મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇતિહાસ મહારાજા ની ઉદારતા Maharaja Sayajirao Gaikwad History in Gujarati

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇતિહાસ મહારાજા ની ઉદારતા Maharaja Sayajirao Gaikwad History in Gujarati

Jul 8, 2023 - 21:33
Jul 8, 2023 - 21:40
 0  986

1. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇતિહાસ

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇતિહાસ

સયાજીરાવ ગાયકવાડ રાજ્યના મહારાજ જ નહી પણ ભારતના રાષ્ટ્રવાદી, સમાજ સુધારક અને આર્થિક વિકાસના પ્રણેતા હતા

ગુલામી કાળમાં હિંદમાં આર્થિક રાષ્ટ્રવાદ પ્રગટાવનાર વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડને ૧૫૬ વર્ષની જયંતી અવસરે શ્રદ્ધાંજલિ

સયાજીરાવ ગાયકવાડ (૧૧ માર્ચ ૧૮૬૩ - ૬ ફેબુ્રઆરી ૧૯૩૯)ની ૧૫૬ વર્ષની જયંતીને અવસરે એમને યાદ કરીને અત્રે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમનો જન્મ મહારાષ્ટ્રના કવળાણા નામનાં ગામડામાં તા. ૧૧-૩-૧૮૬૩નાં રોજ થયો હતો. તેઓ માત્ર વડોદરા રાજ્યનાં મહારાજા જ નહીં પણ સમગ્ર ભારતનાં ટોચનાં રાષ્ટ્રવાદી, સમાજ સુધારક અને આર્થિક વિકાસના પ્રણેતા હતા. સયાજીરાવે આર્થિક રાષ્ટ્રવાદને ચરિતાર્થ કરી બતાવ્યો હતો.

વળી હિંદમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર સૌપ્રથમ રાજવી સયાજીરાવ હતા. એમણે છેક ૧૮૯૨માં અખતરા તરીકે અમરેલી તાલુકો પસંદ કર્યો હતો અને આ અખતરો સફળ થતાં સયાજીરાવે ૧૯૦૬માં સમગ્ર વડોદરા રાજ્યને આવરી લીધું. ૧૮૭૯માં એમણે બરોડા આર્ટસ કોલેજ સ્થાપી. 

૧૯૦૭માં બરોડા કોલેજનાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને આપેલા વ્યાખ્યાનમાં સયાજીરાવે કહ્યું

''વહાલા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો, આપ સૌ એટલું યાદ રાખજો કે હિન્દુસ્તાન ઉપર વિદેશી શાસન પ્રવર્તે છે અને તેથી આ દેશ અતિશય ગરીબ અને નિરક્ષર રહ્યો છે. તેથી તમે બધા ખૂબ ભણીને નિષ્ઠાપૂર્વક દેશની સેવા કરજો. દેશનાં સર્વાંગી વિકાસ માટે સુગ્રથિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની આજે ભારે જરૂર છે.''

સયાજીરાવે એમની શિક્ષણવ્યવસ્થામાં દલિતો, આદિવાસીઓ અને સ્ત્રીઓને ખાસ સ્થાન આપ્યું હતું. છેક દૂરદૂરનાં ગામડાંઓ સુધી તે પ્રસર્યું હતું. ૧૯૦૯માં પૂનામાં યોજાયેલા 'ડિપ્રેસ્ડ ક્લાસિસ મિશનનાં' મેળાવડામાં સયાજીરાવે કહ્યું હતું :

''જ્યાં સુધી અછૂતો, વનવાસીઓ અને મહિલાઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં નહીં આવે ત્યાં સુધી દેશ પછાત રહેશે. હું હિંદુ શિક્ષકોને દોઢો પગાર આપતો હોવા છતાં સવર્ણ શિક્ષકો અછૂતો અને આદિવાસીઓને ભણાવવા તૈયાર થતા નથી. તેથી મારે તેમને ભણાવવા માટે મુસલમાન, પારસી અને ખ્રિસ્તી શિક્ષકોને રાખવા પડે છે.''

મહારાજા સયાજીરાવે આ કામ કરી બતાવ્યું. જેમ કે જ્યારે ૨૧-૨૨ વર્ષનાં બાબાસાહેબ આંબેડકરને કોઇ ઓળખતું નહોતું તે સમયે ૧૯૧૩માં એમને ઉચ્ચ અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ અને અમેરિકા મોકલનાર બીજા કોઇ નહીં, પણ સયાજીરાવ ગાયકવાડ હતા. તેઓ યુગદ્રષ્ટા હતા. તેમણે ભરેલું આ પગલું સાચે જ ક્રાન્તિકારી સાબિત થયું હતું. ડૉ. આંબેડકરે સયાજીરાવનાં સ્વપ્નને ચરિતાર્થ કરીને જે ધગશથી સમગ્ર ભારતનાં દલિતોનાં ઉત્થાન માટે ભગીરથ પ્રયાસ કર્યો તેનો જોટો જડે તેમ નથી.

સયાજીરાવે ભારતીય ક્લાસિકલ મ્યુઝિકને આગળ ધપાવ્યું

વડોદરા નગર ભારતીય સંગીતનું મોટું કેન્દ્ર હતું. મહારાજા સૌપ્રથમ કિરાના ઘરાણાનાં ઉસ્તાદ મૌલાબક્ષને ૧૮૯૨માં લઇ આવ્યા અને મુમીક કોલેજનાં પ્રિન્સીપાલ તરીકે સ્થાપિત કર્યા. તેમનાં અવસાન બાદ સંગીતકાર અબ્દુલ કરીમખાન વડોદરામાં આવ્યા.

ત્યાર બાદ ૧૯૧૨માં સયાજીરાવે વિશ્વપ્રસિધ્ધ સંગીતકાર ઉસ્તાદ ફેયાઝખાનની નિમણૂક રાજ્યનાં ગવૈયા તરીકે કરી. ફૈયાઝખાન ધુ્રપદ, ખ્યાલ, ટપરા, ઠુમરી, ગઝલ અને કવ્વાલી જેવી વિવિધ ચીજો કોઇ અલગ મિજાજમાં ગાતા અને ભજનો તો એવા અલૌકિક તાનમાં ગાતા કે શ્રોતાજનો ભાવવિભોર થઇને 'બહોત ખૂબ', 'ક્યા બાત હૈ' જેવા ઉદ્ગારો કાઢતા હતા. 

તેઓ ધુ્પદ, ધમારમાં 'નોમ્, તોમ' સાથે 'તું હી અનંત હરિ ઓમ' લલકારતા ત્યારે જાણે સમય પણ થંભી જતો અને કોઇ 'દિવ્ય શાંતિ'નાં દર્શન થતાં. આવાં કારણોસર ભારતની સૌપ્રથમ મ્યુઝિક કોન્ફરન્સ ૧૯૧૬માં વડોદરાનાં દરબાર હોલમાં ભરાઇ હતી. ફૈયાઝખાન અને મહારાજા સયાજીરાવે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.

આ કોન્ફરન્સમાં પંડિત ઓમકારનાથ ઠાકુર, અલવરના મુસરફખાન, ભાતખંડે, જયપુરનાં કલ્લનખાન અને ઈન્દોરના ઈમદાદખાન પધાર્યા હતા અને એમણે શ્રોતાજનોને ડોલાવ્યા હતા. શ્રોતાજનોમાં ઉગતા જતા યુવા સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઇ પણ હતા. 

જે જમાનામાં અંગ્રેજોએ હિન્દના ગૃહઉદ્યોગોને તોડયા હતા ત્યારે સયાજીરાવે વડોદરા-નવસારીના ગામડાઓમાં ઉદ્યોગો સ્થાપી રાજ્યને પગભર બનાવ્યું

દાદાસાહેબ ફાળકેના ફોટોગ્રાફી પ્રેમને જોતા સયાજીરાવ અને પ્રિન્સિપાલ ટી.કે.ગજ્જરે એમને માટે જર્મનીથી કેમેરા મંગાવ્યો હતો

જૂના ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા અને આધુનિક ટેકનોલોજીને અનુરૂપ નવા ઉદ્યોગો શરૂ કરવાનાં આશયથી સયાજીરાવ અને બરોડા સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ટી.કે. ગજ્જરે ૧૮૯૦માં કલાભવનની (ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી) સ્થાપના કરી હતી. આજના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રખ્યાત ફેકલ્ટી ઓફ ટેકનોલોજીનાં મૂળિયાં આ રીતે ૧૮૯૦માં નંખાયા હતા

સયાજીરાવ ગાયકવાડ આર્થિક રાષ્ટ્રવાદનાં મોટા પુરસ્કર્તા હતા. પોતાનાં દેશ અને રાષ્ટ્ર પ્રત્યે જો સાચો પ્રેમ હોય તો દેશમાં બનેલી ચીજોનો જ ઉપયોગ કરવો જોઇએ. જેમ કે જ્યારે ઈંગ્લેંડમાંથી આયાત થતું ઢગલેબંધ કાપડ હિંદને પાયમાલ કરી રહ્યું હતું ત્યારે ખાદીનો પ્રચાર કરવા મહાત્મા ગાંધીએ દેશભરમાં રેંટીયો અને ચરખો લોકપ્રિય બનાવ્યો હતો.

જે જમાનામાં અંગ્રેજોએ હિંદના ગૃહઉદ્યોગોને તોડયા અને 'મેઈડ-ઈન-ઈંગ્લેંડ'ની વસ્તુઓની આયાતો કરીને હિંદની પ્રજાને નિર્ધન કરી તે જમાનામાં સયાજીરાવે વડોદરા અને નવસારી જેવા શહેરો ઉપરાંત ગામડાઓમાં ઈંટ, ખાંડ અને દીવાસળી જેવા ઉદ્યોગો સ્થાપીને રાજ્યને પગભર બનાવવાનાં પ્રયાસો કર્યા હતા. ઓખામાં તેમણે સિમેન્ટનું કારખાનું અને પેટલાદ અને બીલીમોરામાં દીવાળી બનાવવાના કારખાના સ્થાપ્યા હતા.

૧૮૮૪માં એમણે ગણદેવીમાં ઈંટનું અને ૧૮૯૦માં ખાંડનું કારખાનું સ્થાપ્યું હતું. ૧૮૯૦માં સયાજીરાવે 'સ્ટેટ એન્ટરપ્રાઇઝ'નાં ભાગરૂપે વડોદરામાં સુતરાઉ કાપડની મીલ સ્થાપી હતી. તેનાં ઉદ્ઘાટન વખતે એમણે કહ્યું હતું : ''વડોદરા રાજ્યનાં વેપારીઓ અને શાહૂકારો અમદાવાદનાં શેઠીયાઓની જેમ આધુનિક મીલ ઉદ્યોગ શરૂ નથી કરતા, અને તે કારણથી માત્ર દાખલો બેસાડવા માટે જ મેં રાજ્યની માલીકીની આ મીલ સ્થાપી છે.

જે દિવસે મારી પ્રજામાંથી કોઇ સાહસિક તૈયાર થશે તે દિવસે હું તેને ઘણાં સસ્તા દરે આ મીલ વેચી દઇશ.'' ત્યાર બાદ ૧૯૦૫માં 'સ્વદેશી આંદોલન' વખતે હરગોવિંદદાસ દ્વારકાદાસ કોટાવાળા નામનાં ખડાયતા વણીકે આ મીલ ખરીદી લીધી અને તેને 'મહારાજા મીલ' નામ આપીને ખાનગી એન્ટરપ્રાઇઝ શરૂ કર્યું.

તે જ પ્રમાણે મહારાજાએ આપેલા પ્રોત્સાહનને લીધે જ ૧૯૦૭માં 'બેંક ઓફ બરોડા'ની સ્થાપના થઈ હતી. સયાજીરાવે ખેતી, વેપાર, ઉદ્યોગ અને બેંકીંગ જેવા ક્ષેત્રોનું સંકલન કરીને વડોદરા રાજ્યને એવું તો સમૃધ્ધ બનાવ્યું હતું કે વડોદરા રાજ્ય તે સમયનાં રજવાડાઓ (પ્રીન્સલી સ્ટેટસ) માટે ''રોલ મોડેલ'' ગણાતું !

જૂનાં ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા અને આધુનિક ટેકનોલોજીને અનુરૂપ નવા ઉદ્યોગો શરૂ કરવાનાં આશયથી સયાજીરાવ અને બરોડા સાયન્સ કોલેજનાં પ્રિન્સીપાલ ટી.કે. ગજ્જરે ૧૮૯૦માં કલાભવનની (ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી) સ્થાપના કરી હતી. આજના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પ્રખ્યાત ફેકલ્ટી ઓફ ટેકનોલોજીનાં મૂળિયાં આ રીતે ૧૮૯૦માં નંખાયા હતા.

કલાભવનમાં મુખત્યત્વે સુથાર, લુહાર, કડીયા, વણકર, દરજી, રંગરેજ અને ઘાંચી જેવા કારીગરો ઉપરાંત ખેડૂતો દાખલ થયા હતા. તેથી બરોડા કોલેજમાં ફીલોસોફી, ઈંગ્લીશ લીટરેચર, પોલીટીક્સ ઈકોનોમીક્સ, સંસ્કૃત, ગુજરાતી અને મરાઠી જેવા વિષયો ભણતા સવર્ણ હિંદુઓ 'નવી ફુટેલી ફાંકડી મૂછ'માં હસતા હતા કે કલાભવન તો ''મજૂરીયા કોલેજ છે, માત્ર હાથપગ જ હલાવવાનાં, બ્રેઇનનો ઉપયોગ જ નહીં.'' તે સમયનાં કલાભવનનાં વિદ્યાર્થીઓ શેક્સપીયર, કાલીદાસ વર્ડઝવર્થ અને ગોવર્ધનરામ ત્રિપાઠીમાં શું સમજે ?! તેમને અંગ્રેજી આવડે નહીં.

પણ મહારાજાએ આવા વિદ્યાર્થીઓ માટે 'સયાજી જ્ઞાાન મંજૂષા' સીરીઝ શરૂ કરી અને સંખ્યાબંધ અંગ્રેજી પુસ્તકોનું ભાષાંતર ગુજરાતી અને મરાઠીમાં કરાવ્યું. ગુજરાતીનો અનુવાદ કરવા તેમણે મણીલાલ નભુભાઇ દ્વિવેદી તથા મણીશંકર રત્નજી ભટ્ટ (કવિ 'કાન્ત'') જેવા પ્રખર વિદ્વાનોને નીમ્યાં. વળી તાલીમ માટે અદ્યતન વર્કશોપ્સ સ્થાપ્યા. આ રીતે કલાભવનમાં કારીગર વિદ્યાર્થીઓ સીવીલ, મીકેનીકલ, કેમીકલ અને ઈન્ડસ્ટ્રીયલ ટેકનોલોજીનો અભ્યાસ કરવા પણ અમદાવાદ, મુંબઇ, જમશેદપુર, કાનપુર, લાહોર, કલકત્તા અને હૈદરાબાદ જેવા શહેરોમાં એવી તો માંગ હતી કે કલાભવનમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓને તરત મીલો અને કારખાનાઓમાં સારા પગારે નોકરી મળવા લાગી. તે જોઇને આર્ટસ કોલેજમાં ભણેલા ગ્રેજ્યુએટો ડઘાઇ જતા હતા, કે ''મારૂં હાળું, આ તો ખરૂં ! આપણે રહી ગયા, અને આ મારા બેટાઓ લાભ ખાટે છે !'' પણ એ તો શું થાય !!

સયાજીરાવે આ રીતે વર્ણવ્યવસ્થા સામે કુઠારઘાત કરીને સમાજ પરિવર્તન કર્યું હતું. સયાજીરાવ ગાયકવાડે સાચે જ જાદૂ કર્યો હતો ! આજે ૨૧મી સદીમાં હવે ભણતરનો ઝોક વધારે ને વધારે પ્રોફેશનલ બનતો જાય છે, પણ તેનાં પાયામાં ખરેખર તો મહારાજાનો આ નવાચારી (ઈનોવેટીવ) દ્રષ્ટિકોણ અને સંકલ્પ હતો.

આજે જેમનાં નામ ઉપરથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં મશહૂર એવોર્ડ એનાયત કરવામાં આવે છે તે દાદાસાહેબ ફાળકે ૧૯૯૩-૯૫ કલાભવનમાં ભણ્યા હતા. તેમનો આ ફોટોગ્રાફીનો શોખ જોઇને સયાજીરાવ ગાયકવાડ અને પ્રિન્સીપાલ ટી.કે. ગજ્જરે એમને માટે જર્મનીથી ખાસ મુવી કેમેરા આયાત કર્યો હતો.

દાદા સાહેબ ફાળકે કલાભવનમાં ફોટોગ્રાફી અને મુવી કેમેરા શીખ્યા હતા અને ત્યારબાદ તેમણે ૧૯૧૧માં મુંબઇની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો પાયો નાંખ્યો હતો. પણ તેનાં પાયામાં આર્થિક રાષ્ટ્રવાદનાં ભીષ્મપિતામહ વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા !

આજે સયાજીરાવના જન્મને ૧૫૬ વર્ષ પુરાં થયાં છે. તેમ છતાં તેઓ તદ્દન ભૂલાઇ - વીસરાઇ ગયા છે. આવાં કારણોસર આપણે તેને યાદ કરીને અંજલિ અર્પીએ છીએ. આશા છે કે આ નાનકડો લેખ વાચકોને કામમાં આવશે. વળી ખાસ કરીને આજનાં નવયુવાનોને જરૂર પ્રેરણા મળશે.

Makrand-Mehta

2. મહારાજા ની ઉદારતા

મહારાજા ની ઉદારતા

અંગ્રેજ હકુમત સમયે ગુજરાતનાં વિશાળ પ્રદેશમાં ગાયકવાડી સરકાર નું શાસન હતું, તે સમયનાં રાજા મહારાજાઓ પ્રજાનાં સુખદુઃખ જોવાં સાદા પોષાકમાં દિનચર્યા નિહાળવા નિકળતા અને પ્રજાના પ્રશ્નો નિહાળી ઉકેલ લાવતા.

વડોદરા ની ગાયકવાડી સરકાર નાં મહારાજા સાદા પોષાકમાં ઘોડેસવાર થઈ વડોદરા રાજ્યના એક ગામડામાં થી પસાર થતા હતા ,અન્ય ઘોડાં ઉપર મહર્ષિ અરવિંદ પણ તેમની સાથે હતા .

ગામડાં ગામનાં ,ધણચોક , માં અસંખ્ય ગાયો વચ્ચે એક રંક પ્રૌઢ મહિલા છાણનો છલકતો સુંડલો ભરી કોઈ ટેકો આપી માથાં પર ચડાવે એની આતુરતાથી રાહ જોઈ રહી હતી ,ઘોડા પર સવાર આગંતુક નેં જોઈ સહાયતા કરવાં સાદ કર્યો,સાદા પોષાકમાં મહારાજાને તેણે ઓળખ્યા ન હતાં, રંક પ્રૌઢાને સહાયતા કરવા ગાયકવાડી સરકાર ઘોડા પર થી નીચે ઉતરી છાણનો સુંડલો તે મહિલાનાં શિર પર ચઢાવ્યો...! બાજુમાં રહેલાં મહર્ષિ અરવિંદ મરક મરક હંસવા લાગ્યા..! ત્યારે મહારાજા એ મહર્ષિ અરવિંદ નેં પૂછ્યું : હેં મહર્ષિ..! આપ કેમ હંસ્યા...? મેં એક પ્રૌઢાને સહાયતા કરી તેમાં મારી કોઈ નાનપ લાગી..?!, ત્યારે મહર્ષિ અરવિંદે સહજ ભાવે કહ્યું : મહારાજ..! આપ નામદાર શ્રી એ તે પ્રૌઢ મહિલા ને સુંડલો ચઢાવવાનો ન હોય પણ તેનાં શિર પરનો બોજ સદાને માંટે ઉતારવા નો હોય..! એટલે મને હંસવુ આવ્યું..!,

ગાયકવાડી સરકાર સઘળી વાત સમજી ગયા, તે પ્રૌઢ મહિલા ની આર્થિક પરિસ્થિતિ અને વાસ્તવિકતા જાણી તે મહિલાનાં સંતાનો ભણી ગણીને સંપન્ન થાય ત્યાં સુધી તે પરિવારનો સઘળો ખર્ચ ગાયકવાડી સરકાર ભોગવશે એવો આદેશ કર્યો..! તે પ્રૌઢ મહિલા નાં શિર પર થી સદાને માંટે ટોપલો ઉતરી ગયો..!

ખરેખર કોઈ ને ક્ષણિક સહાયતા કરવા નેં બદલે સમસ્યા નિર્મૂળ કરવી શ્રેષ્ઠ ગણાય છે..!

આવા હતાં તે સમયના કેટલાક પ્રજા વત્સલ રાજવીઓ અને એટલે જ હજું પણ ભાવનગર નાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી , ગોંડલ નાં મહારાજા ભગવતસિંહજી, રાજકોટ નાં મહારાજા લાખાજી રાજ બાપુ અને વડોદરા ની ગાયકવાડી સરકાર નાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ હજુ આજે પણ લોકહૃદયમાં બિરાજમાન છે..!

શ્રી કિશોરભાઈ વાણિયા.

3. Disclaimer notices

 यह इतिहास इंटरनेट सर्फिंग और लोककथाओं के आधार पर लिखी गई है, हो सकता है कि यह पोस्ट 100% सटीक न हो। जिसमें किसी जाति या धर्म या जाति का विरोध नहीं किया गया है। इसका विशेष ध्यान रखें। (यदि इस इतिहास में कोई गलती हो या आपके पास इसके बारे में कोई अतिरिक्त जानकारी हो तो आप हमें मैसेज में भेज सकते हैं और हम उसे यहां प्रस्तुत करेंगे) [email protected] ऐसी ही ऐतिहासिक पोस्ट देखने के लिए हमारी वेबसाइट dhrmgyan.com पर विजिट करें

Dhrmgyan अब आप भी इस वेबसाइट पर जानकारी साझा कर सकते हैं। यदि आपके पास लोक साहित्य, लोकसाहित्य या इतिहास से संबंधित कोई रोचक जानकारी है और आप इसे दूसरों के साथ साझा करना चाहते हैं, तो इसे हमारे ईमेल- [email protected] पर भेजें और हम इसे लाखों लोगों के साथ साझा करेंगे। .