ઓઢો ખુમાણ Odha Khuman history

Odha Khuman history in Gujarati

Jun 22, 2024 - 18:57
Jun 22, 2024 - 19:01
 0  40
ઓઢો ખુમાણ Odha Khuman history

ઓઢો ખુમાણ 

આંસોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠાં દરબાર ઓઠો ખુમાણ દાતણ કરે છે. પ્રભાતમાં 'કરણ મહારાજનો પહોર' ચાલે છે. બરાબર એ જ ટાણે પરગામથી કોઇ એક બાઇ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઇને ગઢની અંદર આઇને ઓરડે ચાલી ગઇ.

"ભગા ડેર !" ઓઢા ખુમાણે આ અજાણ્યાં પગલાં ઉપરથી વહેમાઇને પોતાના ચાકરને કહ્યું : "જાવ, તપાસ કરો, કોણ મહેમાન આવ્યાં છે ?"

ભગો ડેર ઓઢા ખુમાણનો વફાદાર જોદ્ધો હતો. ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઇ પોતાના ખોળામાં લઇને બેઠેલાં છે, એને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યાં છે, અને વડારણ આખી વીતક વાર્તા સંભળાવે છે :

"માડી ! આ દીકરા પાલીતાણા દરબાર નોંઘણજીના કુંવર થાય. એમનું નામ ઉન્નડજી. અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી બેઠા છે, અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે. આ બાતમી અમારા કાને પડી. મા બિચારાં ફફડી હાલ્યાં, દીકરો કોને જઇ સોંપવા ? અલ્લુજીની ધાકના માર્યા કોણ સાચવે ? અને પૈસાને લોભે દગોય કોણ ન રમે ? આઇ! એકાએક મારાં માને આપા-ઓઢો ખુમાણ-સાંભર્યા. એણે મને કહ્યું કે, 'આપો મારા જીભના માનેલ ભાઇ બરોબર છે. એના ખોળામાં મારા ઉન્નડ આશરો પામશે. જા, ઝટ આપાને સોંપી દે. વીરને કે'જે કે બોન ઓળખતી-પાળખતીયે નથી, તોય 'ભાઇ' કહીને ભાણેજનાં રખવાળાં ભળાવે છે.' "

વાત સાંભળીને ઓઢા ખુમાણનાં ઘરવાળાં બાઇનું અંતર ભીનું થઇ ગયું. ઉન્નડજીને હૈયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું : "તયીં બાપ, તમે એકલાં કાં આવ્યાં? માને કેમ ન લાવ્યાં ?"

"અરેરે આઇ ! મા તો અલ્લુજીની કેદમા કે'વાય. જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જ શેના આપે ? હું તો અધરાતે આ દીકરાને લઇને છાનીમાની નીકળી આવી, તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી'તી."

"કેમ ?"

"કેમ શું ? રસ્તે રૂપાવટી ગામ આવ્યું. રૂપાવટીમાં કાકો ભગવતસંગ રહે. ત્યાં કુંવર સાટુ હજામ હોકો ભરવા ગયો. કાકાને ખબર પડી કે ઉન્નડજી ભાગી જાય છે. અલ્લુજી તો ઊગતો સૂરજ ! એને પૂજવાનુું કોણ ભૂલે ? કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી. હજામ પીતો પીતો આવ્યો, અને થોડીવારમાં તો માર્ગે ઢળી પડ્યો. ભગવાનનાં રખવાળાં, તે કુંવર બચી ગયા. માંડ આંહીં તમારે ખોળે પહોંચ્યાં છીએ. આઇ ! મારાં માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી !"

"ભગા ડેર !" આઇએ કહ્યું : "કુંવર ઉન્નડજીને ડેલીએ તેડી જાવ, અને કાઠીને કે'જો કે આખ્યુંનીય ઓળખાણ વિનાની રજપૂતાણીએ વિશ્વાસે વીરપહલી માગેલ છે. સાચા ધરમ-ભાઇને શોભે તેવું કરી દેખાડજો."

દાતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઇ જેમ ઓઢા ખમાણે ઊગતા સૂરજ સામા હાથ જોડ્યા અને સ્તુતિ કરી કે -

ભલે ઊગા ભાણ ! ભાણ તુંહારાં ભામણાં,

મરણ જીયણ લગ માણ, રાખો કાશપરાઉત !

તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગો ડેર ચોપાટમાં આવ્યા, ઓળખાણ આપી, અને વાડારણે કહેલી આખી વાત વર્ણવી, તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વભરી ભક્તિ ઊભરાઇ. એ બોલ્યા:

"આવ્ય, બાપ ઉન્નડ, આવ્ય. તને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું." એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો.

એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટ્ટહાસ્ય નીકળી ગયું.

ઉન્નડજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠો. પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી; એણે પૂછ્યું : "કેમ મેરામભાઇ ! તમારા હસવાનો મરમ શું છે ?"

"મરમ બીજો શું? તમારે કહ્યે કાંઇ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે છે, ઓઢા ખુમાણ ! એ તો એમ બોલાય, પણ ભાયડા હોય તે વિચારીને બોલે."

ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા; પછી એક ઘૂંટડો પીધઓ હોય તેમ બોલ્યા :

"ખરું છે, મેરામભાઇ! લ્યો, ત્યારે આ ખોળામાં જ ઉન્નડજીને બેસાડી રાખી પરબારા પાલીતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસોદરનું પાણી હરામ છે." એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલિ ભરીને નીચે ઢોળી, ચોપાટમાંથી ઊભા થઇ ગયા અને હુકમ કર્યો : "લાવો, મારી ઘોડી."

ધોડી પર બેસી, અંગે હથિયાર ધરી, ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા. ખોળામાં કુંવર ઉન્નડજી બિરાજે.

પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે 'એક સો, એક સો ઘોડેસવાર આવીને આજ રાતે મને પાંચતોબરાને પાદર ભેગા થાય.' એ પ્રમાણે બારસો શસ્ત્રધારી યોદ્ધાનાં ઘોડાં આવીને પાંચતોબરામાં હણહણી ઊઠ્યાં. રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી. એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનાવાળી મેર બોલ્યો : "આપા, જો અત્યારે ઘોડાં ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોદ્ધાને એક છોઇ ફાડ પણ ઇજા નહિ થાય. વિના જખમે પાલીતાણું લેવાશે."

ફોજ ચડી ચૂકી. પોહ ફાટતાં પાલીતાણાને પાદર પહોંચ્યા. દરવાજો ખૂલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું. રાજના અમીરોએ, પ્રજાજનોએ, અને સૈનિકોએ ઓઢા ખુમાણના ખોળામાં ઉન્નડજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા. તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી, પોતાના બાળરાજાના હિતનું છે. કોઇએ સામાં શસ્ત્ર ન ઉગામ્યાં.

પણ દરબારગઢની ડેલી પર કેસર ભાથી નામનો એક રજપૂત પોતાના એંશી ઘોડેસવારોને લઇને સામે ઊભો રહ્યો. ઓઢા ખુમાણે એને બહુ સમજાવ્યો : "કેસર, હું પાણીતાણાના ધણીની ખાતર આવ્યો છું. મારે પાણીતાણાનો દાણોય ન ખપે. તું ખસી જા."

"આપા ઓઢા ખુમાણ ! આજ આ બુઢ્ઢા દાંતની અંદર અલ્લુજીનું અન્ન ભર્યું છે. હું રજપૂત છું; એક ભવમાં બે ધણી નહિ કરું." કેસર ભાથીએ એવો જવાબ દઇને અવતાર દીપાવ્યો.

ધીંગાણું જામ્યું. બન્ને બાજુ શૂરવીરો હતા; કેસરના જોદ્ધા કપાવા લાગ્યા; ઓઢાના આદમીઓ પણ ઊડવા લાગ્યા. સહુ જુદ્ધમાં તલ્લીન છે, કોઇનું ધ્યાન નથી; તેવામાં માઢ માયથી અલ્લુજી દેખાણો. હાથમાં પ્રચંડ સાંગ હતી તે અલ્લુજી એ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી પલવારમાં ઓઢો અને કુમાર ઉન્નડજી બંનેનો જીવ નીકળી જાત; પણ નિમકહલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બેય ઊડશે ! એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો. ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી; પોતાનો માલિક બચી ગયો. એ બધું પલમાં બન્યું. અલ્લુજી હથિયાર વિનાનો થઇ પડ્યો. ઓઢાએ ભાલાનો ઘા કર્યો. અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું.

એ જ દિવસે દરબાર ભરીને ઓઢા ખુમાણે કુંવર ઉન્નડજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ઓઢા ખુમાણને બિરદાવ્યો કે -

ઘાટોડે ઘડિયો, તુંને લૂણ તણા,

માટીઆઇએ માણા, એતી જ હૂતી ઓઢિયા,

હે લૂણા ખુમાણના દીકરા ઓઢા ખુમાણ ! તને જ્યારે પ્રભુરૂપી કુંભારે (ઘાટોડે) ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ, તને બનાવવા પૂરતી જ, માટી (મરદાનગીરૂપી) રહી હતી. તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી.

(પૂર્ણ)

Dhrmgyan यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें