાઈઓને બોલાવી ઉત્સવ કર્યો અને મીઠાઈ વહેચી બ્રાહ્મણોને દાન આપી સંતુષ્ટ કર્યો. માતાજીનું નામ સોનબાઈ પાડવામાં આવ્યું બાળક સોના ખુબ જ સ્વરૂપવાન હતા. સાથે તીવ્ર બુદ્ધિશકિત અને હોશિયાર હતા. સ્મૃતિશકિત તો ગજબની હતી જન્મજાત મનસ્વી હતા, પોતાનુ ધાર્યું કરતા. આઈમાં ગીતો, અને હરિરસના દોહા બોલતા. મધુરકંઠથી રામાયણની કથા સંભળાતા એમનો કંઠ બુલંદ હતો અને તેમને સંગીત તરફ ભારે આકર્ષક હતું. પુજય માતાજી સામાન્ય શાળામાં ન ભણ્યાં પરંતુ જગતને પાઠ ભણાવવા માટે જીવનની પાઠશાળામાં ભણ્યાં હતા. આઈશ્રી સોનબાઈ માતાજીની યોગ્ય ઉંમર થતા માતાજી રાણબાઈના અતિ આગ્રહને વશ થઈ લગ્ન કરવા પડયા. પરંતુ લગ્ન દિવસે જ પોતાના બ્રહ્મચર્યના આજીવન વ્રતની તેમણે ઘોષણા કરી હતી. માતાજી રાણબાઈમાં તથા હમીરબાપુના સ્વર્ગવાસ પછી આઈમાંએ અનેક તીર્થયાત્રાઓ કરી. આઈમાં નવરાત્રી મહોત્સવ મઢડામાં ધામધુમથી ઉજવતા, આઈમાંએ ચારણ સમાજનો ઉદ્રાર કરવા સમસ્ત ભારત વર્ષનો પ્રવાસ કર્યો. દરેક પ્રદેશમાં દરેક ચારણ ગામમાં ગયા. દેવી પુત્ર ચારણોની દુર્દશા જોઈ દુઃખી થયા. જે ચારણો કવિકુળના વારસદાર હતા, જે ચારણો દેવી વિચારોના વાહક હતા.જે ચારણોના ઘેર આઈ ખોડિયાર, આવડ કરણી, નાગબાઈ, જેવી જોગમાયાઓ જન્મી હતી. જે કુળમાં સાંયાજી ઝુલા - ઈસરદાસજી ,કાગબાપુ જેવા અનેક કવિઓ સંતો ભકતો, સાહિત્યકારો જન્મયા હતા તે દૈવી કુળની દુર્દશા જોઈ આઈમાં ખુબ જ દુ:ખી થયા. આઈમાએ ચારણોના ગામડે ગામડે ઘેર ઘેર જઈ સત્ય વાત સમજાવી ચારણી અસ્મિતા ફરી જાગૃત કરવા તનતોડ પ્રયત્નો કર્યા. ચારણોના ભવ્ય અને દિવ્ય ગૌરવશાળી ઈતિહાસની અમર કથાઓ આઈમાએ ચારણોને સંભળાવી સમસ્ત ભારત વર્ષના ચારણોને એક મંચ પર લાવવા માટે વિ.સં.

૨૦૧૦ વૈશાખ સુદ ૩ બુધવારના આઈમાએ મઢડામાં ચારણ સંમેલન બોલાવ્યુ. અને એમાં સમાજ સુધારણાને લગતા અનેક ઠરાવો થયા.આઈમાંએ આઝાદીની લડતમાં પણ સારી રીતે ભાગ લીધો હતો. જુનાગઢના નવાબને જુનાગઢ છોડી જવા સમજાવ્યું. અને રાજપુતો અને ચારણોને તેના સ્વતંત્ર ગામો ભારતસંઘ સાથે જોડી દેવા આજ્ઞા કરી. જુનાગઢ ભારતસંધ સાથે જોડાય એમાં આપણું હિત છે એ વાત સમજવવા આઈમાં ગામડે ગામડે ઘુમ્યા. આઈમા મઢડા છોડી કણેરી ગામમાં વસવાટ કર્યો. ફરી ફરી સૌરાષ્ટ્ર કચ્છ અને રાજસ્થાનના પ્રવાસો કર્યા. આઈમાં ૧૧ વખત કચ્છમાં પધાર્યા હતા. કચ્છમાં બધા જ ચારણ ગામોને પોતાની પદ રજ વડે પાવન કર્યા.ગામડામાં ઘર કરી ગયેલા વહેમો, અંધશ્રધ્ધા,કુરિવાજો,દારૂ. અફીણ જેવા વ્યસનો,દહેજ પ્રથા,કન્યા વિક્રમ, બલિ ચડાવવાની પ્રથા જેવા અનેક દુષણો દુર કરવા આઈમાંએ અથાક પ્રયત્નો કર્યા. તેમના પ્રયત્નોથી કચ્છમાં ચારણ છાત્રાલયનો પ્રારંબ થયો. તેઓ શિક્ષણ પર ખુબ જ ભાર મુકતા કન્યા કેળવણીના ખાસ હિમાયતી હતા. આઈમાએ ચારણ માતાજીઓને પોતાનો ગૌરવ પુર્ણ વારસો જાળવી રાખવા હાકલ કરી હતી તેમના પ્રયત્નોથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું હતું. સમાજના આગેવાનો સક્રિય બનીને સમાજનું કાર્ય કરવા લાગ્યા હતા. અનેક લોકોને ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનું કામ કરવા પ્રેરણા પુરી પાડી હતી. મારૂ, કાછલા, તુબેલ, પરજીયા, સોરઠીયા, અગરવચ્છા, ગુજરા અને સિંધિયા જેવા પ્રદેશ ભેદો અને ૨૩ ગોત્રો સાડા ત્રણ પહાડામાં વહેંચાયેલ ચારણ સમાજને સંગઠિત કરવા આઈમાએ અથાક પ્રયત્નો કર્યાં. ફકત ચારણો નહી સોની, મેર, મૈયા, જેવી અનેક જ્ઞાતિઓમાં સુધારણા લાવવા માટે તેઓ જીવનભર મથતા રહ્યા.સમસ્ત ભારત દેશમાં ચારણોએ એક બનીને જુનાગઢમાં આઈમાંનો વન પ્રવેશ મહોત્સ ઉજવ્યો. માતાજીને ચાંદીથી તોળવામાં આવ્યા.તેમની યાદમાં મઢડાને યાદમાં મઢડાને સોનલ ધામ નામ આપવામાં આવ્યુ.આઈમાં જે કાર્ય માટે આવ્યા હતા તે કાર્ય માટે તે પુરૂ થયુ હોવાથી વિ.સં ૨૦૩૧ કારતક સુદ ૧૩ તા.૨૭/૧૧/૭૪ બુધવારના વહેલી સવારે પ્રભાત ૫-૧૫ વાગ્યે આ પંચ મહાભુતના દેહનો ત્યાગ કરી પરમતત્વમાં લીન થયા. પુ. આઈમાના પાર્થિવ દેહનો તેમના નિવાસસ્થાને કણેરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે હજારો નહિ બલ્કે લાખો ભક્તોની આંખમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી. આઈમાંના સ્વધામગમન બાદ પછીના વર્ષથી જ સમગ્ર ભારતમાં તેમના જન્મ દિવસ “ સોનલ બીજ * તરીકે ઉજવવાનો પ્રારંભ થયો.પોષ સુદ - ૨ ના દિવસે ચારણો પ્રભાતના વહેલા ઉઠીને એક બીજને જય માતાજી કહી ભેટે છે. સોનલ બીજ ચારણો માટે નુતન વર્ષ સમાન બની રહી છે. આખા ગુજરાતમાં જન્મોત્સવ સમારોહ હોય છે.

લેખક :- આશાનંદ સુરાભાઈ ગઢવી

ઝરપરા-મુંદરા,કચ્છ.

સંદર્ભ :- આશાનંદ સુરાભાઈ ગઢવી દ્વારા કચ્છમિત્રમાં છપાયેલા લેખ માંથી

Files

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें