શ્રી સોમનાથ દાદાની સખાતે ખરા રાજપૂત ખાંટ અમર ગાથા - somnath history of Gujarati

શ્રી સોમનાથ દાદાની સખાતે ખરા રાજપૂત ખાંટ

Jun 21, 2024 - 14:36
Jun 22, 2024 - 00:34
 0  1578

1. સોમનાથ દાદાની સખાતે ખરા રાજપૂત

સોમનાથ દાદાની સખાતે ખરા રાજપૂત

જય સોમનાથ...ભગવાન સોમનાથ મહાદેવનું નામ સાંભળતા જ ભક્તોના દુઃખડાઓનો નાશ થાય છે, એવા દેવાધિદેવ મહાદેવની સમગ્ર ભારત દેશમાં બાર જ્યોતિર્લીંગ આવેલી છે, આ બાર જ્યોતિર્લિંગમાં સોમનાથ પ્રખર અને પ્રથમ જ્યોતિર્લિંગ છે, આપણે વાત કરીએ અરબ સાગરના કાંઠે બિરાજમાન દાદા સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિર્લિંગની... દેશ વિદેશથી સોમનાથ મહાદેવના મંદિરે લાખો ભક્તો ભોળાનાથને શીશ ઝુકાવે છે, દાદા સોમેશ્વરનું મંદિર જયારથી નિર્માણ થયું ત્યારથી અનેક વખત વિધર્મીઓએ સોમનાથ મંદિર પર હુમલાઓ કર્યા છે, છતાં આજે પણ સોમનાથ દાદાની ધજા ફરકે છે, તેની પાછળનું કારણ છે અનેક વખતે થયેલા વિધર્મીઓના હુમલાઓને પડકાર કરનારા અનેક નરબંકાઓ અને કેટલીક ખમીરવંત જાતિઓના લોહી રેડાય ગયા છે, જેમાની એક અડીખમ અને ખમીરવંતી કોમ ખાંટ રાજપૂત છે, ખાંટ રાજપુતોના અનેક વીર યોધ્ધાઓએ પોતાના માથાઓ દાદા સોમનાથ મહાદેવની રક્ષા કાજે ચડાવ્યા છે, જેમની હકીકત બારોટદેવના પરિયા (ચોપડા)માં જોવા મળે છે, આવો જાણીએ ભગવાન સોમનાથ દાદાની સખાતનો ભવ્ય ઇતિહાસ...

2. છત્રીસ વંશનો દુહો

દસ શશી દસ સૂર્ય કે:દુવા દસ ઋષિ પ્રમાન, ચાર વંશ અગ્નિ કે:એહી ક્ષત્રી કુળવાંન... અર્થ :- દસ સાખ ચંદ્ર વંશી દશ સાખ સૂર્ય વંશી બાર સાખ ઋષિ વંશ અને ચાર સાખ અગ્નિ વંશની છે એમ કુળ ક્ષત્રી સાખ રાજપૂત થાઈ છે.

3. છત્રીસ વંશના રાજપૂતની રાજધાની અને શહેરની વિગત

૧. આબુગઢત્યાં પરમાર ૨. સોતગઢ ચહુવાણ૩. નાગરેગઢ વાજા ૪. બ્રમાડગઢ બારાડા ૫. માંડવગઢ વાળા ૬. મનુરગઢ મકવાણા ૭. દામગઢ દોડીઆ ૮. જેતલપર દેદા ૯. બખાઈડે મઇડા ૧૦. સોનગઢ પછીઆર ૧૧. વિરીગઢ સુમરા ૧૨. આદગઢ ગીલોતર ૧૩. દિલીગઢ તુવર ૧૪. ભલગઢ સોલંકી ૧૫. વાથળગઢ વાઘેલા ૧૬. શંખ દ્વારકા વાઢેળ ૧૭. આસાગઢના ટાંક ૧૮. વેજલ પેરના વેજા ૧૯. તારણગઢના રેવર ૨૦. ખેયણગઢના ગોહેલ ૨૧. પારગઢ સીસોદીયા ૨૨.ચિત્રોડ રાણા ૨૩. સાતપર ઝાલા ૨૪. પાટણના ચાવડા ૨૫. ઈડરના પડાળીઆ ૨૬. રેણગઢના ચકલા ૨૭. જેસલ મેર ભાટી ૨૮. જૂનાગઢ ચુડાસમા ૨૯. ગઢ ગાગરોડના ભીમલા ૩૦. કાસાવન રાઠોડ ૩૧. કાનવન ટીકા ૩૨. રાખોળગઢ મેવાડા ૩૩. ઓખા મંડળ કાબા ૩૪. બુંદીગઢ હાડા ૩૫. ધૂમલીના જેઠવા ૩૬. મથુરા નગરી જાદવરાઈ આમ છત્રીસ વંશ રાજપૂતની રાજધાની અને શહેરની હકીકત બારોટદેવ દર્શાવેછે,

4. સોમનાથ મંદિર પર ચડાઈ મહમદ બેગડો

સોમનાથ મંદિર પર ચડાઈ મહમદ બેગડો

જેદી દિલ્લીની ગાદીએ મહમદ બેગડો થયો જેને સોરઠમાં સોમનાથ પાટણ ઉપર સવંત ૧૪૭૦ માં ચડાઈ કરવા સોમનાથનું મંદિર તોડવા બ્રાહ્મણોને વટલાવવા આ વાતની ખબર પાટણના રાજા મૂળરાજ ચાવડાને પડી તે સમયે મૂળરાજે ઉપર કહ્યા તે રજવાડાઓને ગામના રાજાઓને ખબર (પત્રો) મોકલ્યા કે મુસલમાન બાદસા મહમદ બેગડો આપણા ધર્મના દેવળ તોડવા માટે દિલ્હીથી સોરઠમાં આવે છે માટે જે કોઈ રાજપૂત ક્ષત્રીય હોય તેણે અમારી મદદે નહી સોમનાથ મહાદેવની મદદે આવવું કારણકે આપણો ધર્મ :

ગાયનું ભૂમીનું ને ધર્મનું રક્ષણ કરવાનો છે.તે સમયે ક્ષત્રીય વંશના રાજાના ફટાયા ભાયો કોઈ દસ ઘોડા કોઈ વીસ ઘોડા લઈને દેશ ગુજરાતમાં ગઢ કામેરીમાં ભેળા થયા તેદી સાતવીસ રાજપુતો ફોજ (સૈન્ય) તૈયાર કરીને સાથે બાર હજાર બેલી નીકળ્યા હતા એ સમયે ફોજના (સૈન્યના) મુખ્ય માણસો પાતલજી ભટી તથા હમીરજી ગોહેલ, સત્રસલ સરવૈયા, સીધશે સોલંકી અને સિધપુર પાટણના પ્રધાન જાની બ્રાહ્મણ નાગજી મહારાજ, ભીમડાદના ભારોજી ચુડાસમા, અણહિલવાડના નાગરાજ સોલંકી, વ્રજરાજસિંહ મકવાણા ( જેનો પાળિયો હાલ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આ વાતની સાક્ષી પૂરે છે) આવા અનેક અડાભીડ વીર રાજપુતો ફોજના મોવડી હતા.

5. આહેર ભાભેર ગઢ ઉપર ચડાઈ

આહેર ભાભેર ગઢ ઉપર ચડાઈ

ત્યાંથી ફોજ (સૈન્ય) લઈને પ્રથમ આહેર ભાભેરના ગઢ ઉપર ચડાઈ કરી પણ તે ગઢ માથે એકવીસ દિવસ સુધી લડયા તો પણ ગઢ જીતાઈ નહીં તે ગઢમાં મુસલમાની ચાર દેવ હતા ૧. વાકડીબીબી ૨. નુંરબીબી ૩. કલબીબી ૪. આહેજોપીર જે બેલમશાપીર કેવાઈ છે. (જે હાલ આપણા મેર,મોરી અને ભેડા ને પૂજાય છે) તે પાતલજી ભટી ને સપનામાં આવીને કહ્યું કે જો તમો મુસલમાન 

થાવ તો ગઢ જીતાસે ત્યારે આ વાત સવારે પાતલજીએ પોતાના રાજપૂત બેલીઓને કરી એ સમયે બધાએ નક્કી (નિર્ણય) કર્યો કે મુસલમાન નો થઈએ પણ મુસલમાની દિનનો ધર્મ પાળવાનું બીડું ફેરવો ત્યારે એ સમયે તે બીડું ત્રણ વીરોએ (જણાએ) જીલ્યું અને મુસલમાની ધર્મ પાળવાનું નક્કી થયું એક પાતલજી ભટી, બીજા મુરિસર પાટણ ના મુળુજી પરમાર અને ત્રીજા ભારોજી ચુડાસમા આ ત્રણેય કે જેને અડધો મુસલમાન ધર્મ પાળવાનું નકકી કર્યું જેમાં પાંચ વખત નમાજ પઢવી.પેલે દિકરે સુનત કરાવવી ડાઢીમાં ચેકો થાઈ નહીં અને કબર આપવી તેમજ દીકરી બળે અને વહુ દટાઈ આ પ્રમાણે કબુલ (સ્વીકાર) કર્યું ત્યારે ગઢ જીત્યા ને ફતેહ (જીત) કરી (આ આહેર ભાભેર ગઢના યુદ્ધમાં ચાર હજાર જેટલા રાજપુતો વીરગતિને પામ્યા છે) અને પાતલજીના વંશજો મેર થયા. મુળુજીના વંશજો મોરી થયા અને ભારોજીના વંશજો ભેડા થયા એ પ્રમાણે ત્રણેમાં છોરૂ ન વરે. (હાલ આપણા સમાજમાં મેર,મોરી અને ભેડા તે રીતરિવાજોની સંસ્કૃતિ જાળવી રાખી છે)

6. રસ્તામાં વેગડાજી ભીલ સાથે મિલન

રસ્તામાં વેગડાજી ભીલ સાથે મિલન

પછી ફોજ (સૈન્ય) લઈને ગઢ નાંદિવેલા ને ગામ દીઓર આવ્યા ત્યાં વેગડા નામે ભીલ તથા અમરેસ ડાભી અને મેહ નામે મોરબીયો રહેતા હતા અને જેની સાથે બીજા સાતવીસુના ઝૂંપ હતા, ત્યા આ રજવાડા રજપુતોનું આઠ હજાર બેલીઓનું મવાડું (ફોજે) ઊતર્યું ત્યારે વેગડા ભીલે ફોજના મુખી પાતલજી ભટી તેમજ હમીરજી ગોહેલને પૂછ્યું કે આ આઠ હજારની ફોજ કયાં લઈને જાવ છો ત્યારે હમીરજી ગોહેલ અને પાતલજી ભટી કહે કે અમો રજવાડાં રજપૂત હિન્દુ રાજા છીએ અમે આઠ હજાર બેલીઓ સાથે સોમનાથ મહાદેવની સખાતે જાઈએ છીએ ત્યાં મુસલમાન બાદશાહ આવે છે ને શંકરના દેવળ તોડશે અને બ્રાહ્મણોને વટલાવશે માટે અમો અમારા ક્ષત્રીય ધર્મ સંભાળવા ખાતર સોમનાથ પાટણ જાઈએ છીએ ત્યારે વેગડા ભીલે પૂછ્યું રજપુતો તમે પરણેલા છો? કે કુંવારા? ત્યારે પાતલજી ભટી બોલ્યા કે કુવારા છીએ અને જો પરણેલા હોય તો મેડિયુંના મોલ અને વૈભવનો મોહ મુકાય નહિ ત્યારે વેગડો ભીલ કહે કે કુંવારા શંકરને મસ્તક ચડે નહી,અને સોમૈયો સખાત માને નહી ! કુંવારા ધડ ન લડે અને કુંવારા જે પુરૂષ મરે તે અસુરગતી પામે અને વાહે લીલ કરવા પડે. ત્યારે બધા બેલીઓ મુંજાણા કે હવે અત્યારે કયાં પરણવા જાય!? ત્યારે વેગડો ભીલ બોલ્યા કે અમો પણ હિન્દુ રાજા છીએ અને જો તમો હા પાડો તો સાતવીસુ કન્યા તમોને ધોળે ધરમે પરણાવું અને તમારી સાથે અમો પણ સોમનાથ દાદાની રક્ષા કાજે આવીએ.

7. ખાંટ ભીલ ની હકીકત

જો આ ખાંટ ભીલ છે તે મહાત્મા ધ્રુવ ના વંશ છે, તેના વંશ્મા જ્યારે વેણુ નામે રાજા થયો તે રાજા અભિમાની થયો અને પોતાને ઈશ્વર માનવા લાગ્યો ત્યારે ઋષિઓએ તેનો નાશ કર્યો તેથી રાજા વગર રાજ્ય થયું જેનું રક્ષણ કરવા હેતુ ઋષિઓએ વેણુ ના દેહમાં થી એક પુરૂષ ઉત્પન્ન કર્યો જેના વંશના આ ખાંટ ભીલ છે, અને તે પણ ગઢ નાંદિવેલામા રાજકરતા હતા. ત્યારે ફોજના સેનાપતી (મુખી) પાતલજી અને હમીરજી બોલ્યા કે બેલીઓ પરણતા જાયે હવે કાઈ ભાયું ભેળા બેસવાના નથી ત્યારે બેલીઓએ પરણવાની હા પાડી.

8. ભીલ કન્યાઓ સાથે લગ્ન

ત્યારે સાતવીસુ રાજપુતો એ કેસરીયા વાઘા પહેરીયા અને હાથે હેમના મીંઢોળ અને લગ્નની શરણાઇઓ વાગી રહી છે. ગઢ નાંદિવેલા ને ગામ દિયોરને સ્થાને વેગડા ભીલે પાતલજી અને હમીરજી સહીત વળેવળના સાતવીસુ રજપુતો માટે સાતવીસુ (૧૪૦) કન્યાઓ ના મંડપે મંગલ વરતાયાં, ત્યારે વેગડા ભીંલે ત્યાં સગાવહાલા તેડાવીને સાતવીસુ કન્યાઓ ના કન્યાદાન કર્યા અને સવાસોમણ (૧૨૫) ઘી વાપર્યું અને સાથે ભળીયા તે વખત (તે સમય)ના સવંત સાલના દુહા.

દુહો :- સવંત ચઉંદ સીતેરમાં : ગઢ દીઓરે ગામ, પાતલતીયા પરણીયા : ધરીયું ખાંટ જ નામ. દુહો:- જેસળ મેરા જગ : કહે અતળીબળ ઉટાંટ પરણા ભીલ પદમણી : ક્ષત્રીય પાતલથી ખાંટ.

અર્થ :- સંવત ચઉંદ (૧૪૭૦) ને સીતેરની સાલમાં દીઓર ગામે રાજપુત પરણીયાને ખાંટ રાજપુતની છાપ પડી અને અતી બળવાન શુરવીર પુરૂષ પાતલજી ભટી સૈન્ય ના (ફોજના) મોવડી હતા, તેની સાથે બીજા રાજપુતો પણ ભીલ કન્યાઓ સાથે પરણીયા.

 

ત્યાંથી વેગડો ભીલ,મેહજી મોરબીયો, અમરેશ ડાભી, ફોજમાં (સૈન્યમાં) ભળ્યા તેનો દુહો,

 

દુહો:-ડાભી અમરેશ દેખીયો: હતો મોરબીયો મેહ, ભીલ વેગડ તે ભળ્યા તણેય મળ્યા તેહ.

9. સોમનાથ મંદિરમાં યુદ્ધ

અને સાથે ખાંટ રાજપુતોનું મવાડું સોમનાથ પાટણ આવ્યા બાદશાહની ફોજ આવીને સામ સામે બને સૈન્ય ટકરાણાં ઘમાંશાણ યુદ્ધ થયું. હમીરજી ગોહેલ લાઠીયા એ મસ્તક ઉતારી સોમનાથ મહાદેવ ને ચડાવ્યું ધડ ને બાદશાહ ના દળ સામું લડાવ્યું તેનો દુહો

દુહો : એક હાથે સીર સાચવે: દુજેહાથે અહર હણે

વખાણંદ વળે : કિયો હાથ હમીરરો

ત્યાર પછી વેગડો ભીલ તે બાદશાહ સામા લડ્યા ને વિરગતી પામ્યા અને તેની ખાંભી ડેલીના ગડારામાં છે. તેનો દુહો

દુહો :- વેગડ વડ ઝુંજાર: ગડક બારી ગડીયો નહીં સિધ સમા રણહાર :

 લઈ આભે અડકાવીયે તેમ બીજા રાજપૂતો ધીંગાણામાં ઉતરીયા અનેક રાજપુતોએ શંકરને

મસ્તક ચડાવી અને ધડ બાદશાહના દળ સામે લડાવ્યા જેમાં મવાડા ના મુખીઓમાં વીર વજરાજસિંહ મકવાણા, ખેતાજી સરવૈયા, અમરેશ ડાભી, નાગરાજ સોલંકી, જેવા અનેક રાજપુતો એ સોમનાથનું રક્ષણ કરતા કરતા પોતાના દેહ ખપાવી દીધા અને તે યુદ્ધમાં સોમનાથ દાદાની રક્ષા કાજે એક હજાર રાજપુત તથા ખાંટ ભીલો ત્રીવેણીને કાંઠે કામ આવ્યા અને બાદશાહના દળ સામેજીત કરી,

 

અને દરેક ખાંટ અને રાજપૂત પાછા ગામ દીઓરે આવ્યા અને ત્યાં તેનો એક એક વસ્તાર થયો પછે

જ્યારે આવા શુરવીરોના પુત્રો ના જન્મ થયા હશે ત્યારે એ ઘડી કેવી હશે એ માતાના ઉદરમાં પોઢતા પોઢતા તે યુદ્ધના નાંદને સાંભળ્યો હશે!

10. ખાંટ રાજપુતોની છપ્પન શાખ પડી

પોતાના દસોદી બારોટને ત્યાં તેડાવી તેના મોટા દીકરા વણવીર બારોટના ત્યાં પગ પંખાળીયા અને સાથે ભેળવ્યા, જે મૂળ બ્રહ્મભાટ હતા પણ સાથે રોટીનો વહેવાર કર્યો. પછી બારોટ કહે કે અમો તમારી સાથે વટલાણા માટે અમારી આજીવીકા બાંધી દીયો ત્યારે સર્વે રાજપુત ભાયોએ બારોટના હક બાંધી દીધા તે દરેકના વંશને પાળવા તેવું બંધારણ કર્યું.

કે જ્યારે પેલે દિકરે નામ મંડાવે ત્યારે સોળ સોનામોર કાનના અકોટા ઘૂઘરીયાળી ચૂંદડીને વધાવાની થાળીને લાડબંધની કોથળી. અને દીકરો પરણે ત્યારે વરરાજાના વાઘા જે (લૂગડા) તોરણનો ઘોડો દાપૂ એક સોનીઓ આ પ્રમાણે સર્વે મળીને હક (આપેલ અધિકાર) કરી દીધા છે. એ સમયે બારોટદેવ શ્રી વણવીરજી એ ક્ષત્રિય ખાંટ રાજપુતોની છપન શાખની મેળવણી કરીને પાડી, અને પોતાના કુળગોર જગદેવ નામના ગોર બ્રાહ્મણને તેદી તેડાવી જગદેવ ગોરે પણ પોતાના બારોટદેવ તરીકે એ વણવીર બારોટના પગ પખાળ્યા તેદીથી ગોરદેવ તથા બરોટદેવ ને અજાચી કરી દીધાને એ સમયે બારોટદેવ શ્રી એ ખાંટ ક્ષત્રિય રાજપુતોની છપન્નથી વધુ શાખોની વર્ણન કરેલ તે:-

૧. મેર ૨. ભેડા ૩. મોરી ૪. ભડલીયા ૫. ભાખોત્રા ૬. વેગડવા ૭. કાલરીયા ૮. સોળાંકી ૯. મૂળિયાં ૧૦. વાઘેલા ૧૧. તળાજીયા ૧૨. મોરબીયા ૧૩. વાગડીયા ૧૪. કંડોળીયા ૧૫. જેઠવા ૧૬, પીપળીયા ૧૭. સરવૈયા ૧૮. બળદાણીયા ૧૯. ડોડીયા ૨૦. વળાયા ૨૧. મીતીયાણા ૨૨, મેઘવડા ૨૩. ભોકીયા ૨૪. ડેરડીયા ૨૫. ધાડવી ૨૬. મેરવળા ૨૭. જોળીયા ૨૮. પાટરીયા ૨૯. જાંબેસા ૩૦. મકવાણા ૩૧. ડાભી ૩૨. ચહુંવાણ (ચૌહાણ) ૩૩. ધુંધવળા ૩૪. બાંભણીયા ૩૫. ભૂતિયા ૩૬. ખસીયા ૩૭. વણાર ૩૮. પરમાર ૩૯. ગુજરાતી ૪૦. રાઠોડ ૪૧. ચાવડા ૪૨. ઝાલા ૪૩. પડાયા ૪૪. દેવધરીયા ૪૫. કાંબળીયા ૪૬. સરમાળી ૪૭. ગોહેલ (ગોહિલ) ૪૮. ભીલ ૪૯. નાવડીયા ૫૦. બારૈયા ૫૧. બાટઈયા (બાટવીયા) ૫૨. બોરીસા ૫૩. ભાલીયા ૫૪. રોજકીયા ૫૫. લાલકીયા ૫૬. ડેર ૫૭. ડાંગર ૫૮. વાળા સિગડ.

 

દેવાધિદેવ મહાદેવની બાર જ્યોતિલીંગ માની પ્રખર જ્યોતિલીંગ સોમનાથ મંદીર પર દાદા સોમૈયાની ધજા આજે પણ અડીખમ ફરકે છે તેનું કારણ છે અનેક નરબંકા યોદ્ધાઓએ પોતાનું બલિદાન આપ્યું છે,ભગવાન સોમનાથ દાદાની સખાત વિશે અનેક લોકોએ અને અનેક ઇતિહાસકારોએ પોત પોતાના તારણ મુજબ લખ્યું છે પરંતુ જે કોમનું નિર્માણ અને અસ્તિત્વ જ સોમનાથ દાદાની રક્ષા કાજે થયું છે તે ક્ષત્રિય ખાંટ રાજપૂત કોમના વહીવંચા બારોટ દેવના પરીયામાં આજે પણ છે અને આજે પણ જે રાજપૂત સોમનાથ દાદાની સખાતે ચડ્યા હતા તેના વંશજો ખાંટ રાજપુત કોમ માં છે...એટલે જ કહેવાય છે ને કે વક્ત બદલતા હે રક્ત નહિ...જય સોમનાથ

 

 

11. સંકલન

શ્રી ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજ સુરવિરોની સૌર્યગાથા ગૃપ દ્વારા શ્રી બારોટદેવના (પરિયા) ચોપડામાંથી.

Download from PDF history in Gujarati

શ્રી સોમનાથ દાદાની સખાતે ખરા રાજપૂત ખાંટ.PDF

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें